શ્રીલંકા : કટોકટી છતાં બૌદ્ધ ટોળાએ ૨૦ મુસ્લિમોનાં ઘર બાળી નાખ્યા - Sandesh
  • Home
  • Ahmedabad
  • શ્રીલંકા : કટોકટી છતાં બૌદ્ધ ટોળાએ ૨૦ મુસ્લિમોનાં ઘર બાળી નાખ્યા

શ્રીલંકા : કટોકટી છતાં બૌદ્ધ ટોળાએ ૨૦ મુસ્લિમોનાં ઘર બાળી નાખ્યા

 | 1:26 am IST

મુલ્લેગમા(શ્રીલંકા), તા. ૮

કટોકટી લાદવામાં આવી હોવા છતાં મધ્ય શ્રીલંકાના પહાડી વિસ્તારોમાં ર્ધાિમક હિંસાચાર હજી પ્રવર્તી રહ્યો છે. બૌદ્ધોનાં ટોળાં ગામેગામ જઈને મુસ્લિમોનાં ઘર અને ધંધાનાં સ્થળ બાળી રહ્યાં છે અને પીડિતોને તેમની મસ્જિદમાં પૂરી રાખે છે. હિંસાને ફેલાતી અટકાવવા સરકારે સોશિયલ મીડિયા બ્લોક કરવાના આદેશ આપી દીધા છે. અસરગ્રસ્ત વિસ્તારમાં હજારો પોલીસ અને સૈનિકો તહેનાત કરાયા છે. સ્થિતિને શાંત કરવા સતત ત્રીજા દિવસે વિસ્તારમાં સંચારબંધી અમલી છે. શ્રીલંકાનાં મુલ્લેગામ ગામે સેંકડો મુસ્લિમ નિવાસીઓને મસ્જિદમાં જ ગોંધી રાખીને તેમનાં ધંધાનાં અને રહેવાનાં સ્થાનો બાળી નાખવામાં આવ્યાં હતાં. હુમલાખોરો આક્ષેપ કરી રહ્યા હતા કે નજીકમાં આવેલાં બૌદ્ધ મંદિરમાં મુસ્લિમોએ દાનપેટીની ચોરી કરી હતી.

આ હુમલામાં ભાગ લઈ ચૂકેલા એક બૌદ્ધ સિંહાલાનું વિસ્ફોટમાં અવસાન થયું હતું અને એક હુમલાખોરને ઈજા પહોંચ્યા પછી સ્થાનિક બૌદ્ધો આક્ષેપ કરી રહ્યા છે કે મુસ્લિમો વિસ્ફોટકોનો ઉપયોગ કરી રહ્યા છે, તે મસ્જિદમાં પુરાયેલાં લોકો આક્ષેપો નકારી રહ્યાં છે. પોલીસનું કહેવું છે કે વિસ્ફોટક સામગ્રીનો ઉપયોગ કોણે કર્યો તે તત્કાળ જાણી શકાયું નથી. બૌદ્ધ મંદિરના મહંતે આક્ષેપ કર્યા હતા કે કેટલાંક લોકોએ બૌદ્ધ મંદિર પર મંગળવારે પથ્થરમારો કર્યા પછી મુસ્લિમોનાં ઘર પર હુમલા શરૂ થયા હતા. મહંત હુમલાખોરોને ઓળખી શક્યા નથી.નજીકના કાટુગોસ્ટોટા ગામે ઇકરામ મહમદે જણાવ્યું હતું કે પોલીસે સંચારબંધીની જાહેરાત કરતાં દુકાન બંધ કરીને તેઓ ઘેર ગયા હતા. સંખ્યાબંધ સિંહાલી સારાં લોકો છે, પરંતુ ઈર્ષાથી પ્રેરાઈને કોઈકે તેમની દુકાન બાળી છે. શ્રીલંકાના આ વિસ્તારમાં બૌદ્ધ કટ્ટરવાદ વકરતાં સ્થિતિ વણસી છે. તેઓ આક્ષેપ કરતાં રહે છે કે મુસ્લિમો ધર્માંતરણ કરાવતાં રહે છે અને પવિત્ર બૌદ્ધ સ્થાનોને તોડતાં હોય છે.

;