શ્રીલંકાનો આફ્રિકા સામે સતત 11 વન-ડે બાદ પ્રથમ વિજય - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • શ્રીલંકાનો આફ્રિકા સામે સતત 11 વન-ડે બાદ પ્રથમ વિજય

શ્રીલંકાનો આફ્રિકા સામે સતત 11 વન-ડે બાદ પ્રથમ વિજય

 | 3:00 am IST

સુરંગા લકમલ દ્વારા નિર્ણાયક સમયે ઝડપેલી ત્રણ વિકેટની મદદથી શ્રીલંકાએ સાઉથ આફ્રિકા સામે છેલ્લી ૧૨ વન-ડે મેચમાં પ્રથમ જીત મેળવી હતી. ઓલરાઉન્ડર દસુન શનાકાના ૩૪ બોલમાં ૬૫ રનની તોફાની ઇનિંગ દ્વારા શ્રીલંકાએ વરસાદથી પ્રભાવિત ચોથી વન-ડેમાં ૩૯ ઓવરમાં સાત વિકેટ ગુમાવી ૩૦૬ રન બનાવ્યા હતા. ખરાબ વાતાવરણને કારણે સાઉથ આફ્રિકાને ડકવર્થ લુઇસ પદ્ધતિ મુજબ ૨૧ ઓવરમાં ૧૯૧ રનનો ટાર્ગેટ મળ્યો હતો પરંતુ આફ્રિકાની ટીમ નવ વિકેટ ગુમાવી ૧૮૭ રન બનાવી શકતાં ત્રણ રને હારનો સામનો કરવો પડયો હતો. લકમલે સાઉથ આફ્રિકાના કાર્યવાહક કેપ્ટન ડી કોકને આઉટ કર્યો ત્યાર બાદ વિલેમ મુલ્ડર અને ડેવિડ મિલરને આઉટ કરી આફ્રિકાની જીતની આશા પર પાણી ફેરવ્યું હતું. આફ્રિકા તરફથી અમલાએ સર્વાધિક ૪૦ રન બનાવ્યા હતા જ્યારે ડયૂમિની ૩૮ રન બનાવી રનઆઉટ થયો હતો. શ્રીલંકાને આ પહેલાં સાઉથ આફ્રિકા સામેની છેલ્લી ૧૧ મેચમાં હારનો સામનો કરવો પડયો હતો અને તેઓએ ૨૦૧૪માં છેલ્લે પલ્લેકલ મેદાન પર જીત મેળવી હતી. સાઉથ આફ્રિકાની ટીમે પાંચ મેચની સિરીઝ પૈકીની પ્રથમ ત્રણ વન-ડે જીતી સિરીઝ પોતાના નામે કરી લીધી છે.

અગાઉ શ્રીલંકા તરફથી કુસલ પરેરાએ ૩૨ બોલમાં ૫૧ રન અને થિસારા પરેરાએ ૪૫ બોલમાં ૫૧* રન બનાવ્યા હતા. શ્રીલંકાએ ૨૭.૨ ઓવરમાં ૧૯૫ રનના સ્કોરે છઠ્ઠી વિકેટ ગુમાવી દીધી હતી. આ સમયે આઠમા ક્રમાંકે બેટિંગ કરવા ઊતરેલા શનાકાએ કારકિર્દીની પ્રથમ અર્ધી સદી ફટકારી ટીમને સંગીન સ્થિતિમાં પહોંચાડી હતી. થરંગાએ ૩૬ અને ડિક્વેલાએ ૩૪ રન બનાવ્યા હતા.