state capital amidst the propaganda of political parties after the announcement of Gandhinagar Municipal Corporation elections?
  • Home
  • Election
  • ગાંધીનગર મનપા ચૂંટણીની જાહેરાત પછી રાજકીય પક્ષોના પ્રચાર વચ્ચે રાજ્યની રાજધાનીનું શુ છે ગણિત?

ગાંધીનગર મનપા ચૂંટણીની જાહેરાત પછી રાજકીય પક્ષોના પ્રચાર વચ્ચે રાજ્યની રાજધાનીનું શુ છે ગણિત?

 | 1:45 pm IST
  • Share

ગાંધીનગર મનપાની ચૂંટણી ફરી એકવાર જાહેરાત થઈ ચૂકી છે. ચૂંટણીની જાહેરાત થયા બાદ રાજકીય પક્ષોએ પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે, ત્યારે રાજ્યની રાજધાનીનું શુ છે ગણિત? તેના પાછળ લોકો અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. ગાંધીનગર મહાનગર પાલિકાના વિસ્તાર અને ચૂંટણી ગણિત પર નજર કરીએ તો ગાંધીનગર મહાનગર પાલિકા હોવા છતાં માત્ર 11 વોર્ડ છે. જેની 44 બેઠકો માટે ચૂંટણી થઈ રહી છે. મહાનગર પાલિકાની ચૂંટણીમાં 2.80 લાખ મતદાતાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

શુ છે ગાંધીનગર મહાનગર પાલિકાનો ઇતિહાસ

ગાંધીનગર સૌ પ્રથમ મહાનગર પાલિકા તરીકે હાઈકોર્ટના જજમેન્ટના આધારે જાહેર કરવામાં આવ્યું હતું. 1લી મે 2010ના રોજ ગુજરાત સ્થાપના દિવસ પર ગાંધીનગરને મહાનગર પાલિકા તરીકે તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સરકારમાં ગાંધીનગરને મહાનગર પાલિકા તરીકે જાહેર કરવામાં આવી હતી. 2010માં મહાનગર પાલિકા જાહેર થઈ તે પહેલાં પાટનગર વિસ્તાર નોટિફાઇડ એરિયા તરીકે કાર્યરત હતો. વર્ષ 2010માં મહાનગર પાલિકાની જાહેરાત બાદ એપ્રિલ 2011માં ગાંધીનગર મનપાની પ્રથમ ચૂંટણી યોજાઈ હતી. અગાઉ 11 વોર્ડ અને 33 બેઠકો માટે ચૂંટણી થઈ હતી.

ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણી અને સત્તા

ગાંધીનગર મહાનગર પાલિકાની પ્રથમ ચૂંટણી એપ્રિલ 2011માં યોજાઈ હતી. મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી બિરાજમાન હતા. ગુજરાતમાં ભાજપનો તપતો સૂર્ય હોવા છતાં ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં રાજકીય પંડિતો થાપ ખઈ ગયા હતા. ચૂંટણીમાં ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું હતું, છતાં ગાંધીનગરમાં પ્રથમ ચૂંટણી કોંગ્રેસ પૂર્ણ બહુમતી સાથે જીત્યું હતું. કોંગ્રેસમાં પ્રથમ મેયર તરીકે મહેન્દ્રસિંહ રાણાની પસંદગી થઈ હતી. 2011માં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસને 18 બેઠકો તો ભાજપને 15 બેઠકો પ્રાપ્ત થઈ હતી. પ્રથમ ચૂંટણીમાં કોંગ્રેસના વિજય છતાં પાંચ વર્ષ કોંગ્રેસ સત્તામાં રહી શકી ન હતી. પ્રથમ ટર્મમાં મેયર બનેલા મહેન્દ્રસિંહ રાણા 2012માં ચૂંટણી સમયે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. રાજકીય ઘટનાક્રમ બાદ ફરી એકવાર તેઓ ગાંધીનગર મહાનગર પાલિકામાં મેયર તરીકે યથાવત રહ્યા હતા. જ્યારે તેમની સાથે ગયેલા અન્ય ચાર લોકોમાંથી એકને ડેપ્યુટી મેયર પદ મળ્યું હતું.

બીજી ચૂંટણી જાહેર થાય ત્યાં સુધી ભાજપ ગાંધીનગર મનપામાં સત્તામાં રહ્યું હતું. બીજી ચૂંટણી જાહેર થઈ ત્યારે ગુજરાતના રાજકારણમાં અનેક ફેરફાર આવ્યા હતા. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી તરીકે દિલ્હીમાં બિરાજમાન થયા હતા. જ્યારે ગુજરાતનું સુકાન પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સંભાળ્યું હતું. પરંતુ 2016માં રાજકીય ડામાડોળ ચાલી રહી હતી. ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન ચાલી રહ્યું હતું. જેના કારણે આનંદીબેન પટેલના શાસનને લઈ ભાજપમાં જ અસંતોષ જોવા મળી રહ્યો હતો. વળી ગાંધીનગર મનપાની બેઠકોમાં ફેરફાર થયો હતો. વોર્ડની સંખ્યા ઘટી 8 થઈ હતી, જ્યારે વોર્ડ દીઠ બેઠકો 4 થતા કુલ 8 વોર્ડ અને 32 બેઠકો માટે ગાંધીનગર મનપાની 2016માં ચૂંટણી યોજાઈ હતી. ગાંધીનગર મનપાની ચૂંટણી પહેલા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને પછડાટ મળી હતી.

ગાંધીનગર મહાનગર પાલિકામાં સત્તામાં આવ્યા બાદ ભાજપ સતત 5 વર્ષ શાસન કર્યું. 2021માં ચૂંટણીનું ગણિત બદલાયું. કોવિડના કારણે મહાનગર પાલિકાની ચૂંટણી મોકૂફ રાખવાની ફરજ પડી. પરંતુ ગાંધીનગરનું ચૂંટણી ગણિત પણ નવા સીમાંકનના કારણે બદલાયું છે. નવા સીમાંકનના કારણે ગાંધીનગર મહાનગર પાલિકાના વિસ્તારમાં વધારો થયો. ગાંધીનગર મહાનગર પાલિકામાં આસપાસના 18 ગામોનો ઉમેરો થયો. વિકાસ પામી રહેલા અમદાવાદ અને ગાંધીનગરની વચ્ચેના આ ગામો નો સમાવેશ થયો તેની સાથે વોર્ડ અને બેઠકો ની સંખ્યા માં વધારો થયો. હાલ ગાંધીનગર મહાનગર પાલિકા ચૂંટણી 11 વોર્ડ અને 44 બેઠકો માટે યોજાઈ રહી છે.

ગત બે ટર્મ કરતા ગાંધીનગરનું રાજકીય રીતે ગણિત પણ બદલાયું છે. મહાનગર પાલિકાની બીજી વખતની ચૂંટણી જાહેર થાય તે પહેલાં તત્કાલિન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે સરકારી કર્મચારીઓના ડીએમાં કેન્દ્ર સરકારના ધોરણે વધારો જાહેર કર્યો છે. ગાંધીનગર વિસ્તારમાં વધારે સરકારી કર્મચારીઓનો વસવાટ હોવાથી લાંબા સમયથી જાહેર ન કરાયેલા ડીએમાં તાત્કાલિક ધોરણે વધારો જાહેર કરવામાં આવ્યો છે.

જોકે મહાનગર પાલિકાની ચૂંટણી જાહેર થયાના થોડા સમય બાદ જ ગુજરાતના રાજકારણમાં ધરખમ ફેરફાર થયા છે. ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત તમામ મંત્રી મંડળની વિદાય થઈ છે અને નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલ બિરાજમાન થયા છે. વળી ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં જંગમાં હવે ત્રીજો પક્ષ પણ છે. આમ આદમી પાર્ટી ગાંધીનગર મહાનગર પાલિકાની ચૂંટણીમાં એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે હવે બદલાયેલી પરિસ્થિતિમાં પરિણામ કેટલું બદલાય છે તે આવનારી ચૂંટણીમાં જાણવા મળશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો