ઘરમાં તો બોલો ઘરની જ ભાષા! - Sandesh

ઘરમાં તો બોલો ઘરની જ ભાષા!

 | 12:14 am IST

કવર સ્ટોરી  :- અમિતા મહેતા

બે દિવસ પહેલાં જ રાષ્ટ્રીય હિંદી દિવસ ગયો. અંગ્રેજીનાં મહત્ત્વ અને આકર્ષણને કારણે રાષ્ટ્રભાષા અને માતૃભાષા બંનેના પ્રભાવમાં ઓટ આવી છે. આવામાં એ ભૂલવા જેવું નથી કે આપણી પોતાની ભાષાઓ આપણને મૂળ સાથે જોડી રાખીને આભમાં ઊડવાની તાકાત આપે છે. અને મૂળ સાથે જોડવાનું કામ મા કે સ્ત્રી વધુ સારી રીતે કરી શકે. માટે આવો, આપણી પોતીકી ભાષાને જાળવવા માટે સ્ત્રીઓ શું યોગદાન આપી શકે એ જાણીએ.

અમેરિકામાં જ જન્મીને મોટી થયેલાં નીર્વા ને સ્નેહ લાસ્ટ વેકેશનમાં ગુજરાત આવ્યાં. બંને ખૂબ જ સરસ રીતે ગુજરાતી બોલતાં હતાં. એટલું જ નહીં એમને ભારતીય કલ્ચર વિશે પણ સારી એવી જાણકારી હતી. એમની સાથે વાત કરતાં જરાય એવું ન લાગે કે તેઓ અમેરિકામાં મોટાં થયાં છે. આ અંગે જ્યારે એમને પૂછવામાં આવ્યું તો નીર્વાએ કહ્યું કે મારી મમ્મીએ નિયમ બનાવ્યો છે કે ઘરમાં બધાએ ગુજરાતી જ બોલવાનું. બીજું, જ્યારે ફેસ્ટિવલમાં બધા ઇન્ડિયન્સ ગેટ-ટુ ગેધર કરીએ ત્યારે પણ મોટા સાથે તો ગુજરાતીમાં જ બોલવાનું અને મમ્મી મહિનામાં એકવાર તો હિંદી મૂવી બતાવે જ. એ જોઇને અમને જે ન સમજાય તે વસ્તુ અમને મમ્મી-પપ્પા સમજાવે. બસ, મમ્મીના નિયમને કારણે જ અમે ઇન્ડિયા અને ગુજરાતી ભાષા સાથે કનેક્ટેડ છીએ. વિદેશમાં રહીને પણ પોતાની ભાષાને પ્રેમ કરનાર નીર્વાની મમ્મી જેવી સ્ત્રીઓને કારણે જ આપણી ભાષા હજુ અડીખમ ઊભી છે.

સુરતની દિપાલી સાઉથ ઇન્ડિયન સાથે પરણીને ચેન્નઇ સેટ થઇ. ઘરમાં સહુ તમિલ બોલે. એના બંને દીકરાઓ અંગ્રેજીમાં ભણે. દિપાલી હજુ તમિલમાં એટલી પરફેક્ટ નથી કે સ્ટોરી વગેરે બાળકોને સંભળાવે. તેથી એણે એકલી હોય ત્યારે બાળકો સાથે ગુજરાતીમાં વાત કરવાનું શરૂ કર્યુ. અને ધીરેધીરે પંચતંત્ર તથા હિતોપદેશની વાર્તાઓ કહેવા માંડી. થોડા જ સમયમાં બંને બાળકો ગુજરાતી બોલતાં પણ શીખી ગયાં. દિપાલીની સજાગતા અને પ્રયત્નોને કારણે એના દીકરાઓ હિન્દી, અંગ્રેજી, તમિલ અને ગુજરાતી એમ ચાર ભાષા બોલી શકે છે. દિપાલી કહે કે તેઓ મારી સાથે ગુજરાતીમાં વાત કરે ત્યારે મને ખૂબ પોતીકું લાગે. એવું થાય કે હા, આ મારાં જ બાળકો છે અને મારી સાથે કનેક્ટેડ છે. પોતાની ભાષામાં એક આત્મીયતા અને જોડાણનો ભાવ હોય છે. પોતાની ભાષાના શબ્દો સીધા દિલને સ્પર્શે છે. જે ભાષામાં માણસ સપનાં જુએ, જે ભાષાના શબ્દો એના અંતરના ઊંડાણને જગાડે અને અસરકારક સંવાદ સાધે એ ભાષા પોતાની. અને આ પોતાની ભાષાની ઓળખ સ્ત્રીથી વધારે સારી રીતે કોઇ ન કરાવી શકે. પણ ધીરેધીરે સ્ત્રીઓ ખુદની ભાષા છોડી પારકી ભાષાને પોતાની આઇડેન્ટિટી માનવા માંડી છે. અહીં સ્ત્રીઓ પર ભાર એટલા માટે મુકાયો છે કે આપણે ત્યાં હજુ બાળઉછેરમાં પુરુષોની સક્રિય ભૂમિકા ઓછી છે. જ્યારે બાળક ભાષા શીખે છે ત્યારે નર્સરી-જુનિયર-સિનિયરમાં એમને ભણાવનાર સ્ત્રીઓ પોતાનું બાળક અંગ્રેજી ભાષા બોલે એ માટે વધુ સજાગ છે. વળી, ઘરમાં સહુની સાથે વધારે સંવાદ સ્ત્રીઓ જ કરે છે. તેથી સ્ત્રીઓની ભાષાની સજાગતા અને ભાષાપ્રેમ જ નવી પેઢીને પોતાની ભાષા સાથે જોડી શકે.

જે ઘરોમાં વડીલો છે ખાસ કરીને દાદી કે નાની છે એ ઘરોમાં બાળકોની ભાષામાં ઘણું વૈવિધ્ય જોવા મળશે. ૧૨ વર્ષના પૂરવને એટલી બધી કહેવતો આવડે છે કે ન પૂછો વાત. અને આ કહેવતનો ઉપયોગ ક્યાં કરવો એની પણ પૂરવને ખબર પડે. પૂરવ એ દાદી પાસેથી શીખ્યો છે, પરંતુ પૂરવની મમ્મીને એવું લાગે છે કે આજના છોકરાઓ તો કેવું સરસ અંગ્રેજી બોલે છે અને મારો દીકરો ટિપિકલ ગુજરાતી બોલે છે. તેથી એ ખરું-ખોટું ઈંગ્લિશ પૂરવ સમક્ષ બોલતી રહે છે. પૂરવ અંગ્રેજી માધ્યમમાં ભણે છે, પરંતુ ગુજરાતી પર પણ એનો સારો કમાન્ડ છે. આજે અંગ્રેજી બોલ્યા વિના છૂટકો નથી પરંતુ આ ભાષા પ્રોફેશનની ભાષા છે, બિઝનેસની ભાષા છે. તેથી બાળકને આપણી માતૃભાષા અને રાષ્ટ્રભાષા આવડે એટલું જ નહીં પરંતુ તેઓ બોલે પણ ખરું એ જોવાની ફ્રજ સ્ત્રીની છે. બાળક બહુ હોશિયાર હોય છે, એ ખૂબ ઝડપથી ભાષા ગ્રહણ કરે છે અને નાની ઉંમરે એ ત્રણ-ચારથી વધુ ભાષા શીખવાની ક્ષમતા ધરાવે છે. તો પછી શા માટે એને અંગ્રેજી સિવાયની ભાષાથી વંચિત રાખવાં? ફેરેન લેંગ્વેજ કરિયર માટે જરૂરી છે તો એના માનસિક વિકાસ માટે માતૃભાષા અને દેશ સાથે કનેક્ટ થવા હિંદી ભાષા જરૂરી છે. અને આ બધી જ ભાષા બાળક શીખી શકે છે, પરંતુ એ માટે એને માતૃભાષા આવડવી જરૂરી છે. આજની મમ્મીઓને જો દાદીઓ ‘દાદાનો ડંગોરો લીધો’ કે ‘એક બિલાડી જાડી’ એવાં જોડકણાં બાળક સમક્ષ ગાય તો એ ગમતું નથી. પહેલાં તો મમ્મીઓ હાલરડાં ગાઇને બાળકને સૂવડાવતી તેથી બાળકના અર્ધજાગ્રત મનમાં ભાષા-શબ્દો અને લય-તાલ પણ અંકિત થઇ જતો. હવે તો હાલરડાં ગાવાનો સમય જ મમ્મીઓ પાસે નથી. માતૃભાષાને અવગણીને અંગ્રેજીમાં જ બોલવાનો આગ્રહ રાખતી મમ્મીઓ એ વાત ભૂલી જાય છે કે દરેક બાળક મોટું થઇને મલ્ટિનેશનલ કંપનીમાં કામ કરવાનું નથી. ૮૦% લોકોએ સ્થાનિક લેવલે કામ કરવાનું છે. હવે એમને સ્થાનિક ભાષા જ ન આવડે તો કેમ ચાલે? એક સિમ્પલ ઉદાહરણ લઇએ, જ્યારે આપણે ડોક્ટર કે વકીલ પાસે જઇએ ત્યારે એ આપણને આપણી ભાષામાં સમજાવે ત્યારે વધારે સંતોષ થાય કે અન્ય ભાષામાં? મહારાષ્ટ્રના ડોક્ટર અમદાવાદમાં આપણી સાથે ગુજરાતીમાં બોલે ત્યારે એ વધારે પોતીકા લાગે છે. તેથી જ પોતાની ભાષાનું મહત્ત્વ છે. માતૃભાષા દ્વારા બાળકનો બૌદ્ધિક વિકાસ વધારે સારો થાય એમ સંશોધનો પણ કહે છે. અને જેમની માતૃભાષા પર પકડ છે તેઓ બીજી ભાષા પણ ઝડપથી શીખી શકે છે. અલબત્ત, માતૃભાષા જ બીજી ભાષા શીખવામાં હેલ્પફુલ થઇ શકે, એટલું જ નહીં બાળકના સમગ્ર ભાષાકીય કૌશલ્યનો આધાર એની માતૃભાષાની આવડત પર છે. એ તમને તમારા કલ્ચર અને લોકો સાથે જોડે છે. બાળકને મમ્મીઓ પ્રાર્થના-સ્તુતિ કે શ્લોક સંસ્કૃતમાં શીખવે તો પણ એ શીખી જાય છે. તેથી સ્ત્રીઓ જ ભાષાને બચાવવામાં મહત્તમ યોગદાન આપી શકે.

રાષ્ટ્રીય ભાષા હિંદીને તો આપણી હિંદી ફ્લ્મિો, સંગીત, સિરિયલો અને ચેનલો બચાવી લેશે પણ જો મમ્મીઓ એવો આગ્રહ રાખશે કે મોડર્ન દેખાવા માટે હિન્દી-ગુજરાતી મૂવી ન જોવાય, હિંદી ફિલ્મનાં ગીતો ન સંભળાય કે અંગ્રેજીમાં જ ન્યૂઝ જોવાય તો લાંબાગાળે એની સામે પણ પ્રશ્નાર્થ જન્મી શકે, કારણ કે ઉચ્ચ શિક્ષિત અને ઉચ્ચ પદે પર બિરાજતી સ્ત્રીઓ માટે અંગ્રેજી ભાષા જ શિક્ષણ, આધુનિકતા, મહાનતા અને હોશિયારીનું પ્રતીક છે. માતૃભાષા એ એમના માટે પછાતપણાની નિશાની છે. વાસ્તવમાં આ એક ગાંડપણ છે. માતૃભાષા બોલતું બાળક જ અન્ય ભાષા સારી રીતે બોલી શકે છે. શું તમે અમિતાભ બચ્ચનને હિંદી અને અંગ્રેજી બોલતાં સાંભળો ત્યારે નક્કી કરી શકો કે એ કઇ ભાષા વધારે સારી રીતે બોલે છે? ના, એ માતૃભાષા હિંદી જેટલું જ સરસ અંગ્રેજી પણ બોલે છે. અગર આટલી સમજણ સ્ત્રીઓમાં આવે તો તેઓ જરૂરથી ભાષા બચાવવાનું કામ નીચેની રીતે કરી શકે.

  • બાળકો જે માધ્યમમાં ભણે છે એ સિવાયની ખાસ કરીને માતૃભાષામાં પણ એની સાથે વાત કરો. જેથી એનું શબ્દભંડોળ વધી શકે અને ફેમિલીમાં એ ખુદને આઇસોલેટેડ ન સમજે. જેમને પોતાની ભાષા નથી આવડતી એવાં બાળકો દાદા-દાદી-કાકા-કાકી વગેરેથી સંવાદના અભાવે દૂર થાય છે.
  • બાળકો નાનાં હોય ત્યારે અલગઆલગ ભાષામાં જોડકણાં-હાલરડાં-કવિતાઓ-દુહાઓ કે ભજનો વગેરે સંભળાવો. ભાષાની સાથે સંગીત અને લય પણ શીખી શકશે.
  • વાર્તા બાળકની ભાષા, શબ્દભંડોળ-નોલેજ-સંવાદ-અભિવ્યક્તિ-નિર્ણયશક્તિ અને વ્યક્તિત્વ વિકાસ જેવી અનેક બાબતોને નિખારે છે. તેથી જુદીજુદી ભાષાઓમાં બાળકને વાર્તા કહો.
  • ઘરની ભાષા માતૃભાષા જ હોવી જોઇએ. માતૃભાષામાં જ એ વિચારોને અસરકારક રીતે રજૂ કરી શકશે. ભણવાની ભાષા માટે સપ્તાહમાં બે કલાક સ્પેશિયલ કમ્યુનિકેશન રાખી શકાય. જેમ કે, કોઇ મૂવી કે કરંટ ટોપિક પર ભેગા મળીને ડિસ્ક્શન કરો.
  • ભાષાની કહેવતો-રૂઢિપ્રયોગો-પંક્તિઓ બાળકોને જીવનનું સત્ય સરળતાથી સમજાવે છે. એનાથી સંવાદ અને અભિવ્યક્તિનું વજન વધે છે.

આ બધું માતા વધારે સારી રીતે કરી શકે, કારણ કે એ બાળકની વધારે નજીક છે અને સમજાવવાની-બોલવાની અને શીખવવાની કળા એની પાસે જ વિશેષ છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન