સ્પોર્ટ્સ ચેનલે ભારતમાં 'પાકિસ્તાન સુપર લીગ'નું પ્રસારણ બંધ કર્યું - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • સ્પોર્ટ્સ ચેનલે ભારતમાં ‘પાકિસ્તાન સુપર લીગ’નું પ્રસારણ બંધ કર્યું

સ્પોર્ટ્સ ચેનલે ભારતમાં ‘પાકિસ્તાન સુપર લીગ’નું પ્રસારણ બંધ કર્યું

 | 7:41 pm IST

પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશ દુઃખી છે. દેશના દરેક ખૂણેથી બદલાની માગ ઊઠી રહી છે. આ હુમલાથી ભારત અને પાકિસ્તાનના સંબંધો પણ વધુ વણસી ગયા છે. આ દરમિયાન ભારતમાં પાકિસ્તાન સુપર લીગના પ્રસારક સ્પોર્ટ્સ ચેનલ ડી સ્પોર્ટ્સે ટૂર્નામેન્ટનું પ્રસારણ બંધ કરી દીધું છે. ડી સ્પોર્ટ્સ આઈપીએલની જેમ યોજાતી પાકિસ્તાન સુપર લીગનું સત્તાવાર પ્રસારક છે. સીઆરપીએફ જવાનો પર થયેલા કાયરતાપૂર્ણ હુમલા બાદ ડી સ્પોર્ટ્સે બ્રોડકાસ્ટ બંધ કરી દીધું છે. સ્પોર્ટ્સ ચેનલે શનિવારે રાત્રે લાહોર અને કરાચી વચ્ચેના મુકાબલાના પ્રસારણને ભારતમાં રોકી દીધું હતું. ડી સ્પોર્ટ્સ શુક્રવાર રાત્રિથી જ લાઇવ પ્રસારણ રોકવાનું હતું પરંતુ ટેક્નિકલી ખરાબીને કારણે શક્ય નહોતું બન્યું. આઈપીએલમાં પાકિસ્તાનના ખેલાડીઓ પર 2009થી પ્રતિબંધ લાગી ચૂક્યો છે અને હવે તેની ટૂર્નામેન્ટ પણ અહીં પ્રસારિત નહીં થાય.

ચેનલના ઓફિશિયલ્સે કહ્યું કે, અમે બ્રોડકાસ્ટ રોકી દીધું છે. અમે રાષ્ટ્રીય મુદ્દા પ્રત્યે સંવેદનશીલ છીએ અને અમે વિચાર કરી રહ્યા છીએ કે, તેને કેવી રીતે બ્લેકઆઉટ કરી શકાય તેના પર વિચાર કરી રહ્યા છીએ. તેમાં કેટલાક ટેક્નિકલ મુદ્દા પણ સામેલ છે. બ્લેકઆઉટ કરાયા અંગે પીસીબીએ કોઈ જવાબ આપ્યો નથી.

પાકિસ્તાન સુપર લીગના ઉદ્ઘાટન સમારોહ વખતે પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર રમીઝ રાજાએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, આ વખતે પીએસએલ વિસ્તરવાની સાથે તેનું સારું કવરેજ પણ થશે. તેવામાં ભારતમાં આ લીગના પ્રસારણ પર રોક લગાવાથી પાકિસ્તાન ક્રિકેટને મોટો ઝટકો લાગ્યો છે.

ભારત-પાક. વચ્ચે ક્રિકેટ બંધ કરવાની માગ

ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય ક્રિકેટ મેચ રમાતી નથી. બંને દેશો માત્ર આઈસીસી અથવા એસીસીની ટૂર્નામેન્ટમાં જ ટકરાય છે. બંને ટીમોનો આગામી મુકાબલો વર્લ્ડ કપમાં 16 જૂનના રોજ રમાનાર છે. બીસીસીઆઈ પાસે હવે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ રદ કરવાની માગ કરાઈ રહી છે. અગાઉ પણ આ પ્રકારની માગ ઊઠી ચૂકી છે પરંતુ બીસીસીઆઈ અથવા સરકારે આ અંગે કોઈ એક્શન લીધા નથી.

બીસીસીઆઈ અધ્યક્ષે સીઓએ પાસે પાંચ કરોડ રૃપિયા આપવા મંજૂરી માગી

બીસીસીઆઈના કાર્યવાહક અધ્યક્ષ સીકે ખન્નાએ સંચાલકોની સમિતિ (COA)ના પ્રમુખ વિનોદ રાયને અપીલ કરી છે કે, પુલવામામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોના પરિવારની મદદ માટે ઓછામાં ઓછા પાંચ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવે. ખન્નાએ સીઓએ, પદાધિકારીઓ અને રાજ્ય ક્રિકેટ સંગઠનોને લખેલા પત્રમાં કહ્યું અમે દુઃખી છીએ અને પુલવામા આતંકી હુમલાની નિંદા કરીએ છીએ. શહીદ પરિવારો પ્રત્યે અમારી સંવેદના છે. હું સંચાલકોની સમિતિને આગ્રહ કરું છું કે, બીસીસીઆઈને શહીદોના પરિવારોને ઓછામાં ઓછા પાંચ કરોડ રૃપિયાનું યોગદાન આપે. આ ઉપરાંત આઈપીએલની ફ્રેન્ચાઇઝી માલિકોને પણ અપીલ કરીશ કે, તેઓ યોગદાન આપે. તેમણે વધુમાં કહ્યું કે, ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝની પ્રથમ મેચ અને આઈપીએલની પ્રથમ મેચ અગાઉ શહીદોના માનમાં બે મિનિટનું મૌન પાળવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન