સાઉથ આફ્રિકામાં ભારત શ્રેણીવિજયથી એક જીત દૂર - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • સાઉથ આફ્રિકામાં ભારત શ્રેણીવિજયથી એક જીત દૂર

સાઉથ આફ્રિકામાં ભારત શ્રેણીવિજયથી એક જીત દૂર

 | 3:35 am IST

જોહાનિસબર્ગ, તા. ૯

છ વન-ડે મેચની સિરીઝમાં ૩-૦ની સરસાઈ ધરાવતી ભારતીય ટીમ આજે યજમાન સાઉથ આફ્રિકા સામે ચોથી વન-ડેમાં ટકરાશે ત્યારે તેની નજર વિજય મેળવી સાઉથ આફ્રિકાની ધરતી પર પ્રથમવાર શ્રેણી જીતવા પર રહેશે.

કોહલીની કેપ્ટનશિપમાં આ વર્ષની શરૂઆતમાં ભારતીય ટીમે સાઉથ આફ્રિકાનો પ્રવાસ શરૂ કર્યો ત્યારે કોઈએ પણ કલ્પના કરી નહોતી કે, વન-ડે સિરીઝમાં યજમાન ટીમ ભારત સામે ધરાશાયી થઈ જશે. સાઉથ આફ્રિકન બેટ્સમેનો ભારતીય સ્પિનરોનો સામનો કરવામાં નિષ્ફળ જતાં સિરીઝની શરૂઆતની ત્રણેય મેચ હારી ગઈ હતી. આ ત્રણ મેચમાં ભારતના સ્પિનર ચહલ અને કુલદીપે ૨૮માંથી ૨૧ વિકેટ ઝડપી હતી. આ પહેલાં ભારતીય ટીમ ૨૦૧૦-૧૧માં પણ સિરીઝ જીતવાની નજીક પહોંચતાં ૨-૧ની લીડ મેળવી હતી પરંતુ છેલ્લી બે મેચ હારી જતાં ૨-૩થી સિરીઝ ગુમાવવી પડી હતી પરંતુ આ સિરીઝમાં ભારતે ૩-૦ની સરસાઈ મેળવી છે જેને કારણે સિરીઝ ગુમાવવાનો કોઈ ખતરો નથી.

બીજી તરફ સાઉથ આફ્રિકા માટે સૌથી મોટા રાહતના સમાચાર એ છે કે, વિસ્ફોટક બેટ્સમેન એબી ડી વિલિયર્સ ટીમમાં પરત ફર્યો છે. જોકે, તેનું આજે રમાનારી ચોથી વન-ડેમાં રમવું હજું પણ નિિૃત નથી. બાકીની ત્રણ મેચ માટે સાઉથ આફ્રિકાએ ડી વિલિયર્સ સિવાય કોઈ બદલાવ કર્યો નથી. એબી ડી વિલિયર્સના જમણા હાથની આંગળીમાં ઇજા થઈ હોવાને કારણે તે શરૂઆતની ત્રણ મેચમાંથી બહાર હતો. જો ડી વિલિયર્સ સ્વસ્થ જાહેર કરાય તો સાઉથ આફ્રિકાની બેટિંગલાઇનને મજબૂતી મળશે.

આફ્રિકાની ટીમ પિંક ડ્રેસમાં મેદાને ઊતરશે

ચોથી વન-ડેમાં સાઉથ આફ્રિકાની ટીમ પિંક ડ્રેસમાં જોવા મળશે. આ ઉપરાંત જોહાનિસબર્ગના મેદાન પર પીચને રોલ કરનાર રોલર અને પ્રેસ કોન્ફરન્સથી લઈને એવોર્ડ સમારંભ પાછળની વોલ સહિત અન્ય વસ્તુઓ પણ પિંક કલરમાં જોવા મળશે. તેની પાછળ એક ખાસ અભિયાન છે જેને ક્રિકેટ સાઉથ આફ્રિકા, યજમાન ક્રિકેટપ્રેમી અને ઘણા સ્પોન્સર્સ છેલ્લા કેટલાક વર્ષોથી સમર્થન કરે છે. આ અભિયાનનું નામ #pitchcupinpink છે. તેઓ મહિલાઓમાં થતા બ્રેસ્ટ કેન્સર પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને નાણાં એકઠાં કરવા માટે છેલ્લા ઘણા વર્ષોથી કામ કરી રહ્યા છે. આ ઉપરાંત જ્યારે જ્યારે સાઉથ આફ્રિકા પિંક ડ્રેસમાં મેદાન ઊતરી છે ત્યારે જીતી છે.