શ્રીકાલહસ્તી મંદિર - આંધ્રપ્રદેશ - Sandesh
 • Home
 • Supplements
 • Shraddha
 • શ્રીકાલહસ્તી મંદિર – આંધ્રપ્રદેશ

શ્રીકાલહસ્તી મંદિર – આંધ્રપ્રદેશ

 | 12:55 am IST

શ્રદ્ધા-યાત્રા

ભારતનું પ્રસિદ્ધ શ્રીકાલહસ્તી મંદિર આંધ્રપ્રદેશના શ્રીકાલહસ્તી શહેરમાં આવેલ છે. આ દક્ષિણ ભારતનું પ્રસિદ્ધ મંદિર છે. આ ખૂબ જ જાણીતું શ્રીકાલહસ્તી મંદિર તિરુપતિ તીર્થસ્થળથી નજીક છે. આ મંદિરને ભગવાન શિવના વાયુ સ્વરૂપમાં એક કાલહસ્તીશ્વરના રૂપમાં પૂજવામાં આવે છે.

શ્રીકાલહસ્તી મંદિરની પૌરાણિક કથા

આ મંદિરને જાગૃત મંદિરના નામે પણ ઓળખવામાં આવે છે. એક માન્યતા અનુસાર આ સ્થાનનું નામ ત્રણ પશુઓના નામ પરથી રાખવામાં આવ્યું છે, એટલે કે શ્રી એટલે કરોડિયો, સર્પ એટલે સાપ અને હસ્તી એટલે હાથી આમ ત્રણ પશુઓના નામ પરથી શ્રીકાલહસ્તી નામ રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત માનવામાં આવે છે કે આ ત્રણેય ભગવાન શિવની આરાધના કરીને જ મુક્તિ મેળવી હતી. કરોડિયાએ ભગવાન શિવની સ્તુતિ કરતાં કરતાં જ એક જાળું બનાવ્યું હતું, સાપે શિવના લિંગ પર વીંટળાઇને આરાધના કરી હતી તથા હાથીએ પોતાની સૂંઢ વડે શિવલિંગને સ્નાન કરાવ્યું હતું. અહીં આ ત્રણે પશુઓની મૂર્તિની સ્થાપના કરવામાં પણ આવી છે. શ્રીકાલહસ્તીનો ઉલ્લેખ સ્કંદપુરાણ અને શિવપુુરાણ અને લિંગપુરાણ જેવાં પ્રાચીન ગ્રંથોમાં કરવામાં આવ્યો છે. એક પૌરાણિક કથા મુજબ તો ભગવાન શિવ ખુદ અહીં પ્રગટ થયા હતા. વર્ષો પહેલાં જ્યારે અન્ય દેવો શિવના લિંગની પૂજા કરવામાં વ્યસ્ત હતા, ત્યાં ભગવાન શિવના લિંગમાંથી લોહી નીકળવાનું શરૂ થઇ ગયું. લોહી એટલું નીકળ્યું કે તે રોકાઇ રહ્યું જ ન હતું. આ ઘટના જોઇને ત્યાં ઊભેલા દરેક લોકો ડરવા લાગ્યા, પરંતુ ત્યાં હાજર રહેલા લોકોમાંથી કન્નાપાએ આ દ્રશ્ય જોયું એટલે તેઓએ પોતાની આંખ કાઢીને શિવલિંગની સામે રાખી લીધી અને તે પોતાની બીજી આંખ કાઢવા જઇ રહ્યો હતો, ત્યાં ભગવાન શિવ પ્રગટ થયા અને તેને રોકી લીધો. ત્યારથી જ ભગવાન શિવ અહીં નિવાસ કરે છે. તેમ માનવામાં આવે છે.

મંદિરનું બંધારણ અને વાસ્તુ

૧૨૦ ફૂટ ઊંચાઇ ધરાવતું મંદિર તેમાં ૧૦૦ સ્તંભવાળો મંડપ છે, જેને ઇ.સ. ૧૫૧૬માં રાજા કૃષ્ણદેવરાયે બનાવ્યું હતું. સફેદ પથ્થરથી આ મંદિર બનાવવામાં આવેલું છે. ભગવાન શિવની મૂર્તિને શિવલિંગની સામે જ બનાવવામાં આવી છે, તે દેખાવમાં હાથીની સૂંઢ જેવી દેખાય છે. મંદિર દક્ષિણ દિશામાં છે, પરંતુ મંદિરનું  પવિત્ર સ્થાન પશ્ચિમ દિશામાં છે. આ મંદિર પહાડની નીચેના ભાગમાં બનાવવામાં આવ્યું છે, પરંતુ લોકોનું માનવું છે કે આ મંદિરને મોનોલિથિક પ્રકારના ખડક ધરાવતા પહાડ પર બનાવવામાં આવ્યું છે. ત્યાં પથ્થરથી બનાવેલ ૯ ફૂટ ઊંચું વિનાયક મંદિર છે.

વિશેષતા

આ મંદિરમાં ભાગ્યે જ જોવા મળતી દુર્લભ મૂર્તિ વલ્લભ ગણપતિ, મહાલક્ષ્મી ગણપતિ અને સહસ્ત્ર લિંગેશ્વરની મૂર્તિઓ છે. અહીં કાલહસ્તી સાયરાની પત્ની ગ્યાનાપ્રસનામ્માનું મોટું મંદિર છે. મંદિરમાં કાશી વિશ્વનાથ, અન્નપૂર્ણા, સૂર્યનારાયણ, સદ્યોગનપતિ અને સુબ્રમન્યની મૂર્તિ પણ અહીં જોવા મળે છે. અહીં સૂર્ય પુષ્કરાની અને ચંદ્ર પુષ્કરાની નામના બે પ્રકારના તળાવ છે.

મંદિરના નિયમો અને સમય

આ મંદિરમાં શિવ પંથના નિયમોનું ચુસ્તપણે પાલન કરે છે. મંદિરના પૂજારી ભગવાનની દરેક રીત-રિવાજની સાથે પૂજા કરે છે. મંદિરમાં દિવસમાં ચાર વખત પૂજા કરવામાં આવે છે. સવારે ૬ વાગે કાલાસંથી, બપોરે ૧૧ વાગે ઉચિકલમ, સાંજે ૫ વાગે સાયરાક્શાઇ અને રાતે ૭: ૪૫થી ૮ વાગ્યા સુધી છેલ્લા દર્શન અને આરતી કરવામાં આવે છે.

કેવી રીતે જશો ?

ભારતના આંધ્રપ્રદેશ રાજ્યમાં આવેલ શ્રીકાલહસ્તી નગરે પહોંચવા માટે, તમે ટ્રેન કે હવાઇ મારફતે ચેન્નાઇ પહોંચો. ચેન્નાઇ પહોંચ્યા બાદ ત્યાંથી બસ, ટેક્સી કે ટ્રેન દ્વારા શ્રીકાલહસ્તી મંદિર સુધી પહોંચી શકો છો. ચેન્નાઇથી શ્રીકાલહસ્તીનું અંતર ૧૧૩ કિલોમીટર થાય છે, બસ કે ટેક્સીમાં ત્રણ કલાક જેટલો સમય લાગશે.

આસપાસના જોવાલાયક સ્થળો

 • વિશ્વનાથ મંદિર
 • કણપ્પા મંદિર
 • સૂર્યનારાયણ મંદિર
 • ભારદ્વાજ તીર્થ
 • ચતુરમુકેશ્વર મંદિર
 • દુર્ગમ્બિકા મંદિર
 • સંહાસરા લિંગ મંદિર
 • વેલિંગાકોના વોટરફોલ

[email protected]