આંધ્ર પ્રદેશ બાદ બિહાર, વિશેષ દરજ્જા માટે લાગી કતાર - Sandesh
  • Home
  • India
  • આંધ્ર પ્રદેશ બાદ બિહાર, વિશેષ દરજ્જા માટે લાગી કતાર

આંધ્ર પ્રદેશ બાદ બિહાર, વિશેષ દરજ્જા માટે લાગી કતાર

 | 6:53 pm IST

આંધ્ર પ્રદેશના વિશેષ રાજ્યનો દરજ્જો આપવા અંગે રાજ્યમાં શાસક તેલુગુ દેશમ્ પાર્ટી (ટીડીપી) અને ભાજપ વચ્ચે ભારે ખટરાગ સર્જાયો છે. આટલું જ નહીં ટીડીપીએ કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારને ટેકો પાછો ખેંચી લીધો છે. જોકે હવે બિહારમાંથી વિશેષ રાજ્યના દરજ્જા અંગે ચણભણાટ શરૂ થયો છે.

મુખ્યપ્રધાન નીતીશકુમારના પક્ષ જનતા દળ-યુનાઈટેડ (જદ-યુ)એ બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગણીનો પુનઃરોચ્ચાર કર્યો છે. જદ-યુના રાજ્યસભાના સાંસદ અને રાષ્ટ્રીય પ્રવક્તા પવન વર્માએ જણાવ્યું હતું કે બિહારને શા માટે વિશેષ રાજ્યનો દરજ્જો મળતો નથી ? રાજ્યના મુખ્યપ્રધાન નીતીશકુમારે ઘણા સમય અગાઉથી આ અંગેની માગણી કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે નીતીશકુમારે ઘણા સમયથી બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માગણી કરી રહ્યા છે. ગત ચૂંટણીમાં પણ તેમણે આ મુદ્દા સાથે જ લડી હતી. જોકે હવે નીતીશકુમાર એનડીએમાં આવી ગયા છે અને બિહારમાં ભાજપ સાથે સત્તામાં છે. આથી આ અંગેની માગ હળવી થઈ છે.

બિહારમાં નીતીશકુમારે ભાજપ સાથે જોડાણ રચતાં પવન વર્માનું વલણ બદલાઈ ગયું છે. બિહારથી પ્રાપ્ત અહેવાલ મુજબ ખાસ દરજ્જાની માગણી જદ-યુ માટે સત્તાવાર હોવાનું મનાતું નથી. જોકે એટલું ચોક્કસ કે આ મુદ્દે પવન વર્માની માગણીએ રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) સહિતના બિહારના સ્થાનિક પક્ષોને નીતીશકુમાર પર પ્રહારો કરવાની તક પૂરી પાડી છે.