Sri Lanka beat West Indies by 187 runs to top World Test Championship
  • Home
  • Sports
  • Cricket
  • વિન્ડીઝને 187 રનથી હરાવીને શ્રીલંકા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટોચના ક્રમે પહોંચ્યું

વિન્ડીઝને 187 રનથી હરાવીને શ્રીલંકા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટોચના ક્રમે પહોંચ્યું

 | 7:15 am IST
  • Share

  • પ્રથમ ટેસ્ટ । 348ના ટાર્ગેટ સામે વિન્ડીઝ 160માં સમેટાયું

  • શ્રીલંકાના સુકાની કરુણારત્નેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો 

સ્પિનર્સે મેચમાં સંયુક્ત રીતે 18 વિકેટ ઝડપતા શ્રીલંકાએ અહીં રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચના અંતિમ દિવસે વેસ્ટ ઇન્ડિઝને 187 રનથી હરાવીને બે ટેસ્ટની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી હતી. શ્રીલંકાએ 191 રનના સ્કોરે પોતાનો બીજો દાવ ડિકલેર કરીને પ્રવાસી ટીમને 348 રનનો કપરો લક્ષ્યાંક આપ્યો હતો. જેની સામે વિન્ડીઝનો બીજો દાવ 160 રનમાં સમેટાઈ ગયો હતો.

પ્રથમ દાવમાં સદી નોંધાવનાર શ્રીલંકાના સુકાની કરુણારત્નેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. રમેશ મેન્ડિસે શાનદાર પ્રદર્શન કરીને આઠ વિકેટ ઝડપી હતી. તેણે પ્રથમ દાવમાં ત્રણ અને બીજામાં પાંચ વિકેટ ખેરવી હતી.

વિન્ડીઝે રનચેઝ કરતી વખતે એક સમયે 18 રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ ક્રૂમાહ બોનરે અણનમ 68 રન નોંધાવીને ટીમને શરમજનક પરિસ્થિતિમાંથી ઉગારી હતી. બંને ટીમ વચ્ચે બીજી અને અંતિમ ટેસ્ટ મેચ 29મી નવેમ્બરથી રમાશે. 

વિન્ડીઝ સામેના વિજય વડે શ્રીલંકન ટીમ આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. ભારતીય ટીમ બીજા ક્રમે છે. ભારતે ડબ્લ્યૂટીસીના ભાગરૂપે ચાર ટેસ્ટ રમી છે જેમાં બે વિજય, એક પરાજય અને એક ડ્રોનું પરિણામ મેળવ્યું છે.

ભારતના વિજયનો રેશિયો 54.17નો છે. પાકિસ્તાન ત્રીજા અને વિન્ડીઝ ચોથા ક્રમે છે. ઇંગ્લેન્ડે ભારત સામેની ચાર ટેસ્ટમાં એક ડ્રો અને એક વિજયનું પરિણામ હાંસલ કરીને 29.17 પર્સન્ટેજ વિજયના રેશિયા સાથે પાંચમું સ્થાન મેળવ્યું છે.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો