કઈ રીતે કોઈ કંપની સિદ્ધિઓનાં શિખરે પહોંચી જાય? - Sandesh
  • Home
  • Columnist
  • કઈ રીતે કોઈ કંપની સિદ્ધિઓનાં શિખરે પહોંચી જાય?

કઈ રીતે કોઈ કંપની સિદ્ધિઓનાં શિખરે પહોંચી જાય?

 | 5:51 am IST

કરન્ટ અફેર :-  આર. કે. સિંહા

નિશ્ચિત રીતે આપણે બધાએ જ દેશની કોર્પોરેટ દુનિયાની મુખ્ય કંપનીઓ જેવી કે રિલાયન્સ, તાતા, બિરલા, વિપ્રો, એચસીએલ વગેરેનાં નામ સાંભળ્યાં છે. પરંતુ જરા જણાવો કે આપણામાંથી કેટલા લોકોએ ક્વૈસ કોર્પનું નામ સાંભળ્યું છે ? માફ કરજો કે ક્વૈસ કોર્પના નામ અને કામથી બહુ ઓછા લોકો પરિચિત છે, પરંતુ આ અસાધારણ કંપની તરીકે તે આગળ આવી છે. તેણે તમામ મોટી સ્થાપિત કંપનીઓને પાછળ છોડી દીધી છે. અહીં વાત નફાની નથી, વાત થઇ રહી છે કે દેશમાં કઇ કંપનીની પાસે સૌથી વધુ કામદારો છે. ક્વૈસ કર્મચારીઓની સંખ્યાના સ્તરે ખાનગી ક્ષેત્રની સૌથી મોટી કપની તરીકે આગળ આવી છે. હવે તો તમે માનશો કે એ કોઇ સામાન્ય કંપની નથી. આમ તો તેના દેશભરમાં ૩.૮૫ લાખ કર્મચારીઓ છે. એ કોઇ નાનો આંકડો નથી. વાસ્તવમાં ક્વૈસ ખાનગી ક્ષેત્રની એમેઝોનથી લઇને સ્વૈગી જેવી તમામ કંપનીઓને તેમને યોગ્ય કર્મચારીઓ પૂરા પાડે છે. આ કર્મીઓ વિવિધ ક્ષેત્રોમાં સંલગ્ન કંપનીઓ માટે કામ કરે છે, પરંતુ તેઓ તો રહે છે ક્વૈસના કર્મચારીઓ. ક્વૈસમાંથી જ તે બધાને પગાર અને બીજા ભથ્થા ચૂકવાય છે. એક મહત્ત્વપૂર્ણ મુદ્દા પર નજર કરીએ કે ભારતની ખાનગીક્ષેત્રની કર્મચારીઓની સંખ્યાની દૃષ્ટિએ સૌથી મોટી કંપની તો તાતા કન્સલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ) છે. તેમની પાસે હાલ તો લગભગ સાડા ચાર લાખથી વધુ કર્મચારીઓ છે, પરંતુ તેના લગભગ એક લાખ કર્મચારીઓ દુનિયાના જુદા જુદા દેશોમાં છે અને તે જરૂરી પણ નથી કે તેમાંથી બધા કે મોટા ભાગના ભારતીયો જ છે. મતલબ કે તેઓ અન્ય દેશના પણ હોઇ શકે છે. જો કે તેમાં કંઇ ખોટું પણ નથી. પરંતુ ક્વૈસના તમામ કર્મચારીઓ તો ભારતીય જ છે. જો કે કર્મીઓની દૃષ્ટિએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઇએલ), ઇન્ફોસીસ, એચસીએલ, મહિન્દ્રા વગેરેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ છે.

હવે મુખ્ય મુદ્દા પર આવીએ કે આજના સમયમાં નોકરી કરવાથી વધુ મહત્ત્વ આપણો પોતાનો કોઇ કામધંધો ચાલુ કરવાનો છે. જો તમારી પાસે કોઇ જોરદાર આઇડિયા છે, તો તેને વાસ્તવિક રૂપ આપી જ દો. મોડું ક્યારેય ન કરો. ચોક્કસ માનજો કે તમે પણ જોતજોતાંમાં ડઝનો અને પછી સેંકડો કર્મચારીઓને રોજગાર આપી રહ્યા હશો. એ ચોક્કસ સંભવ છે. પ્રયાસ તો કરો. ક્વૈસના પ્રમોટરોના તો નામ પણ કોઇ જાણતું ન હતું. પરંતુ તેઓએ કુશળ યુવાનોને અન્ય કંપનીઓને તેમની આવશ્યકતા મુજબ તૈયાર કરવા શરૂ કર્યું છે. યાદ રાખો કે કોઇને નોકરી અપાવવાથી બહેતર અને સારું કામ તો બીજું કોઇ ભાગ્યે જ હશે. એ વાત એ જ સમજી શકે છે, જે ક્યારેક બેરોજગાર રહ્યો હોય. તે બેરોજગારીના સમય બાદ જ્યારે તેને રોજગારી મળે છે, તો તેના હૃદયમાંથી રોજગાર આપનારા માટે હૃદયથી દુઆ નીકળે છે.

સાંભળવામાં આવ્યું છે કે બેંગ્લુરૂ, દિલ્હી, મુંબઇ સહિત દેશના વિભિન્ન શહેરોમાં ક્વૈસની જેમ જ ઘણી અન્ય કંપનીઓ પણ સક્રિય છે, જે ખાસ કરીને આઇટી અને સર્વિસ સેક્ટરની કંપનીઓને કર્મચારીઓ મેળવી આપે છે. તેનાથી પણ લાખ્ખો કર્મચારીઓ જોડાયેલા છે. બેશક દેશને આ સમયે આ પ્રકારના સાહસિકો જોઇએ, જે અપેક્ષાકૃત ઓછા ભણેલા, જેની પાસે કોઇ ખાસ ચમકદાર ડિગ્રીઓ નથી, તેમને પણ સન્માનજનક રોજગારી અપાવે. જેની પાસે ઇજનેરી, આર્કિટેકચર, મેડિસિન, એવિએશન વગેરે સેક્ટરો સાથે જોડાયેલી ડિગ્રીઓ છે, તેમને વહેલી મોડી ક્યાંયને ક્યાં નોકરી મળી જ જશે. પરંતુ દેશને એ માનવી અંગે પણ વિચારવું પડશે કે જે ખાસ ભણેલાગણેલા નથી. જીવવાનો હક તો તેમને પણ છે.

હવે સરકારી નોકરીઓનો મોહ છોડવો પડશે. કેમકે સરકારી ક્ષેત્રની નોકરીઓ સતત ઘટી રહી છે, તેથી ત્યાં હવે રોજગારીની સંભાવના ઓછી થઇ રહી છે. દસેક વર્ષ પહેલાં રેલવેમાં ૧૮ લાખની આસપાસ કર્મચારીઓ હતા. હવે તેમની સંખ્યા ઘટીને ૧૨ લાખની આસપાસ થઇ ગઇ છે, જેથી નવયુવાનોને પોતાની કેરિયર અંગે નિર્ણય લેતા સમયે બધી સ્થિતિથી પોતાને વાકેફ કરી લેવા જોઇએ.

જુઓ, આજથી કેટલાંક વર્ષ પહેલાં સુધી વ્યવસાયી બનવું ખરેખર ખૂબ જ મુશ્કેલ હતું. ઉદ્યોગપતિ બનવાની ઇચ્છા રાખનારાઓએ પોતાનો ધંધો શરૂ કરવા માટે ક્યાંયથી લોન મેળવવા માટે તેણે ઘણા ધક્કા ખાવા પડતા હતા, પરંતુ હવે તેવી સ્થિતિ રહી નથી. હવે તો યુવાનોને સહેલાઇથી સ્ટાર્ટઅપ માટે લોન મળી રહે છે. સરકારની ઇચ્છા છે કે દેશના દેશનો નવયુવાન પણ સફળ વ્યવસાયી બને અને પોતાનો બિઝનેસ કરે. સરકાર મુદ્રા લોન હેઠળ કરોડો નવયુવાનોને લોન અપાઇ ચૂકી છે. સરકારનો આગામી કેટલાક વર્ષો દરમિયાન દેશના ૫૦ કરોડ લોકોને મુદ્રાલોન આપવાનું લક્ષ્ય છે. એક અનુમાન મુજબ ૧૯ કરોડ લોકોને લોન અપાઇ ચૂકી છે. મુદ્રાલોન યોજના દેશ માટે ગેમ ચેઇન્જર સાબિત થઇ શકે છે. મુદ્રાલોન તેમને મળે છે, જે પોતાનો કોઇ બિઝનેસ કરવાનું સપનું જોઇ રહ્યા છે. મુદ્રા યોજના દેશ માટે એક વરદાન સાબિત થવા જઇ રહી છે. મુદ્રા યોજના હેઠળ વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન ૪.૮૧ કરોડ લોકોને કુલ ૨૫૩૬૭૭.૧૦ કરોડ રૂપિયાની લોન અપાઇ હતી. તે હેઠળ મહિલાઓ અને દલિતો પર વિશેષ ધ્યાન અપાઇ રહ્યું છે. જો ભારતની નારીશક્તિ અને દલિત આર્થિક રીતે સ્વાવલંબી થઇ ગયા તો ભારત એક નવા યુગમાં પ્રવેશ કરશે.

એક વાત સ્પષ્ટ છે કે મોટામાં મોટો અને સફળમાં સફળ વ્યવસાયીની શરૂઆત તો નાના સ્તરેથી જ થાય છે. કોઇ પહેલા દિવસથી ૧૦૦ કર્મચારીઓની સાથે બિઝનેસ ચાલુ નહીં કરે. હવે ઇ કોમર્સની કંપની ફ્લિપકાર્ટની જ વાત લો. તેના સચિન બંસલ અને બિન્ની બંસલે ઘણા નાના પાયેથી જ શરૂઆત કરી હતી. એ બાક ફ્લિપકાર્ટે ઇ કોમર્સની દુનિયામાં જે કાંઇ કરી દેખાડયું, તે હવે આખી દુનિયા જાણે છે. જો કે સચિને ફ્લિપકાર્ટમાંથી પોતાનો હિસ્સો વેચીને હજારો કરોડ રૂપિયા કમાઇ લીધા છે. હવે તે કેટલીય સ્ટાર્ટઅપને આર્થિક મદદ પણ કરી રહ્યા છે. જો કે તેના દ્વારા શરૂ કરાયેલી બ્રાંડ તો ચાલી રહી જ છે, જેમાં સેંકડો-હજારો નવયુવાનોને બહેતરીન નોકરી પણ મળી છે.

( લેખક રાજ્યસભાના સાંસદ છે)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન