Sravani Poonam's Balev is also especially useful in education
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • શ્રાવણી પૂનમની બળેવ વિદ્યાભ્યાસમાં પણ વિશેષ ઉપયોગી

શ્રાવણી પૂનમની બળેવ વિદ્યાભ્યાસમાં પણ વિશેષ ઉપયોગી

 | 7:30 am IST
  • Share

કવર સ્ટોરી :- ભૂપેન્દ્ર ધોળકિયા

આ વખતે શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધન-બળેવ-શ્રાવણીનું પર્વ સોમવારે આવે છે તેથી તેનું ધાર્મિક મહત્ત્વ વધી જાય છે. લોકભાષામાં બળેવને બ્રાહ્મણોની દિવાળી તરીકે ઓળખવામાં આવે છે.

ખગોળ શાસ્ત્રની અને ધર્મ શાસ્ત્રની બાબતોનો સમન્વય કરીએ તો ઘણી આૃર્યકારક વિગતો આપણા સામે આવે છે. નૈસર્ગિક રાશિકુંડળી મૂકીએ તો શ્રાવણ માસની પૂનમ કર્મસ્થાને (દસમા ભુવનમાં) સમાય છે.

શ્રાવણ માસની પૂનમના દિવસે ઘણા વ્રત તહેવાર આવે છે. શાસ્ત્રમાં ઉલ્લેખ છે કે વિપ્રજનો-બ્રાહ્મણોને રાખડી બાંધતી વખતે વેદોક્ત મંત્રનો ઉચ્ચાર કરવો જોઈએ. જ્યારે બ્રાહ્મણોત્તર (અન્ય) લોકોને પુરાણોક્ત મંત્રના ઉચ્ચાર સાથે રક્ષાબંધન કરવું જોઈએ.

પંચાંગ ગણિત અને ખગોળ શાસ્ત્ર મુજબ સમજીએ તો પૂનમના બે પ્રકાર છે.

(૧) જે પૂનમના રોજ દિવસના ભાગે (સૂર્યાસ્ત પહેલાં સૂર્યની હાજરીમાં) ચંદ્ર ઉદય થાય તેને અનુમતિ પૂર્ણિમા કહે છે.

(૨) જે પૂનમના રોજ સૂર્યાસ્ત પછી (સૂર્યની ગેરહાજરીમાં) ચંદ્ર ઉદય થાય તેને રાકા પૂર્ણિમા કહે છે.

હવામાન-તેજીમંદી-બજારો તથા આયુર્વેદમાં દવાઓ-ઔષધ નિર્માણ બાબતે આ બંને પૂનમની અસરો જુદી જુદી હોય છે.

પ્રકૃતિની સાથે તાલમેલભર્યું જીવન જીવનાર કૃષિ-સંસ્કૃતિમાં કોકિલાવ્રતનો વિશેષ મહિમા છે. અષાઢીપૂનમે કોકિલાવ્રત શરૂ થઈને શ્રાવણી પૂનમે સમાપ્ત થાય છે. આમાં કોયલનો અવાજ સાંભળ્યા પછી જ ભોજન લેવાનું હોય છે.

હયગ્રીવ જયંતી  

હિંદુ શાસ્ત્રોમાં ભગવાન વિષ્ણુનાં અવતાર ગણાતા ‘હયગ્રીવ’નો જન્મ શ્રાવણ સુદ પૂનમનો ગણાય છે. તેથી ‘હયગ્રીવ જયંતી’ મનાવાય છે.

શ્રાવણી-ઉપાકર્મ  

ઋગવેદ, યજુર્વેદ, અર્થવેદ, હિરણ્યકેશી, તૈતરીય વગેરે શાખાના ભૂદેવોને જનોઈ બદલવા માટેના ખાસ ધોરણ-શાસ્ત્રીય નિયમો હોય છે તે મુજબ શ્રાવણી-શ્રાવણ સુદ પૂનમના દિવસોમાં જનોઈ બદલવામાં આવે છે.

સામવેદી શ્રાવણ  

સામવેદી બ્રાહ્મણો તથા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો માટે સામવેદી શ્રાવણી હસ્ત નક્ષત્રના ચંદ્ર દરમિયાન કરવાની હોય છે. તેમની શ્રાવણી મોટે ભાગે ભાદરવા સુદ ત્રીજ કે ચોથના દિવસે હોય છે.

નારિયેળી પૂનમ  

શ્રાવણ સુદ પૂનમના રોજ સમુદ્ર પૂજનનો મહિમા છે. નાવિકો-સાગરખેડૂઓ તથા ખારવા ભાઈઓ દરિયાકિનારે જઈને દરિયાદેવનું પૂજન કરે છે. નારિયેળ સમુદ્રને અર્પણ કરે છે. અનુભવી સાગરખેડૂઓ શ્રાવણી પૂનમના દિવસના વાયુનું અવલોકન કરે છે અને તેના આધારે પોતાના આગામી કાર્યક્રમનું આયોજન કરવામાં માટે પૂર્વાનુમાન લગાવી, હવામાનનો અભ્યાસ કરે છે.

ગુજરાતમાં સોમનાથ-વેરાવળ, માંડવી (કચ્છ), વલસાડ, ભરૂચ વગેરે બંદરે ઈષ્ટદેવના મેળા તથા સમુદ્ર પૂજનનો ઉત્સવ ઊજવાય છે.

પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોના મહત્ત્વના મંદિરો-હવેલી-શ્રીનાથદ્વારા વગેરે સ્થળે રક્ષાબંધનના ધાર્મિક ઉત્સવ થાય છે. આજથી જન્માષ્ટમી સુધી દરરોજ શ્રીકૃષ્ણ જન્મની વધાઈના ધોળ, ગીતો, ભજન, કીર્તનો ગાવાનો વિશેષ મહિમા છે.

શ્રાવણ સુદ પૂનમનો દિવસ ધર્મ અને પંચાંગ શાસ્ત્રની દ્રષ્ટિએ એક જ સમયે આવતો હોવા છતાં રાજસ્થાન-વ્રજ અને ઉત્તર ભારતમાં પૂર્ણિમાંત મહિના હોવાથી શ્રાવણ માસનો છેલ્લો દિવસ ગણાય છે ત્યાં બીજા દિવસે પૂર્ણિમાંત ભાદ્રપદ માસ બેસે છે. જ્યારે ગુજરાત-મહારાષ્ટ્રમાં શ્રાવણ સુદ પૂનમ-રક્ષાબંધનનો દિવસ શ્રાવણ માસના મધ્યભાગમાં આવે છે.

શ્રવણ નક્ષત્ર-થીરૂવોનમ 

શ્રવણ નક્ષત્રને કેરલમાં થીરૂવોનમ્ કહે છે. શ્રી વિષ્ણુ ભગવાનનો વામન અવતાર શ્રવણ નક્ષત્રમાં થયો હતો. તેથી કેરલમાં તો દરેક મહિનામાં શ્રવણ નક્ષત્રના દિવસે ઉત્સવ ઉજવવામાં આવે છે. સિંહ સંક્રાંતિના સૂર્ય દરમિયાન (તા.૧૬ ઓગસ્ટથી તા.૧૪ સપ્ટેમ્બર, ચંદ્ર નક્ષત્ર શ્રવણ હોય તે દિવસે ઓણમથી વરૂવોનમ્ ઉત્સવ ઉજવાય છે. કેરલનાં લોકસાહિત્યમાં રાજાનો મહિમા વિશેષ છે. બલિ રાજાને કેરલમાં ‘મહાબલિ’ કહે છે. વિષ્ણુએ વામન અવતાર ધારણ કરીને બલિને પાતાળમાં મોકલવો પડયો હતો.

આમ છતાં બલિરાજાના રાજ્યમાં આદર્શ રાજ્ય વ્યવસ્થા હતી. બલિરાજાએ વામન-વિષ્ણુ ભગવાન પાસેથી વરદાન મેળવી લીધું હતું કે તેને વર્ષમાં એકવાર-એક દિવસ માટે તેની વહાલી પ્રજાને મળવા માટે પૃથ્વી ઉપર આવવા દેવામાં આવશે. આના અનુસંધાનમાં આજે પણ કેરળમાં ઓણમથી વરૂનમ્ પર્વ ઉજવાય છે.

શ્રાવણ પૂનમે વિદ્યાભ્યાસ-  

જે વિદ્યાર્થીઓ સંજોગવશાત અભ્યાસમાં પૂરું ધ્યાન આપી શક્તા નથી. પરિણામમાં પીછેહઠ થતી જોવા મળે છે. આવા વિદ્યાર્થીઓએ શ્રાવણ સુદ પૂનમના દિવસે સવારે-મધ્યાહન પહેલાં ગાયત્રી મંત્ર-સરસ્વતિ મંત્ર તથા વિદ્યાકારક ગુરુના મંત્રની એક એક માળા કરવી જોઈએ.

(૨) સાંજે પૂર્વ દિશામાં પૂર્ણ ચંદ્ર ઊગે ત્યારે તેના દર્શન કરીને ચંદ્રના મંત્રની એકમાળા કરવી. ચંદ્રનો મંત્ર અનુકૂળ ન હોય તો જ્ઞાનના દેવ શિવજીના મંત્રોનું ઉચ્ચારણ સાથે સ્મરણ કરવું હિતાવહ બની રહેશે.

(૩) સંજોગવશાત શ્રાવણી પૂનમે સાંજે ચંદ્ર ન દેખાય તો પણ પૂર્વ દિશામાં ચંદ્રનું સ્મરણ કરીને વિદ્યાભ્યાસમાં સફળતા માટે પ્રાર્થના કરવી જોઈએ.

નોંધઃ આવતા વર્ષે શ્રાવણ સુદ પૂનમ -રક્ષાબંધન-બળવેનું પર્વ તા.૨૨ ઓગસ્ટ-૨૦૨૧ને રવિવારે આવશે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન