વાણીનું મહત્ત્વ - Sandesh

વાણીનું મહત્ત્વ

 | 12:15 am IST

કવર સ્ટોરી : પૂ. મોરારિ બાપુ

સુફળતા માટે મારે ને તમારે પહેલું એ નક્કી કરવાનું છે કે વાણી દિવ્ય હોવી જોઈએ. વાણીએ માણસને વેદના આપવામાં કંઈ બાકી રાખ્યું નથી. જે વાણી વેદનાનો ઘોષ કરે છે. તે જ વાણી જીવનના ટુકડે ટુકડા કરી નાખે છે. વાણીએ યુદ્ધો કરાવ્યા છે. સર્જન અને સંહાર બંનેની શક્તિ છે, તેની ઊર્જામાં! માટે તેનો સદ્ઉપયોગ કરો.

વાણી નિષ્કામ હોવી જોઈએ. ક્ષીર-નીરનો વિવેક રાખતી હોવી જોઈએ. જેણે આચરણ સુધારવું હોય તેણે પ્રથમ પોતાની વાણી સુધારવી. વાણીમાં જાગૃતિ, કરુણા, અહિંસા, ધૈર્ય, ક્ષમા, પ્રેમ જેવા સદ્ગુણોની ધારા ફૂટવી જોઈએ. ઘણા બોલે નહીં ત્યાં સુધી જ સારા લાગે!

તુલસીજી રામચરિતમાનસનો પ્રારંભ કરે ત્યારે વાણી શબ્દ બોલે. વંદના જ્યારે કરી ત્યારે વિનાયકની પહેલાં સ્તુતિ નથી કરતાં, પણ વાણીની સ્તુતિ કરે છે. ‘વર્ણનામ રથ…વંદે વાણી વિનાયકો.’ વાણી કેટલું મોટું કામ કરે છે, સાહેબ…! કોઈ હોસ્પિટલમાં હોય અને તમે તેની પાસે જઈને બેસો, તેનો હાથ પકડો અને કહો કે અઠવાડિયા પહેલાં હું આવેલો ત્યારે તો ખાટલામાં દેખાતા નહોતા, સાહેબ! હવે તો તમારો ચહેરો અદ્ભુત થઈ ગયો છે. આવતે રવિવારે હું તમારી ખબર કાઢવા આવીશ અને તમને મારી સાથે લઈ જઈશ. તમને રજા મળી જ જશે. દરદી બેઠો થઈ જાય, સાહેબ…!

વ્યક્તિના બોલવાનો ઢંગ રસ જન્માવે છે. કૃષ્ણની વાણી એવી છે. માણસ તાજો થઈ જાય.

અખંડઆનંદ કહેતા, એક માણસ ગયો. પાંચ હજારની સભા હતી. બોલવા લાગ્યો કે અઢી હજાર લોકો મૂર્ખ છે. બીજો બોલ્યો કે અઢી હજાર લોકો બુદ્ધિમાન છે- બોલવાનો ઢંગ જ રસ પેદા કરે છે.

જે બોલીમાં સત્ય હોય તે મધુર છે. મધુર બોલીથી શરીરના રોગો પણ મટી જાય છે. સત્યથી તાણ દૂર થાય છે. તાણ ઘટે તો તંદુરસ્તી વધવાની. સત્યમાં ડર નથી હોતો. કહે છે કે સાચા હતા એટલે જ ચોટ વાગી. ચોટ સત્યથી નહીં, જૂઠથી લાગે છે. કોઈ મર્મસ્થાને સ્પર્શી ગયું, ઢાંકવાની કોશિશ છે. સત્ય જ હોય તો શું ચિંતા, શેનો ભય? સત્યથી તો માનસિક તાણ ઓછી થઈ જાય છે. મિત બોલી બોલો, તો શ્રમ પણ ઓછો થશે.

ત્રણ રીતે બોલાય-૧. જીભથી બોલાય, ૨. જીવનથી બોલાય-મારું જીવન જ મારો સંદેશ છે એવું ગાંધીજીએ કહ્યું છે, ૩. જીવ વડે બોલાય. આપણે સુફળતા માટે જીભથી જીવ સુધી બોલતા શીખવાનું છે.

જ્યારે બોલવાની જરૂર હોય, ત્યારે જ બોલો તે પણ મૌન છે. પાંચ વસ્તુઓનું ધ્યાન રાખો તો હંમેશાં માટે મૌન છો. આ પાંચ વસ્તુઓ છેઃ જે બોલો તે સત્ય બોલો, જે બોલો તે પ્રિય અને મધુર બોલો, જે બોલો તેમાં બીજાનું ભલું હોય, જે બોલો તેમાં વિવાદ ન હોય, પણ સંવાદ હોય અને જે બોલો તે સંક્ષેપમાં બોલો.

આપણે વાણીની ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે થોડી સ્પષ્ટતા શ્રવણ બાબતે કરી લઈએ. શ્રવણનું પણ બહુ મોટું વિજ્ઞાન છે. હજુ સુધી કોઈ શ્રવણના વિજ્ઞાનને સાચા અર્થમાં સમજી શક્યું નથી. સાંભળવાનું પણ એક શાસ્ત્ર છે. સુણવાનો પણ એક જબરો મહિમા છે. એટલે તો શ્રીમદ્ ભાગવતમાં જે નવધા ભક્તિની ચર્ચા છે તેમાં શરૂઆત શ્રવણથી કરવામાં આવી છે. ભગવાન રામ વનમાં જાય છે, ત્યાં વાલ્મીકિ ઋષિને મળીને પોતાને ક્યાં રહેવું જોઈએ તેવું પૂછે છે ત્યારે વાલ્મીકિ જે સૂક્ષ્મ અને સ્થૂળ સ્થાનોનો નિર્દેશ કરે છે ત્યારે પહેલું સ્થાન બતાવે છે કે જેના કાન સમુદ્ર જેવા વિશાળ હોય તેના હૃદયમાં તમે વાસ કરજો. આપણા વેદો અને ઉપનિષદોમાં પણ શ્રવણનો બહુ મોટો મહિમા થયો છે અને તેથી મને એવું લાગે છે કે શ્રવણના વિજ્ઞાન અંગે હજુ છણાવટ બાકી છે.

છેલ્લાં પચાસ વરસથી સતત બોલું છું અને મને લાગે છે કે હું બોલવા માટે જ પેદા થયો છું, પણ તમારી સામે એક રહસ્ય ખોલું છું- મારી કારકિર્દીના આરંભનાં પચીસ વર્ષ સુધી હું વિચારીને બોલતો હતો પણ છેલ્લા પચીસ વરસોથી હું બોલીને વિચારું છું- એનો અર્થ એવો થયો કે જે વક્તા હોય તે વિચારીને બોલે, પરંતુ શ્રોતા તો કાયમ સાંભળીને પછી વિચારતો હોય છે તેવી જ રીતે હું મને સાંભળીને પછી વિચારું છું.

છેલ્લા પચીસ વરસથી હું મારો શ્રોતા બની ગયો છું. સૂફીઓની સભામાં એવું હોય છે જેમાં મુર્શિદ એટલે કે સદ્ગુરુ બોલતો હોય અને શાગીર્દ એટલે કે શિષ્યો સાંભળતા હોય અને સત્સંગ પૂરો થાય ત્યારે શિષ્યો કહે કે આજે ખૂબ મજા આવી. ત્યારે સદ્ગુરુ કહે કે આજે અલ્લાહ ખૂબ સારું બોલ્યા અને મને પણ તમારી માફક એ સાંભળવાની ખૂબ મજા પડી.

આ ચર્ચાનો અર્થ એવો પણ કરી શકાય કે શરૂઆતનાં પચીસ વર્ષ હું વક્તા બની ગયો તે મારી ભૂલ હતી, પરંતુ છેલ્લાં પચીસ વરસોથી સારો શ્રોતા થવાના પ્રયત્નો કરું છું. ભારતમાં શ્રવણનું વિજ્ઞાન બરાબર સમજી શક્યા હોય તેવા શ્રોતા આંગળીના વેઢે ગણી શકાય તેટલા જ જોવા મળે છે. તેમાં એક નામ અર્જુનનું મૂકી શકાય. તો શ્રવણનો પણ અનેરો મહિમા છે, પણ આપણી વાણી આપને કઈ રીતે સુખી કરી શકે તે જોઈએ.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન