South Gujarat's low pressure cyclonic circulation turns into a catastrophe, 5 days heavy!
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • મેઘપ્રલય: સૌરાષ્ટ્રમાં 30 ઈંચ સુધી વરસાદ, લો પ્રેશર સાઈક્લોનિક સરક્યુલેશનમાં ફેરવાંતા આકાશી આફત, 5 દિવસ ભારે!

મેઘપ્રલય: સૌરાષ્ટ્રમાં 30 ઈંચ સુધી વરસાદ, લો પ્રેશર સાઈક્લોનિક સરક્યુલેશનમાં ફેરવાંતા આકાશી આફત, 5 દિવસ ભારે!

 | 7:04 am IST
  • Share

દક્ષિણ ગુજરાતમાં લો પ્રેશરનું સાઇક્લોનિક  સરક્યુલેશનમાં પરિવર્તન થતાં સૌરાષ્ટ્રમાં મેઘ પ્રલય થતાં વિવિધ ઠેકાણે ૬થી ૩૦ ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે. અલગ અલગ ઘટનાઓમાં ૩નાં મોત થયાં છે જ્યારે ૫ લોકો હજુ લાપતા છે. હવામાન વિભાગે હજુ પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

સૌરાષ્ટ્રના તમામ ડેમ છલકાઇ ગયા છે. પાણીમાં વાહનો તણાઇ જવાની ૯ ઘટનાઓ બની છે. અત્યાર સુધીમાં ૬૭૪૮ લોકોનું સ્થળાંતર કરાયું છે. જ્યારે જામનગરમાંથી ૬૪ વ્યક્તિઓનું એર લિફ્ટિંગ કરાયું હતું. એક નેશનલ હાઇવે, ૧૫ સ્ટેટ હાઇવે સહિત ૧૩૦ માર્ગ બંધ છે. ૧૦ શહેરો અને ૨૨૦ ગામડાંઓમાં અંધારપટ છવાયેલો છે.

સૌરાષ્ટ્રમાં મોડી રાત્રિથી તૂટી પડેલા અનરાધાર વરસાદે ૧ર કલાકમાં  ઝંઝાવાતી  જળપ્રલય સર્જી દીધો છે. રાજકોટમાં રાત્રે ૧ર વાગ્યાથી આજે સાંજ સુધીમાં રર ઈંચ  સહિત  માત્ર ૩૦ કલાકમાં રપાા ઈંચ વરસાદથી સર્વત્ર જળબંબાકાર થઈ ગયો છે. જામનગર જિલ્લામાં ધ્રાફામાં ૩૦, સમાણામાં ૨૭, અલિયાબાડામાં ર૦ ઈંચ જ્યારે જામજોધપુરના દલ દેવળિયામાં ૧૪ કલાકમાં રપ ઈંચ વરસાદ વરસ્યો છે. 

ગણતરીની કલાકોમાં ર૧થી વધુ ડેમો છલકાતા સેંકડો ગામોમા પાણી ઘૂસ્યા છે, ગાંડીતૂર નદીઓના પૂરમાં અનેક લોકો ફસાતા ડઝનેકથી વધું  રેસ્કયૂ ઓપરેશન થયા હતા, સત્તાવાર વિગતો અનુસાર રાજકોટના એક ઉદ્યોગપતિ સહિત ૩ લોકો પાણીમા લાપતા છે, જ્યારે બેના મૃત્યુ થયા છે. રાજકોટમાં ગત રાત્રે ૧૨-૩૦ વાગે અચાનક જ મેઘતાંડવ શરૃ થયું હતંુ બપોરે ૧ર વાગ્યા સુધી અનરાધાર વરસાદ ન થંભતા મહાપાલિકાએ રેડ એલર્ટ જાહેર કરી લોકોને ઘરમાં રહેવા તાકીદ કરી હતી. આજી નદીમાં પૂરથી રામનાથપરા બેઠો પૂલ ડૂબી ગયો હતો. લલૂડી વોંકળીમાં ગળાડૂબ પાણી વચ્ચે ૩ હજારથી  વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા. રાજકોટના મવડી વિસ્તારમાં સ્મશાન પાણીમાં ડૂબી ગયું હતું.

રાજકોટમાં સેંકડો વાહનો પાણીમાં તરવા માંડયા હતા. જામનગરમાં રણજિતસાગર ડેમ ઓવરફલો થતા રંગમતી નદીના પૂર ૧પથી વધુ સોસાયટીઓમાં ઘૂસી જતા માર્ગો ઉપર વાહનોને બદલે બોટો વડે  બચાવકાર્ય હાથ ધરાયું હતું. નાગેશ્વર વિસ્તારમાં ખોડિયાર મંદિરની છત ઉપર ચડી લોકોએ જીવ બચાવ્યા હતા. સ્મશાનમાં જળબંબાકાર સર્જાયો હતો. જિલ્લાના ધ્રાફામાં ૩૦ ઈંચ, સમાણામાં ર૮ ઈંચ, અલિયાબાડામાં ર૦ ઇંચ વરસાદે ગામડાંને ટાપુમાં ફેરવી દીધાં છે.

જામનગર અને જૂનાગઢ જિલ્લામાં કાલાવડ, ધ્રોલ, વિસાવદરમાં ૧૦થી ૧૪ ઈંચ ઝંઝાવાતી વરસાદે સ્થળ ત્યા જળ જેવા દ્રશ્યો સર્જયા છે. રંગમતી નદીના પૂરથી જામનગરના નીચાણવાળા વિસ્તારોમાં અને રાજકોટમાં  આજી કાંઠાના વિસ્તારોમાંથી પ હજારથી વધું લોકોને સ્થળાંતરિત કરાયા છે. પૂરની સ્થિતિને જોતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પૂરગ્રસ્ત વિસ્તારોમા ફસાયેલા લોકોને એરલીફટ કરવા આદેશ આપ્યા હતા.

ધોરાજીમાં ૬ કલાકમા ૭ ઈંચ અને  ગોંડલમાં ૧૦ ઈંચથી ડેમોમાં ધીંગી આવકે અનેક ગામડાને વિખૂટા પાડી દીધા હતા.

જૂનાગઢ જિલ્લામાં વિસાવદરમાં ૧ર કલાકમાં ૧૮ ઈંચ, ગિરનાર ઉપર ૧૪ ઈંચ વરસાદથી તમામ જળાશયો છલકાઈ ગયા હતા. આણંદપૂર, સાબલપૂર સહિતના વિસ્તારોમા બચાવકાર્ય હાથ ધરાયું હતું.

આજે ભારે વરસાદથી ગોંડલથી કોલીથડ તરફનો પૂલ ધરાશાયી થઈ ગયો હતો.  ૭૬ માર્ગો પાણીના પ્રવાહથી બંધ થઈ ગયા હતા. જેમાં ૧૫ સ્ટેટ હાઈ-વેનો સમાવેશ થાય છે. એસ.ટી.ના ડ્રાઈવર સહિત બે કર્મચારી પણ પૂરમાં અટવાતા તેમને બચાવાયા હતા. સૌરાષ્ટ્રમા આજે ૨૧ ડેમો છલકાયા હતા જ્યારે ૫૦થી વધુમાં પાણીની  જોરદાર આવક થઈ હતી.

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદથી વીજતંત્રના ૩૬૫ ફિડર બંધ થતા ૨૨૦ ગામોમાં અંધારપટ છવાયો છે. ૧૦ શહેરોમાં વીજ પુરવઠો ઠપ્પ થઈ ગયો છે. આજે ૨૮૩ વીજપોલ ધરાશાયી થઈ ગયા હતા.

સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતમાં લો પ્રેશરને કારણે ખાબકેલાં અણધાર્યા વરસાદથી સમગ્ર સૌરાષ્ટ્ર પાણી પાણી થઇ ગયું છે. જામનગરમાં રંગમતી નદીના પાણી જામનગર શહેરમાં ઘૂસી ગયાં હતાં. કાલાવડ ખાતે NDRFની ટીમે રેસ્કયૂ ઓપરેશન હાથ ધર્યું હતું. રાજકોટનું મંદિર પણ પાણીથી ઘેરાઇ ગયું હતું જ્યારે જૂનાગઢમાં નરસિંહ મહેતા તળાવ પણ છલકાઇ ગયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન