સંજય દત્તને શું કામ વહેલો છોડ્યો જેલમાંથી? સરકારે જવાબ આપ્યો કોર્ટમાં - Sandesh
NIFTY 10,565.30 +39.10  |  SENSEX 34,427.29 +95.61  |  USD 65.7600 +0.10
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • સંજય દત્તને શું કામ વહેલો છોડ્યો જેલમાંથી? સરકારે જવાબ આપ્યો કોર્ટમાં

સંજય દત્તને શું કામ વહેલો છોડ્યો જેલમાંથી? સરકારે જવાબ આપ્યો કોર્ટમાં

 | 8:39 pm IST

યરવડા જેલમાંથી અભિનેતા સંજય દત્તને વહેલો છોડવાનું સરકારનું પગલું વાજબી હતું તેમ જણાવતું સોગંદનામું મહારાષ્ટ્ર સરકારે સોમવારે નોંધાવ્યું હતું. સંજય દત્તને ૧૯૯૩ના બોમ્બ બ્લાસ્ટમાં તેણે ભજવેલી ભૂમિકા બદલ કસૂરવાર ઠેરવી તેને જેલની સજા કરવામાં આવી હતી. સંજય દત્તને એકે ૫૬ રાયફલ ગેરકાયદે ધરાવવા અને તેનો નાશ કરવા બદલ સજા કરવામાં આવી હતી.

એડવોકેટ જનરલ આશુતોષ કુંભકોનીએ સરકાર વતી સુપરત કરેલા સોગંદનામામાં જણાવ્યું હતું કે સંજય દત્ત જ્યારે જેલમાં હતો ત્યારે તેણે સારું વર્તન અને શિસ્ત દાખવ્યા હતા અને શારીરિક તાલીમ અને શૈક્ષણિક કાર્યક્રમ જેવી સંસ્થાકીય પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો. તેને સોંપવામાં આવેલી કામગીરી તેણે નિયત ધોરણો અનુસાર બજાવી કાનૂની જોગવાઇ મુજબ તેણે વહેલા છુટવા માટેની લાયકાત કેળવી હતી. જો કેદી જેલના નિયમોનું પાલન કરે અને ઉદાહરણરૂપ વર્તન કરે તો તેને મહિને સાત દિવસની રાહત મળે છે. જો કે આ રાહત કેદી પેરોલ પર હોય કે ફરલો પર જેલની બહાર હોય તો મળતી નથી.

સંજય દત્તે અંડરટ્રાયલ તરીકે એક વર્ષ અને ચાર મહિના જેલમાં ગાળ્યા હતા. તેણે ગુનેગાર તરીકે અઢી વર્ષ જેલમાં ગાળ્યા હતા. આ સમય દરમ્યાન તે જૂન ૨૦૧૩ અને ફેબ્રુઆરી ૨૦૧૬ દરમ્યાન કુલ ૨૫૬ દિવસ જેલની બહાર હતો તેમ સરકારે સોગંદનામામાં જણાવ્યું હતું. સરકારે દાવો કર્યો હતો કે ૧૯ ઓક્ટોબર ૨૦૧૫ના રોજ દત્તે તેને ખાસ રાહત આપવા માટે અરજી નોંધાવી હતી. જો કે સરકારે તેની અરજી ડિસેમ્બર ૨૦૧૫માં નકારી કાઢી હતી. જો કે, ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૬ના રોજ સરકારે સંજય દત્તની સારી વર્તણૂકને ધ્યાનમાં લઇને તે તેની પાંચ વર્ષની કેદની સજા પૂરી કરે તેના આઠ મહિના અને ૧૬ દિવસ પહેલાં છોડી મૂક્યો હતો.