NIFTY 10,234.45 +3.60  |  SENSEX 32,609.16 +-24.48  |  USD 65.0200 +0.28
1.6M
1M
1.7M
APPS

મસાલા પાકમાં તેજીનો માસ્ટર પ્લાન તૈયાર…

 | 5:55 am IST

કોમોડિટી વોચઃ  મિનિતા દવે

  • મસાલા પાકોમાં ભારતની મોનોપોલી, પરંતુ નબળી  ગુણવત્તાથી પ્રીમિયમ તો દૂરની વાત, ડિસ્કાઉટમાં નુકસાની
  • જીરુંમાં ક્વોલિટી માલોની શોર્ટેજ : સારા પાકના અંદાજો છતાં શોર્ટટર્મ તેજીતરફી માનસ
  • મરચાં, ધાણા તથા હળદરમાં નિકાસ વેપારો પર તેજીનું તોફાન રચાશે
  • સારા-નબળા માલોમાં સતત વધી રહેલો ભાવ તફાવત : ગુજરાતમાં સ્પાઈસિસ લેબ છતાં હજુ અનેક અડચણો
  • નિકાસકારો તથા ટ્રેડરો વચ્ચેની આંતરિક હરીફાઈ ઘટે તો જ નિકાસને વેગ મળી શકે
  • જીરું, મરચાં, હળદર, મરી, વરિયાળી તથા ઈસબગુલમાં ભારતીય બજારનો વિશ્વભરમાં ડંકો
  • ગુજરાતમાં જીરું, વરિયાળી, ઈસબગુલ વિશ્વમાં ઉત્પાદનમાં મોખરે, પરંતુ મિક્સિંગથી પૂરતા ભાવ મેળવવામાં વંચિત

ભારત અનાજ-કઠોળ તથા તેલીબિયાં પાકોમાં ભલે ઉત્પાદનમાં પાછળ હોય, પરંતુ વિશ્વભરમાં મરી-મસાલામાં ભારતીય બજારનો ડંકો વાગી રહ્યો છે એમ કહેવું ખોટું નથી, કેમ કે વિશ્વમાં જીરું, વરિયાળી, ઈસબગુલ, મરચાં તેમજ હળદરમાં ભારતીય ઉત્પાદકો શિરમોર છે, પરંતુ એકના ડબલ કરવાની લહાયમાં ટ્રેડરો, નિકાસકારો છેલ્લા કેટલાક વર્ષથી મિક્સિંગ અને નિકાસના ધારાધોરણો મુજબ આયાતકારોને માલ પૂરો પાડતા ન હોવાથી વિશ્વના મોટા ભાગના દેશોએ આયાત પર બ્રેક મારી દીધી છે. અગાઉ તો યુએઈ, જાપાને જીરું તથા મરચાંમાં ગુણવત્તા નબળી હોવાના કારણે વેપારો અટકાવી પણ દીધા હતા. જો ભારતીય નિકાસકારએ મસાલા પાકોની મોનોપોલીનો લાભ લેવો હોય અને પ્રીમિયમ ભાવ મેળવવા હોય તો ગુણવત્તાને પ્રાધાન્ય અવશ્યપણે આપવું પડશે. નવી સિઝન આગામી ટૂંકાગાળામાં શરૂ થવા જઈ રહી છે તે પૂર્વે ખેલાડીઓ દ્વારા તેજીનો માસ્ટર સ્ટ્રોક ખેલવા લાગ્યા છે.

મસાલા કિંગ એવા જીરુંમાં ઉત્પાદનમાં વધારો થવાના અહેવાલો અત્યારે મળી રહ્યાં છે. મુખ્ય ઉત્પાદક રાજ્ય એવા ગુજરાત અને રાજસ્થાનમાં જીરુંનું ઉત્પાદન ૫૮-૬૦ લાખ ગૂણી થવાનોે અંદાજ નિષ્ણાતો દર્શાવી રહ્યાં છે જે ગત વર્ષે ૪૦-૪૨ લાખ ગૂણી વચ્ચે રહ્યું હતું. ઉત્પાદનમાં વૃદ્ધિ છતાં બજાર તેજીતરફી બની રહેશે તેવો સૂર મળી રહ્યો છે, કેમ કે જૂના માલોની પાઈપલાઈન ખાલી થઈ જવા સામે આગામી દિવસોમાં મોટા પાયે નિકાસ વેપારો ખૂલશે તેવી શક્યતા છે. વિશ્વમાં ભારત ઉપરાંત તુર્કી અને સીરિયામાં જીરુંનું ઉત્પાદન થાય છે, પરંતુ ત્યાં માલ જુલાઈ અંતમાં આવે છે અને ગુણવત્તા પણ નબળી હોય છે. માટે ગલ્ફ, મીડલ ઈસ્ટ દેશોમાં વેપારની મોટી તકો રહેલી છે. જીરું વાયદો ૧૬,૫૦૦થી ૧૭,૫૦૦ની રેન્જમાં સતત અથડાયા કરે છે. આગળ જતા નીચામાં વર્ષ દરમિયાન રૂ. ૧૫,૦૦૦ની મંદી નકારાઈ રહી છે. જ્યારે ઉપરમાં રૂ. ૧૮,૫૦૦ સુધી ભાવ પહોંચે તો નવાઈ નહીં તેવું ટ્રેડરોનું કહેવું છે.

મસાલાની નિકાસમાં ગુણવત્તા અને કીટકો મળી આવ્યા હોવાથી ગત વર્ષે જીરું, મરચાં તેમજ હળદરની નિકાસમાં સરેરાશ ૨૦-૩૦ ટકા સુધીનો ઘટાડો આવ્યો હતો. ગુજરાતમાં જેમ જીરું, વરિયાળી તેમજ ઇસબગુલ જેવા પાકોની મોનોપોલી છે ત્યારે આંધ્ર પ્રદેશમાં મરચાં અને હળદરની છે. આંધ્ર પ્રદેશ સરકારે હળદરનું ઉત્પાદન વધીને ૭૫ લાખ બોરી થશે તેવો અંદાજ મૂક્યો છે. જ્યારે મરચાંનું ઉત્પાદન ત્રણ કરોડ બોરી રહેવાના સંકેતો છે. મોટા પાકના કારણે ખેડૂતોને ઉત્પાદનની ઊપજના પણ પૂરતા ભાવ મળતા નથી. તેની સામે ટ્રેડરો અને નિકાસકારો ભેળસેળ અને સ્ટોક કરીને મોટી આવક કરી રહ્યાં છે.

એગ્રિ કોમોડિટીમાં સટ્ટારૂપી ખેલાડીઓ માટે ધાણા-જીરું, ગવાર-ગમ હોટ ફેવરિટ બની રહ્યાં છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી જીરું અને ધાણામાં તેજીની સુવાસ ઝડપી પ્રસરી રહી છે. ધાણા વાયદો ૬,૮૦૦ની અને જીરું વાયદો રૂ. ૧૭,૦૦૦ની સપાટી આસપાસ ક્વોટ થઈ રહ્યો છે. આ બંને કોમોડિટીને નવી ટોચે લઈ જવા માટે ખેલાડીઓ ટાર્ગેટ કરી રહ્યાં છે. એકના ડબલ કરી લેવાના માહોલમાં નિકાસકારો, ટ્રેડરો અને સટ્ટાખોરો લાંબાગાળે વેપારને નુકસાન કરી રહ્યાં છે. આગળ જતાં દેશમાંથી કૃષિ પાકોની નિકાસને વેગ નહીં મળે તો ઉત્પાદનને પણ મોટી અસર પડી શકે છે. નિકાસને વેગ આપવા માટે ગુજરાતમાં ગુણવત્તાની પરખ માટે સ્પાઈસિસ લેબની શરૂઆત થઈ છે, પરંતુ નિકાસમાં મોટી વૃદ્ધિ ખાસ નોંધાઈ નથી.

નિકાસને વેગ માટે ડોલરનો સપોર્ટ જરૂરી

વિશ્વમાં મસાલાના ઉત્પાદન નિકાસમાં ભારત મોખરાનું સ્થાન ધરાવે છે ત્યારે નિકાસને વેગ આપવા માટે ડોલરનો સપોર્ટ પૂરતો મળે તે જરૂરી છે. દેશમાં કુલ મસાલામાં અમેરિકા, ગલ્ફ દેશો, મિડલ ઇસ્ટ તથા અન્ય દેશોમાં મોટા પાયે નિકાસ વેપારો થઈ રહ્યા છે, પરંત જ્યાં સુધી ડોલરની તેજીનો લાભ નહીં મળે ત્યાં સુધી મોટા વેપાર થવા શક્ય નથી. ડોલર અત્યારે ઘટીને ૬૬ અંદર બોલાઈ ગયો છે. જો વધીને ૬૮ થાય તો નિકાસ વેપારોમાં વૃદ્ધિ થઈ શકે તેમ છે.

મિક્સિગનું પ્રમાણ ઘટે તો જ નિકાસને વધે

નિકાસકારો ગુણવત્તા સાથે બાંધછોડ કરીને ઝડપી વેપાર કરી કમાણી કરી લેવાનો પ્લાન ઘડે છે. જેના પરિણામે જીરું, વરિયાળી જેવા પાકોમાં મિક્સિંગ કરીને માલો ચડાવી દેવામાં આવે છે. અંતે રિજેક્શન ુપરાંત અનેક કારણોનો ભોગ બનવું પડી રહ્યું છે. ખાસ કરીને જીરુંમાં વરિયાળીનું અને સવાનું મોટા પાયે મિશ્રણ થાય છે. જ્યાં સુધી આ નહીં અટકે ત્યાં સુધી જીરુંની નિકાસને વેગ મળે તેમ નથી. વરિયાળી તથા જીરુંમાં મોટો ભાવ ફરક હોવાથી મિક્સિગનું પ્રમાણ વધી રહ્યું છે.