શ્રીગંગાનગરમાં તાપમાન ૪૮.૮ ડિગ્રી તેલંગણામાં ગરમી ૧૭ને ભરખી ગઈ - Sandesh
  • Home
  • India
  • શ્રીગંગાનગરમાં તાપમાન ૪૮.૮ ડિગ્રી તેલંગણામાં ગરમી ૧૭ને ભરખી ગઈ

શ્રીગંગાનગરમાં તાપમાન ૪૮.૮ ડિગ્રી તેલંગણામાં ગરમી ૧૭ને ભરખી ગઈ

 | 2:38 am IST

નવી દિલ્હી :

રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત દેશના કેટલાય રાજ્યોમાં ભીષણ ગરમી અને લૂનો કહેર ચાલુ છે. રાજધાની દિલ્હીમાં તાપમાન ૪૫ ડિગ્રી ઉપર પહોંચી ગયું છે. હવામાન વિભાગે શુક્રવારે યલો એલર્ટ જાહેર કર્યું હતું. દિલ્હીમાં આ અઠવાડિયું પૂરું થાય ત્યાં સુધી તાપમાનનો પારો ૪૭ ડિગ્રી સુધી રહેશે એવું અનુમાન છે. દિલ્હીથી દૂર રાજસ્થાનના શ્રીગંગાનગરમાં વિક્રમસર્જક ગરમી પડી રહી છે.

શુક્રવારે બપોરે તાપમાન ૪૮.૮ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. હવામાનનું પૂર્વાનુમાન કરતી એજન્સી સ્કાયમેટ વેધરના મહેશ પાલવતે ટ્વીટમાં લખ્યું કે, દિલ્હીનાં પાલમમાં ૪૬.૮ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. મે મહિનામાં ૨૦૧૩ બાદ નોંધાયેલું આ મહત્તમ તાપમાન છે. અત્યાર સુધી મે મહિનામાં ૨૬મી મે ૧૯૯૮માં મહત્તમ તાપમાન ૪૮.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

દેશના વિભિન્ન ભાગોમાં ગરમ પવન ફૂંકાઇ રહ્યો છે અને ભીષણ ગરમીનો પ્રકોપ ચાલુ છે. કેટલાય સ્થળો પર તાપમાન ૪૮ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. દક્ષિણ ભારતના તેલંગણાના કેટલાય વિસ્તારોમાં એક મહિનાથી લૂમાં લપેટાયેલું છે. તેલંગણામાં લૂ અને ભીષણ ગરમીથી ૨૨ દિવસોમાં ૧૭ લોકોના મોત થયા છે.

રાજસ્થાનમાં ભીષણ ગરમી અને લૂના પ્રકોપને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત  થયું છે. ચૂરુમાં મહત્તમ તાપમાન ૪૭.૩ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યું છે, જે સામાન્ય તાપમાન કરતાં ચાર ડિગ્રી વધુ છે. બિકાનેર- શ્રીગંગાનગરમાં મહત્તમ તાપમાન ૪૬.૮ ડિગ્રી સેલ્સિયસ, જેસલમેરમાં ૪૫.૫, કોટામાં ૪૫.૩ અને બાડમેરમાં ૪૫.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. મહારાષ્ટ્રના નાગપુર શહેરમાં તાપમાન ૪૬ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે, તો ચંદ્રપુરમાં અધિકતમ તાપમાન ૪૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. હિમાચલ પ્રદેશના ઉનામાં તાપમાન ૪૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, તો જમ્મુમાં આ સિઝનનું સૌથી વધુ તાપમાન ૪૨. ૮ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.

દેશના ૧૦ રાજ્યોમાં બે દિવસ લૂ પ્રકોપ રહેવાની આગાહી

ભારતીય હવામાન વિભાગ દ્વારા મધ્યપ્રદેશ, તેલંગણા, ઝારખંડ, ઉત્તરપ્રદેશ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, બિહાર, ઝારખંડ અને ઓડિશામાં લૂનો પ્રકોપ બે દિવસ સુધી ચાલુ રહેશે.

દિલાબાદમાં સતત બીજા દિવસે ૪૬.૩ ડિગ્રી તાપમાન

તેલંગણામાં ભીષણ ગરમી પડી રહી છે. દિલાબાદ શહેરમાં સતત બીજા દિવસે તાપમાન ૪૬.૩ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ભારતીય મોસમ વિભાગે તેલંગણામાં આવતા ત્રણ દિવસો સુધી બારે લૂ ચાલવાની ચેતવણી અપાઇ છે અને લોકોને તડકામાં નીકળવાથી દૂર રહેવા સલાહ આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન