NIFTY 10,321.75 +12.80  |  SENSEX 33,314.56 +63.63  |  USD 65.1600 +0.23
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • રાયસીના હિલ માટેની રેસ!

રાયસીના હિલ માટેની રેસ!

 | 7:43 am IST

રેડ રોઝઃ દેવેન્દ્ર પટેલ

ભારતના હાલના મહામહીમ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી તા.૨૪મી જુલાઈના રોજ નિવૃત્ત થશે. કાલે તા.૧૭મી જુલાઈના રોજ નવા રાષ્ટ્રપતિની ચૂંટણી થશે.

સદનસીબે રાષ્ટ્રપતિની ચૂંટણી લડી રહેલાં બંને મુખ્ય ઉમેદવારો નમ્ર, મીતભાષી અને લો પ્રોફાઈલ છે. બંને દલિત વર્ગમાંથી આવે છે. બંને શિક્ષિત છે. એનડીએના ઉમેદવાર રામનાથ કોવિન્દ બિહારના રાજ્યપાલ તરીકે કામગીરી બજાવી ચૂક્યા છે. જયારે મીરાંકુમાર લોકસભાનાં સ્પીકર તરીકે પણ સુંદર કામગીરી બજાવી ચૂક્યાં છે.

હવે એ વાત નક્કી છે કે એનડીઓના ઉમેદવાર રામનાથ કોવિન્દ આ ચૂંટણી જીતી જાય તેવા ઉજળા સંજોગો છે. આ ચૂંટણી રામનાથ કોવિન્દ જીતી જશે તો આ ચૂંટણી ઐતિહાસિક હશે. કારણ કે રાષ્ટ્રપતિશ્રીના સત્તાવાર નિવાસ સ્થાન રાયસીના હિલમાંં જનાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની તેઓ પહેલી વ્યક્તિ હશે. આજ સુધી આર.એસ.એસ.માંથી એક પણ વ્યક્તિ આ પદે પહોંચી નથી.

રામનાથ કોવિન્દને ભાજપાએ રાષ્ટ્રપતિપદ માટેના ઉમેદવાર જાહેર કર્યા ત્યાં સુધી તેઓ દેશના અન્ય ભાગોમાં બહુ ઓછા જાણીતા હતા. વિરોધપક્ષના ઉમેદવાર મીરાંકુમારને તેમની સ્પીકર તરીકેની કામગીરીથી અને બાબુ જગજીવનરામનાં પુત્રી તરીકે આખો દેશ જાણતો હતો. બંને દલિત ઉમેદવારો હોવાથી આ લડાઈ દલિત વિરુદ્ધ દલિતની થઈ ગઈ છે. એ જે હોય તે પરંતુ દેશને એક અનુસૂચિત જાતિમાંથી આવતી વ્યક્તિ રાષ્ટ્રપતિ તરીકે મળશે.

આ ચૂંટણી પાછલી એક ચૂંટણીની પણ યાદ અપાવે છે. જાતિ કાર્ડ આ પહેલાં પણ ખેલવામાં આવ્યું હતું. ૨૦૦૭માં કોંગ્રેસના નેતૃત્વવાળા ગંઠબંધને પ્રતિભા પાટીલ (શેખાવત)ને ઉમેદવાર તરીકે પસંદ કર્યા હતાં. જ્યારે ભૈરોસિંહ શેખાવતે પણ સ્વતંત્ર ઉમેદવાર તરીકે ઉમેદવારી કરી હતી જેને ભાજપાએ ટેકો આપ્યો હતો. આમ એ ચૂંટણી શેખાવત વિરુદ્ધ શેખાવતની થઈ ગઈ હતી..

જોકે મીરાંકુમારે આ ચૂંટણીને જાતિ-વાદ પર આધારિત ચૂંટણી ન કહેવા અને વિચારધારાની ચૂંટણી કહેવા અનુરોધ કર્યો છે. મજાની વાત એ છે કે ભારતના રાષ્ટ્રપતિનું પદ ગરિમાપૂર્ણ હોવા છતાં રાષ્ટ્રપતિ પાસે સીધી કોઈ સત્તાઓ નથી. તેમ છતાં રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી લોકો માટે રસપ્રદ બની રહી છે.

રાષ્ટ્રપતિપદ માટેની ચૂંટણી પ્રક્રિયા અટપટી છે. મતદાર સમૂહને ઈલોકટોરલ કોલેજ કહે છે. મતઆપવાનો અધિકાર લોકસભા-રાજ્યસભાના સભ્યોને તથા દેશના તમામ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોને હોય છે. લોકસભા રાજ્યસભામાં કુલ ૭૮૪ સભ્યો છે જ્યારે દેશના બધા ધારાસભ્યો સંખ્યા ૪૧૧૪ છે. ઈલેકટોરલ કોલેજના કુલ ૧૦,૯૮,૯૦૩ મત પૈકી રામનાથ કોવિન્દને ૭ લાખ મત મળવાની શક્યતા છે. તેમની જીત નિિૃત છે. મીરાંકુમારને કોંગ્રેસ ઉપરાંત રાષ્ટ્રીય જનતા દળ, સમાજવાદી પાર્ટી, બહુજન સમાજપાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસવાદીનો)ટેકો હોવા છતાં ચાર લાખ જેટલા મત મળવાની શક્યતા છે. આમ આદમી પાર્ટી અને ઈન્ડિયન નેશનલ લોકદળ વગેરે શું કરશે તે સ્પષ્ટ નથી.

અલબત્ત, નોંધપાત્ર વાત એ છે કે, રામનાથ કોવિન્દ કે મીરાંકુમાર ગમે તેટલાં વોટ્સ મેળવે પરંતુ તેઓ રાજેન્દ્ર પ્રસાદના રેકોર્ડને તોડી શકશે નહીં. ૧૯૫૭માં થયેલી રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં રાજેન્દ્ર પ્રસાદને ૯૯ ટકા મત મળ્યા હતા. જ્યારે ૧૯૬૨માં થયેલી રાષ્ટ્રપતિપદ માટેની ચૂંટણીમાં ડો.સર્વપલ્લી રાધા ક્રિષ્નને ૯૮ ટકા મત મળ્યા હતા. ૧૮૯૭માં આ જ પદ માટેની ચૂંટણીમાં કે આર નારાયણને ૯૫ ટકા મત મળ્યા હતા. જ્યારે ૨૦૦૨ની સાલમાં ડો.અબ્દુલ કલામને ૯૦ ટકા મત મળ્યા હતા.

અત્રેએ પણ જાણવું રસપ્રદ થઈ પડશે કે ૧૯૫૦માં રાજેન્દ્ર પ્રસાદ ચૂંટણી લડયા વગર જ દેશના પહેલાં રાષ્ટ્રપતિ બન્યા હતા. અલબત્ત, ૧૯૫૨ અને ૧૯૫૭માં તેમને ચૂંટણીનો સામનો કરવો પડયો હતો. અલબત્ત, એ દિવસો કોંગ્રેસના હતા. દેશમાં કોંગ્રેસનો ડંકો હતો. દેશને આઝાદી આપવામાં કોંગ્રેસનો મોટો ફાળો હતો.

એ વખતે ભાજપાનો જન્મ પણ થયો નહોતો. પંડિત જવાહરલાલ નહેરુની આખા દેશ પર ભુરકી હતી.

તે પછી ફરી એકવાર સંજીવ રેડ્ડી કોઈપણ જાતના વિરોધ વગર આ પદ પર ચૂંટાઈ આવ્યા હતા. એમાં બન્યું એવું હતું કે, એ વખતના રાષ્ટ્રપતિ ફખરૂદીનઅલી અહેમદનું અચાનક અવસાન થતાં ચૂંટણી લાવવી પડી હતી. એ ચૂંટણીમાં કુલ સંજીવ રેડ્ડી સહિત કુલ ૩૭ જેટલી વ્યક્તિઓએ રાષ્ટ્રપતિપદ માટે ઉમેદવારી પત્રો ભર્યા હતાં પરંતુ ૩૬ ઉમેદવારો ગેરલાયક કરતાં સંજીવ રેડ્ડી કોઈપણ જાતના વિરોધ વગર રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

આવી જ એક રસપ્રદ ચૂંટણી વી.વી.ગીરી અને નીલમ સંજીવ રેડ્ડી વચ્ચે થઈ હતી. કોંગ્રેસના જ બે જૂથ આમને સામને આવી ગયાં હતાં. મોરારજી દેસાઈના જૂથ તરફથી નીલમ સંજીવ રેડ્ડીને ચૂંટણીમાં ઊભા રાખવામાં આવ્યા હતા. તેમની સામે ઈંદિરા ગાંધીએ અપક્ષ ઉમેદવાર વી.વી.ગીરીને મત આપવા સહુને અંતરાત્માના અવાજને અનુસરવા અપીલ કરી હતી. કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર નીલમ સંજીવ રેડ્ડી હારી ગયા હતા. આ ઘટના પછી કોંગ્રેસના ભાગલા થઈ ગયા હતા.

યાદ રહે કે રામનાથ કોવિન્દ કે મીરાંકુમારમાંથી જે કોઈ જીતે તે દેશના પ્રથમ દલિત રાષ્ટ્રપતિ નહીં હોય. આ અગાઉ કે.આર.નારાયણના દેશની અનુસૂચિત જાતિમાંથી આવતા પહેલાં રાષ્ટ્રપતિ હતા. તેમણે પૂર્વ ચૂંટણી કમિશનર ટી.એન.શેષાનને હરાવી દીધા હતા. કે.આર.નારાયણનને લગભગ ૯૦ ટકા મત મળ્યા હતા. રામનાથ કોવિન્દ જીતશે પણ તેઓ કે.આર.નારાયણનો રેકોર્ડ તોડશે કે કેમ તે જોવું રહ્યું.

રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાન રાયસીના હિલ માટેની રેસ હવે વધુ સ્પર્ધાત્મક બની છે. ભારતીય જનતા પાર્ટી વિપક્ષોમાં ફૂટ પડાવવામાં સફળ રહી છે. ભાજપા સામે ચૂંટણી લડી બિહારમાં વિજય મેળવનાર નીતિશ કુમાર બિહારનાં જ વતની મીરાંકુમારને ટેકો આપવાના બદલે બિહારના પૂર્વ રાજ્યપાલ અને મૂળ ઉત્તર પ્રદેશના વતની રામનાથ કોવિન્દના પક્ષે છે, જેઓ ભાજપાના નેતૃત્વવાળા એનડીએના ઉમેદવાર છે. આ કારણે લાલુ અને નીતિશકુમાર વચ્ચે પણ તીરાડ પડી છે. તેની સાથે સાથે એનડીએને બીન ભાજપા પાર્ટીઓ જેવી કે ઓલ ઈન્ડિયા દ્રવીડ મુનેત્ર કઝગમ, બીજુ જનતા દળ, તેલંગાણા રાષ્ટ્ર સમિતિ જેવી પાર્ટીઓનો પણ ટેકો છે. તેથી એનડીએને તેની સંખ્યા કરતાં વધુ મત મળશે.

દેશનું રાષ્ટ્રપતિપદ ગરિમાપૂર્ણ છે. રાષ્ટ્રપતિ દેશના બંધારણીય વડા છે પરંતુ આ ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી પાછળ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી માટેનાં સમીકરણોનો પણ વ્યૂહરચનામાં સમાવેશ થાય છે.

સાથેસાથે આ ચૂંટણી વિપક્ષોની એકતાની કસોટી પણ છે.

www.devendrapatel.in