આજથી શરૂ થતું સંસદનું મોન્સૂન સત્ર ભારે તોફાની રહેશે - Sandesh
  • Home
  • Columnist
  • આજથી શરૂ થતું સંસદનું મોન્સૂન સત્ર ભારે તોફાની રહેશે

આજથી શરૂ થતું સંસદનું મોન્સૂન સત્ર ભારે તોફાની રહેશે

 | 2:42 am IST

સ્નેપ શોટ

આજથી શરૂ થનાર સંસદનું મોન્સૂન સત્ર સરકાર અને વિપક્ષો માટે આગામી ચૂંટણીને લક્ષમાં રાખીને ખૂબ જ અગત્યનું બની રહેનાર છે. ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મોન્સૂન સત્રમાં સરકાર દ્વારા લોકરંજક કામોના બિલો તથા પોતાની કામગીરી બતાવતા બિલો મંજૂર કરાવી દેવાની તત્પરતા રહેશે. જ્યારે તેની સામે વિપક્ષો દ્વારા સરકારની છેલ્લા ચાર વર્ષમાં નિષ્ફળતા તથા દેશમાં પ્રજાને પડતી મુશ્કેલીઓને ઉજાગર કરવાની તમામ કોશિશો રહેશે.

મોન્સૂન સત્રની તૈયારી માટે સોમવારે જ યુપીએ ના ચેરપર્સન સોનિયા ગાંધીએ પોતાના નિવાસસ્થાન ૧૦, જનપથ પર કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની એક મિટિંગ બોલાવી હતી. આ મિટિંગમાં સંસદના મોન્સૂન સત્રમાં કોંગ્રેસની શું રણનીતિ રહેશે તે અંગે ચર્ચાઓ કરાઈ હતી આ ઉપરાંત રાજ્યસભાના ઉચ્ચ સભાપતિ પદ માટે થનારી ચૂંટણીમાં કોંગ્રેસ શું રુખ લેશે તે અંગે પણ ચર્ચાઓ થઈ હતી.

બીજી તરફ ભાજપની આગેવાનીવાળા એનડીએની બેઠક પણ મંગળવારે દિલ્હીમાં મળી આ બેઠકમાં ભાજપ અને સાથીપક્ષોએ સાથે મળીને મોન્સૂન સત્રની રણનીતિ તૈયાર કરી છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર પણ મોન્સૂન સત્ર સુનિશ્ચિત ચાલે તે માટે પ્રયત્ન કરી રહી છે તે માટે મંગળવારે જ ઓલ પાર્ટી મીટનું આયોજન કરાયું છે જેમાં લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજન તમામ પાર્ટીના નેતાઓ સાથે મિટિંગ કરી અને લોકસભાનું સત્ર હંગામા વગર સુચારં રીતે ચાલુ રહે તે માટે વાતચીત કરશે.

લોકસભાનું આ મોન્સૂન સત્ર એટલા માટે અગત્યનું છે કે દરેક પક્ષને આગામી લોકસભાની ચૂંટણીની ચિંતા છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા તો લોકસભાના મોન્સૂન સત્ર પહેલાં જ વડા પ્રધાનને એક પત્ર લખી મોન્સૂન સત્રમાં મહિલા આરક્ષણ વિધેયક પસાર કરવાનો આગ્રહ કર્યો છે. આ પત્રમાં કોંગ્રેસ અધ્યક્ષે જણાવ્યું છે કે લોકસભામાં ભાજપ અને તેના સહયોગી દળ પાસે બહુમતી છે તે જોતાં આ ઐતિહાસિક વિધેયકને મંજૂર કરવામાં તમારા સાથની જરૂરત છે. હું આશા રાખું છે કે તેમાં કોઈ વિરોધ ન આવે. રાહુલ ગાંધીએ કહ્યું છે કે કોંગ્રેસ મહિલા આરક્ષણ વિધેયક મંજૂર કરવામાં સરકાર કોઈપણ શરત વગર સમર્થન આપશે.

રાહુલ ગાંધીનો વડા પ્રધાનને લખાયેલો આ પત્ર એક રાજકીય ચાલ છે. મોન્સૂન સત્રમાં ભાજપ મહિલા આરક્ષણ વિધેયકને મંજૂર કરવા તત્પર છે આ વિધેયક પસાર કરીને ભાજપ રાજ્યોની વિધાનસભા અને દેશની લોકસભામાં દેશભરની મહિલાઓને ૩૩ ટકા બેઠકો અનામત આપવાની છે. મહિલાઓને અત્યાર સુધી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં આરક્ષણ અપાયું છે પરંતુ આ આરક્ષણ વિધાનસભા અને લોકસભામાં અપાયું નથી. મહિલા આરક્ષણનું આ બિલ વખતોવખત લોકસભાના આવ્યું છે પરંતુ તેની સામે સર્વસંમતિ સધાઈ નથી જેના કારણે આ બિલ મંજૂર થયું નથી. મહિલા આરક્ષણ સામે ભૂતકાળમાં સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમસિંહે વિરોધ કર્યો હતો તેની સામે કેટલીક શરતો મૂકીને આ બિલ મંજૂર કરવાનું કહ્યું હતું. હકીકત એ છે કે મહિલા આરક્ષણ બિલ  પસાર થાય તેની સાથે જ લોકસભા અને રાજ્યસભામાં ૩૩ ટકા પુરુષ  ધારાસભ્યો અને સાંસદોમાં કાપ આવશે. અને તેની જગ્યાએ મહિલાઓ પ્રતિનિધિત્વ કરશે. કોઈપણ રાજકીય પાર્ટી માટે પોતાના નેતાઓમાં આ રીતે કાપ મૂકવાની વાત વિચલિત કરનારી બની શકે છે. એટલે અત્યાર સુધી મહિલા આરક્ષણ બિલ સર્વસંમતિથી પસાર થઈ શક્યું નથી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી મહિલા આરક્ષણ બિલ માટે ખૂબ જ સંવેદનશીલ છે અને કોઈપણ સંજોગોમાં આ બિલ પસાર કરી દેશભરની મહિલાઓને એક સંદેશ આપવા માગે છે કે ભાજપ મહિલાઓ સાથે છે અને આ બિલ પસાર કરી અમે મહિલાઓ માટે દેશ તથા રાજ્યના શાસનમાં સહભાગી થવાના દ્વાર ખોલી નાખ્યાં છે. કોંગ્રેસ જાણે છે કે લોકસભામાં ભાજપની બહુમતી છે તે સંજોગોમાં વિપક્ષોનો વિરોધ હશે તો પણ ભાજપ મહિલા આરક્ષણનું વિધેયક પસાર કરીને જ રહેશે. આ સંજોગોમાં મોન્સૂન સત્ર શરૂ થતાં પહેલાં જ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ રાજકીય સોગઠી મારીને મહિલા આરક્ષણ વિધેયકમાં કોંગ્રેસનો સહકાર છે તેવું જાહેર કરીને આ વિધેયક પસાર કરવા વડા પ્રધાનને  વિનંતી કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ શાસિત યુપીએ સરકારમાં આ મહિલા આરક્ષણ બિલ પાસ થઈ શક્યું ન હતું.

લોકસભાના મોન્સૂન સત્રમાં સરકાર ત્રણ તલાક, પછાત વર્ગ આયોગને બંધારણનો દરજ્જો આપવાનું બિલ અને બળાત્કારમાં ગુનેગારોને સખત સજા આપવાનું બિલ પસાર કરાવવાની તૈયારી રાખીને બેઠી છે. મહિલા આરક્ષણ સહિત આ ત્રણ બિલો  પસાર કરાઈને સરકાર  દેશની જનતામાં એક મેસેજ છોડવા માગી રહી છે કે સરકાર તેમના માટે વિચારી રહી છે. દેશમાં અત્યારે ટોળાંશાહી દ્વારા લોકોની હત્યા કરવાના બનાવો વધી રહ્યાં છે. સુપ્રીમ કોર્ટે પણ આ મુદે સરકારને કહ્યું છે કે સંસદમાં કોઈ કાયદો બનાવવામાં આવે જેનાથી ટોળાંશાહી દ્વારા થતી હત્યાઓ પર સખત કાર્યવાહી થઈ શકે. સંસદમાં આ મુદ્દે વિપક્ષો સરકારને ઘેરવાની રણનીતિ બનાવી રહ્યાં છે. આ ઉપરાંત દેશના જુદાજુદા વિસ્તારોમાં મહિલા પર થતા અત્યાચાર અને  કાશ્મીરમાં સતત બગડતી જતી હાલત પર નિષ્ફળતાનું ઠીકરં સરકાર પર ફોડવા વિપક્ષો રણનીતિ બનાવી રહ્યાં છે. આ ઉપરાંત દેશભરના બેન્કિંગ સેક્ટરમાં જે કૌભાંડો થયાં છે તે મુદ્દે કોંગ્રેસ સહિત વિપક્ષો સરકારને મોન્સૂન સત્રમાં ઘેરનાર છે. નીરવ મોદીના મુદ્દે કોંગ્રેસે પહેલેથી જ મોદી સરકાર પર આક્ષેપો કર્યા છે. હવે સંસદની અંદર સરકારને ઘેરવાની તૈયારીમાં વિપક્ષો લાગી ગયાં છે. વિપક્ષોમાં ટીડીપીના સાંસદો મોન્સૂન સત્રમાં આક્રમકરૂપ અપનાવે તેવી પૂરી શક્યતા છે આંધ્ર પ્રદેશને સ્પેશિયલ રાજ્ય જાહેર કરવાના મુદ્દે ટીડીપીએ ગત સત્રમાં સરકાર વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવાનો નિર્ણય લીધો હતો. આ સત્રમાં પણ સંસદમાં આવો જ કોઈ માહોલ ટીડીપી દ્વારા જોવા મળે તો કોઈ નવાઈ નહીં. ડાબેરી પક્ષો પણ દેશમાં સાંપ્રદાયિક માહોલ ખરાબ કરવાના આરોપો સરકાર પર લગાવવાની છે અને આ મુદ્દે વિપક્ષો એકજૂથ થાય તે માટે પ્રયત્નો કરનાર છે. ૧૮ જુલાઈથી ૧૦ ઓગસ્ટ સુધી ચાલનાર સંસદનું મોન્સૂન સત્ર ભારે ગરમાગરમ રહેશે તે વાત નક્કી છે.

[email protected]