પ્રવક્તા એટલે રાજકીય આકાશમાં લોટતો પતંગ!  - Sandesh
NIFTY 10,980.45 -27.60  |  SENSEX 36,373.44 +-146.52  |  USD 68.6025 +0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • પ્રવક્તા એટલે રાજકીય આકાશમાં લોટતો પતંગ! 

પ્રવક્તા એટલે રાજકીય આકાશમાં લોટતો પતંગ! 

 | 4:17 am IST

રોંગ નંબર :- હર્ષદ પંડયા ‘શબ્દપ્રીત’

આપણે ત્યાં ઘણા નાના-મોટા સિઝનલ બિઝનેસ ચાલતા હશે પણ ઇલેક્શન જેવો સિઝનલ બિઝનેસ બીજો કોઈ જ નહીં હોય! એક આ જ એવો સિઝનલ બિઝનેસ છે જે ઘણાબધાને રોજી-રોટી પૂરી પાડે છે. કોઈ ચૂંટણીપત્રિકાઓ છાપીને તો કોઈ લોકપ્રિય નેતાનાં માસ્ક(મહોરાં) બનાવીને, કોઈ ચૂંટણીસભા સ્થળે મંડપારોપણ કરીને તો કોઈ વળી નેતા કે વક્તાનાં કદ અને વજન પ્રમાણે સ્ટેજ તૈયાર કરીને બે પૈસા કમાઈ લે છે. ચૂંટણી એ માત્ર ચૂંટણી જ નથી હોતી એની સાથે નાનાં-મોટાં કેટકેટલાં બજેટ અને ખાનગી કે જાહેર અર્થશાસ્ત્ર જોડાયેલાં હોય છે! આ તો આપણે ઇલેક્શન દરમિયાન ધમધમતી સ્મોલસ્કેલ ઇન્ડસ્ટ્રીઝની વાત કરી પણ એની સમાંતરે પણ એક જબરજસ્ત બિઝનેસ ચાલતો હોય છે, એ બિઝનેસ છે : વક્તા, પ્રવક્તા અને વિશ્લેષક દ્વારા ચાલતો અનુક્રમે વક્તવ્ય, પ્રવક્તવ્ય અને વિશ્લેષણ બિઝનેસ!

એક સમય હતો કે જ્યારે કોઈ ઉમેદવાર સમાજસેવા કરવા માટે પોતાની સઘળી ગરીબીનો ત્યાગ કરીને ચૂંટણીમાં ઝંપલાવતો, ત્યારે એ ખુદ વક્તા બનીને વક્તવ્ય આપતો પણ જેમ જેમ ચૂંટણી પોતાનાં બાહ્યસૌંદર્યને ઓળખતી થવા માંડી, પોતાનાં રૂપ, રંગ અને ‘ફિગર’ મતલબ કે આકાર-પ્રકારને સમજતી થવા માંડી ત્યારથી એ પોતાનાં ગ્લેમર માટે કોન્શિયસ બનવા માંડી અને ગ્લેમર મેન્ટેઇન કરવા માટે એણે જે તે ઉમેદવારનાં વક્તવ્યની સાથે સાથે વાક્પટુ વક્તાઓને ‘હાયર’ કરવા માંડી. કેટલાક નેતાઓ નેતાગીરી કરવામાં નંબર વન હોય પણ બોલવામાં કે પ્રવચન કરવામાં એ બાફતા હોય છે. ક્યારેક અને ક્યાંક આવું બફાઈ ન જાય એનું ધ્યાન રાખીને ચૂંટણીના પ્રસંગને અનુરૂપ તાલુકા મોવડીમંડળ, જિલ્લા મોવડીમંડળ, રાજ્ય મોવડીમંડળ કે પછી દેશ મોવડીમંડળ જે તે ઉમેદવારને આદેશ આપે છે કે હે બંધુ કે હે ભગિની, તમે આ ચૂંટણીમાં જીતવાની ઉમેદ લઈને ઉમેદવાર બન્યા છો એટલે તમારે તો મૌન જ રહેવાનું છે. જનતા શ્રોતાગણ સમજી જશે કે વક્તાનાં ભાષણની કેટલી ઊંડી અસર આપણા મતવિસ્તારના ઉમેદવાર પર પડી રહી છે! જનતા ભોળી છે! જનતાનાં ભોળપણની જેટલી કદર થાય એટલી આપણે આ ચૂંટણીમાં કરી છૂટવાની છે!

વક્તા ક્યારેક એવું બોલી નાખતો હોય છે કે શ્રોતાગણમાં બેઠેલી કોઈ બિનગુજરાતી વ્યક્તિ પોતાનો પ્રતિભાવ આપતાં બોલી ઊઠે છે કે, વાહ ક્યા બકતા હૈ! વક્તા શ્રોતાગણને ક્યારેક મનોરંજન પણ પૂરું પાડે છે. આમ તો જોકે મોટાભાગના સેવકો મનોરંજન પૂરું પાડીને જ તો ચૂંટાયા હોય છે! જનતાને મનોરંજન પૂરું પાડવામાં જે વક્તાની માસ્ટરી જેટલી તગડી એટલી એની પાર્ટી મતદારોના મતથી છલકાઈ જવાની એવી એક સુંવાળી કલ્પના દરેક વક્તા કરતો હોય છે. એવું નથી કે એ માત્ર મનોરંજન જ આપે છે, ના, મનોરંજનની સાથે સાથે શ્રોતાગણને ભાષાજ્ઞાન પણ છૂટથી પીરસે છે.

પ્રવક્તા એક એવી વ્યક્તિ છે જેના પ્રવક્તવ્યમાં એનો તો માત્ર અવાજ જ હોય છે, વિચારો બધા હાઇકમાન્ડના હોય છે. વક્તા કરતાં પ્રવક્તાનું કામ આ દૃષ્ટિએ થોડું અઘરું કહેવાય. વક્તા તો મનમાં આવે કે પછી જે કંઈ યાદ આવે એ બધું બોલવામાં સ્વતંત્ર હોય છે. એને તો આકાશ પણ પોતાનું અને પતંગ પણ પોતાની! જ્યાં, જે રીતે અને જે દિશામાં એને ઉડાડવી હોય એ રીતે એ ઉડાડી શકે! પ્રવક્તાને બિચારાને આવું નથી હોતું. આમેય નોકરિયાત માણસ હજુ પૂરેપૂરો સ્વતંત્ર નથી હોતો, ભલેને એ દર વર્ષે પ્રજાસત્તાકદિન કે સ્વાતંત્ર્યદિનની ઊછળી ઊછળીને ઉજવણી કરતો હોય! વક્તાને બોલવામાં કોઈ જ આચારસંહિતા નડતી નથી, એમાંય એ વક્તા શાસક પાર્ટીનો હોય તો તો આચારસંહિતા બિચારી સ્વયમ્ લાચારસંહિતા બની જાય છે, કેમ કે આપણે ત્યાં આવા પ્રસંગે એક પંક્તિનો બેફામ દુરુપયોગ થતો હોય છે કે : સમરથ કો નાહીં દોષ ગુસાંઈ! ખરેખર તો આ પંક્તિનો અર્થ એવો છે કે જે સમર્થ છે, શક્તિશાળી છે એને નાનો અમથો દોષ કરવાનો પણ હક્ક નથી પણ આપણો દેશ શીર્ષાસનનો દેશ છે એટલે અહીં વ્યક્તિનું જ નહીં, વાત, વિધાન કે વક્તવ્યનું પણ ક્યારે શીર્ષાસન કરી નાખવામાં આવે એનું કાંઈ નક્કી નહીં.

હમણાં એક રાજકીય પાર્ટીના પ્રવક્તા મળ્યા. મેં ઠંડી ઉડાડવાનો પ્રયત્ન કરવા મારા ખુદના બે હાથની હથેળીઓ ઘસતાં ઘસતાં એમને પૂછયું : ચૂંટણીઓની સિઝન પૂરી થઈ ગઈ. સિઝન પૂર્વે અને સિઝન પછી પણ તમને સાંભળવાની મજા આવી હો! અત્યારે હવે શું કરો છો? ત્યારે એમણે કહ્યું : બસ, હમણાં તો હાથ ઘસીએ છીએ, આટલું સાંભળતાં જ જાણે મને કરંટ લાગ્યો હોય એમ હું મારા ખુદના હાથ ઘસતો ક્યારે બંધ થઈ ગયો એની ખબરેય ન પડી. મારી બોડીલેન્ગ્વેજ જોઈને એ ભાઈ સમજી ગયા કે વાતનું શીર્ષાસન થઈ ગયું લાગે છે એટલે એમણે પોતાની વાતને સુધારી લેતાં કહ્યું : મારો કહેવાનો મતલબ તમે સમજ્યા એ નહીં પણ હું એમ કહેવા માગતો’તો કે જે ધંધો સિઝનલ હોય એ તો સિઝન પૂરતો જ હોય ને! હમણાં તો હાથ ઘસીએ છીએ એટલે કે નવરાધૂપ છીએ, અમારે લાયક કાંઈ કામબામ હોય તો કહેજો!

ન્યૂ ચાણક્ય તો બદલાતા જતા રાજકીય અને સામાજિક માહોલને જોઈને એવીય આગાહી કરે છે કે આવનારા દિવસોમાં કોઈ સંસ્થા ‘પ્રવક્તા બનો અને પૈસા કમાઓ’ કે પછી ‘અસરકારક પ્રવક્તા કેવી રીતે બનશો?’ અથવા તો ‘ત્રણ મહિનામાં ધારદાર પ્રવક્તા બનવા માટે આજે જ અમારી શૈક્ષણિક સંસ્થામાં કે પછી અમારા કોચિંગ ક્લાસિસમાં જોડાઓ’ જેવી જાહેરખબરો જોવા મળે તો આશ્ચર્ય નહીં પામવાનું. આ હવે ભારત નથી, ઇન્ડિયા છે અને આજનું ઇન્ડિયા પણ હવે તો આવતી કાલનું ન્યૂ ઇન્ડિયા બનવા થનગની રહ્યું છે એટલે અહીં બધું જ શક્ય છે!

વક્તા બધું જ બોલી શકે. પ્રવક્તાને તો જેટલું અને જેવું કહ્યું હોય એટલું જ અને એવું જ બોલવું પડે. ‘બોલી શકે’ અને ‘બોલવું પડે’ એ બેમાં ફરક છે સાહેબ! પણ હજુય એક વ્યક્તિ એવી છે જે દૂધમાં અને દહીંમાં બંનેમાં પગ રાખી સમતુલા જાળવીને જે બોલવું હોય એ બોલી શકે! એ વ્યક્તિ છે : વિશ્લેષક, રાજકીય વિશ્લેષક! આમ તો આપણે ત્યાં ઘણા પ્રકારના વિશ્લેષકો હોય છે. મારા એક મિત્ર છે એમને દરેક વાતનું વિશ્લેષણ કરવાનો શોખ છે. ઘણીવાર તો એ એવુંય વિશ્લેષણ કરતા હોય છે કે ઠંડી શિયાળામાં જ કેમ, ઉનાળામાં કેમ નહીં? પોતે ને પોતે સવાલો પેદા કરે અને પોતે ને પોતે જ એના જવાબો શોધી કાઢે!

ચૂંટણીનાં આકાશમાં વક્તા મનફાવે એ દિશામાં ઊડતો પતંગ છે, તો પ્રવક્તા કહ્યાગરો પતંગ છે. ચગાવનાર જેટલી દોરી છોડે એટલું જ એણે ઊડવાનું પણ વિશ્લેષક એવો પતંગ છે જે કોઈપણના ઊડતા પતંગને કાપી પણ શકે અને વચ્ચે ઝોલ પણ નાખી શકે!

ડાયલ ટોન : 

  • તમને મંત્રીપદ ક્યારે મળવાનું છે?
  • કેમ?
  • મારે ડાઇમંડના પાંચેક સેટ ખરીદવા છે.