ભારતીય સૈનિકોના શિરચ્છેદ માટે આતંકીઓએ બનાવી ખાસ ટીમ - Sandesh
  • Home
  • World
  • ભારતીય સૈનિકોના શિરચ્છેદ માટે આતંકીઓએ બનાવી ખાસ ટીમ

ભારતીય સૈનિકોના શિરચ્છેદ માટે આતંકીઓએ બનાવી ખાસ ટીમ

 | 10:57 am IST

ભારતીય જવાનોના શિરચ્છેદ માટે આતંકવાદીઓએ ખાસ ટીમની રચના કરી છે. આ ટીમના આતંકીઓને શિરચ્છેદ માટે ખાસ તાલિમ આપવામાં આવી છે. આતંકવાદીઓની બોર્ડર એકશન ટીમ ભારતીય સૈનિકો તૈનાત કરાયા છે તેવા સરહદી વિસ્તારો તથા જમ્મુ અને કાશ્મીરના પૂંછના કેજી સેકટરમાં સક્રિય છે. સુરક્ષા એજન્સીઓના ગુપ્ત અહેવાલમાં આ બાબતનો ઘટસ્ફોટ કરાયો છે.

ગુપ્તચ એજન્સીઓના અહેવાલ પ્રમાણે કાશ્મીર ખીણમાં 2014 અને 2015ની સરખામણીએ હિંસક ઘટનાઓમાં વધારો થયો છે. અહેવાલમાં જણાવ્યું હતું કે બાંદીપુરથી એવા સંકેત પણ પ્રાપ્ત થયા છે કે બારામુલ્લામાં ધ્વજારોણમાં ભાગ લેનારા લોકો પર હુમલા કરવાનું ષડયંત્ર આતંકવાદીઓ ઘડી રહ્યાં છે. જમ્મુ અને કાશ્મીરના કુપવાડા તેમજ બારામુલામાં આતંકવાદીઓ સૌથી વધારે સક્રિય છે.

મલ્ટિ એજન્સી સેન્ટરના તાજેતરના અહેવાલ પ્રમાણે બાંદીપુર, પુલવામા, બારામુલા અને અનંતનાગના સૈન્ય કેમ્પ પર આતંકવાદીઓનો ડોળો છે. ગુપ્તચર અહેવાલ મુજબ ઉરી, નૌગામ, તંદઘાર અને માછીલ સેકટરોમાંથી ભારતમાં ઘૂસણખોરી કરવાની આતંકવાદીઓ પેરવીમાં છે.

અહેવાલમાં આતંકી કમાન્ડર હૈદરખાન ઉર્ફ અબુ હૈદરનો પણ ઉલ્લેખ કરાયો છે. હૈદરખાને પીઓકેના કોટલીમાં આતંકવાદીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકનો આશય પૈસાની મોટી લાલત આપી સરહદી વિસ્તારના લોકોને પ્રલોભન આપવાનો અને ટેરર નેટવર્કને વિસ્તૃત બનાવવાનો હતો. હૈદર ખાને આ સાથે ભારતમાં ઘૂસણખોરી વખતે પાકિસ્તાની સેના દ્વારા કવર ફાયરીંગનો પણ ઉલ્લેખ કર્યો હતો.

ભારતીય સેનાએ જુલાઈમા બહાદુર અલી નામના આતંકવાદીને પકડી પાડ્યો હતો. તેણે જ મુઝફ્ફરાબાદ પાસેના મંડાકુલીની ટેરરિસ્ટ લોંચ પેડના કમાન્ડર તરીકે અબુ હૈદરનું નામ આપ્યું હતું. ગુપ્તચર અહેવાલ મુજબ ચાલુ વર્ષના એપ્રિલથી સપ્ટેમ્બર વચ્ચે 85થી વધારે આતંકવાદીઓએ ભારતમાં ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. જોકે ગયા વર્ષે આ જ ગાળામાં આ આંક ફક્ત 31 હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન