શ્રીકૃષ્ણ ભગવાનનું પ્રાગટય   - Sandesh

શ્રીકૃષ્ણ ભગવાનનું પ્રાગટય  

 | 12:01 am IST

ભાગવત સરિતા

જેમ અમૃતરસ વહે, જેમ પાવન ગંગાજીનું પવિત્ર દિવ્ય વહેણ વહે તેમ શુકદેવજી શ્રીમદ્ ભાગવત કથા વર્ણવે છે. શુકદેવજી પરીક્ષિત રાજાની પરીક્ષા લેતાં કહે, ‘રાજન્, તમે સતત એક જ આસને બેસી થાકી ગયા હશો, આથી હવે આપ થોડો વિરામ લો, થોડું ભોજન કરી લો.’ પરીક્ષિત રાજા કહે, ‘હે શુકદેવજી મહારાજ! આપ ભોજન અને વિરામની વાત કરો છો પણ હરિરસનું પાન કરતા કરતાં મને તો તરસ પણ નથી લાગતી અને આંખનું મટકું મારવાની પણ ઈચ્છા નથી થતી,’ પરીક્ષિત રાજાની આ વાત સાંભળી શુકદેવજી મહારાજ પ્રસન્ન થાય છે અને કળિયુગનાં પાપોને નાશ કરનારી શ્રીકૃષ્ણ ભગવાનની કથા વર્ણવે છે.

પૂર્વે આ સમયે શૂરસેન રાજા મથુરા નગરીમાં રહી માથુર અને શૂરસેન નામના દેશો ભોગવતો હતો. ત્યારથી મથુરાનગરી યાદવ રાજાઓની રાજધાની હતી, અહીં ઉગ્રસેન રાજા રાજ્ય કરતા હતા. એક સમયે શૂરસેનના દીકરા વસુદેવનું દેવક નામે જાણીતા રાજાની પુત્રી દેવકી સાથે લગ્ન થયું. ખૂબ જ ધામધૂમથી લગ્ન થયાં. રાજાએ પોતાની પુત્રીને સુવર્ણથી શણગારેલા હાથી-ઘોડા, હીરાજડિત કેટલાય રથ તેમજ સુવર્ણ અલંકાર-આભૂષણ ભેટમાં આપ્યા. આમ, રાજાએ ભરપૂર કરિયાવર આપી પોતાની દીકરીને પરણાવી. વંશમાં કંસ સૌથી વધુ આસુરી પ્રકૃતિનો હતો તેમ છતાં, પોતાની બહેન દેવકીને સારું લગાડવા તે બહેન-બનેવીનો રથ જાતે હંકારવા બેઠો. કંસે રથ હંકારવાનું હજુ તો શરૂ જ કર્યું છે ત્યાં આકાશવાણી થાય છે – ‘હે મૂર્ખ કંસ! જે બહેન-બનેવીને રથમાં બેસાડી તું રથ હંકારી રહ્યો છે તે જ બહેનનું આઠમું સંતાન તારી હત્યા કરશે.’ પોતાના માટે અમંગળનું એંધાણ આપનારી આકાશવાણી સાંભળી કંસ ખૂબ જ ક્રોધે ભરાયો. કંસે વિચાર્યું હું દેવકીને જ મારી નાખું એટલે એનું સંતાન પણ ન થાય અને મારું મૃત્યુ પણ કાયમ માટે ટળી જાય. આવા ક્રૂર વિચારથી કંસે મ્યાનમાંથી તલવાર ખેંચી અને દેવકીનો ચોટલો પકડી તેને રથમાંથી નીચે ખેંચી નાંખી તેનો વધ કરવા તલવાર ઉગામી.

કંસે જેવી તલવાર ઉગામી તેવામાં જ દેવકીના પતિ વસુદેવે તેને રોક્યો અને વિનવણી કરતાં કહ્યું, ‘હે બળશાળી કંસ! તમે ખૂબ જ બહાદુર તેમજ મહાન યોદ્ધા તરીકે ખ્યાતનામ થયા છો. ભોજવંશી ર્કીિત આપનાથી ઘણી ઊજળી થઈ છે. માટે, હવે તમે સ્ત્રીહત્યા કરશો તો આપની ર્કીિતને અને સમસ્ત વંશને કલંક લાગશે. વળી, હે પ્રતાપી કંસ! તમને તમારી બહેન દેવકીથી તો કોઈ જ ભય નથી. આપને જો દેવકીનાં સંતાનોથી ભય હોય તો તે સંતાનો હું તમને આપી દઈશ જેથી આપ સદાય ભયમુક્ત રહેશો.’ કંસને વસુદેવની આ વાત થોડી ગળે ઊતરી એટલે તેણે દેવકીનો ચોટલો છોડી દીધો અને પોતાની તલવાર ફરીથી મ્યાનમાં મૂકી દીધી. આમ, વસુદેવે કંસને આવો તાર્કિક બોધ આપી શાંત કર્યો અને વસુદેવ અને દેવકી પોતાના નિવાસસ્થાને ગયાં.

થોડા દિવસ પછી દેવકીને ગર્ભ રહ્યો. વસુદેવ અને દેવકીના ઘરે બાળકનો જન્મ થયો. બાળકનો જન્મ થયો તેનો આનંદ થયો પણ વસુદેવે કંસને વચન આપ્યું હતું કે હં પ્રત્યેક બાળકની સોંપણી તમને કરીશ એ વચન પાળવા વસુદેવ બાળકને લઈ કંસ પાસે પહોંચ્યા. વસુદેવને બાળક સાથે આવેલા જોઈ કંસ વસુદેવની સત્યનિષ્ઠા ઉપર પ્રસન્ન થયો અને કહ્યું, ‘વસુદેવ! મને દેવકીના આઠમા બાળકથી ભય છે અને આ તો પ્રથમ સંતાન છે માટે તમે આ બાળકને લઈ જાઓ.’ આમ, વાસુદેવ બાળકને ઘરે પાછું લઈ ગયાં પણ તેઓ મનોમન જાણતા હતા કે કંસની મલિન બુદ્ધિનો કોઈ ભરોસો નહીં.

આ બાજુ નારદજીએ આ પ્રસંગ જાણ્યો આથી તેઓ વિચારવા લાગ્યા કે, જો કંસની બુદ્ધિ સુધરી જશે તો આ અસુર વધુ લાંબો સમય જીવન જીવશે આથી તેઓ સત્વરે કંસની પાસે પહોંચ્યા.

જુઓ, અહીં નારદજીએ પણ સદ્બુદ્ધિને ઘણું મહત્ત્વ આપ્યું છે. માણસનું પતન હંમેશાં કુબુદ્ધિથી જ થાય છે તે અહીં સ્પષ્ટ થયું છે. શ્રીમદ્ ભાગવતનું વાંચન આપણામાં સદ્બુદ્ધિની વૃદ્ધિ કરે છે. સદ્બુદ્ધિની વૃદ્ધિ એટલે સમૃદ્ધિની વૃદ્ધિ, આયુષ્યની વૃદ્ધિ અને ભક્તિની વૃદ્ધિ સાથોસાથ મોક્ષની સિદ્ધિ પણ થાય છે, આપણા સત્શાસ્ત્રનો આવો દિવ્ય પ્રતાપ છે. મહર્ષિ પતંજલિએ મહાભાષ્યમાં લખ્યું છે ઋગ્વેદની ૨૧ શાખાઓ છે, યર્જુવેદની ૧૦૧, સામવેદની ૧૦૦૦ અને અથર્વવેદની ૯ બધી મળીને વેદની કુલ સંખ્યા થઈ ૧૧૩૧. પણ, આજે માત્ર ૧૧ શાખાઓ જ ઉપલબ્ધ છે, કારણ કે, નાલંદા, વિક્રમશિલા અને તક્ષશિલા જેવાં વિશ્વવિદ્યાલયોમાં હતા તે ગ્રંથો નાશ પામ્યા. ઈ.સ. ૧૧૯૫માં બખ્તિયાર ખિલજીએ આક્રમણ કર્યું ત્યારે તેણે નાલંદા વિશ્વવિદ્યાલયમાંનાં ત્રણ પુસ્તકાલયો બાળી નાખ્યાં. એ આગ સાત દિવસ સુધી સળગતી રહી હતી વિચાર કરો તેમાં કેટલા ગ્રંથો બળ્યા હશે? આપણી ભારતીય સંસ્કૃતિનું જ્ઞાન આટલું સમૃદ્ધ હતું.

હવે નારદજી નારાયણ..નારાયણ…કરતા કંસના દરબારમાં પધારે છે. કંસને કહે છે, ‘કંસ! તું બળવાન છે, વીર છે પણ સાથોસાથ તું બહુ ભોળો છે. આકાશવાણીમાં દેવકીના આઠમા બાળકનો ઉલ્લેખ થયો છે પણ, એ આઠમું બાળક પહેલેથી ગણવું કે છેલ્લેથી તેની સ્પષ્ટતા થઈ નથી. માટે તમારે સાવધ રહેવું જોઈએ. સાથોસાથ જુદાં જુદાં કુટુંબોમાં દેવતાઓનો જન્મ પણ થઈ ચૂક્યો છે.’ આમ, નારદજીએ કંસને યુક્તિપૂર્વક ઉશ્કેર્યો પણ કંસને એમ ન કહ્યું દેવકીના બધા પુત્રોને મારી નાંખ, નારદજીએ ફક્ત એમ જ કહ્યું કે, તમે સાવધ રહો. જુઓ, અસુરની ઉશ્કેરણી કરવાથી તરત જ પરિણામ મળે છે જ્યારે દૈવી તત્ત્વો જલદીથી ઉશ્કેરાટ પામતાં નથી. કંસ એ પ્રબળ આસુરી બુદ્ધિ ધરાવતો હતો આથી તે ઉશ્કેરાઈ ગયો અને તેણે તત્કાળ વસુદેવ અને દેવકીજીને કારાગારમાં કેદ કરી લીધાં અને કંસ તેમનાં જન્મ લેનાર તમામ બાળકોને એક પછી એક મારવા લાગ્યો. સાથોસાથ તેણે તેના પિતા ઉગ્રસેનને પણ કેદ કરી લીધા અને સમસ્ત પ્રદેશના રાજા તરીકે પોતાને ઘોષિત કરી દીધો.

– ક્રમશઃ

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન