રાજ્યની પૂર્વ પટ્ટીના આદિવાસી ક્ષેત્રોને 'વાડી પ્રોજેક્ટ'નો લાભ - Sandesh
  • Home
  • Budget
  • રાજ્યની પૂર્વ પટ્ટીના આદિવાસી ક્ષેત્રોને ‘વાડી પ્રોજેક્ટ’નો લાભ

રાજ્યની પૂર્વ પટ્ટીના આદિવાસી ક્ષેત્રોને ‘વાડી પ્રોજેક્ટ’નો લાભ

 | 5:53 am IST

। ગાંધીનગર ।

બોગસ ST સર્ટી. વન જમીન અધિકારના કાયદાનો અમલ, ખનિજની લીઝમાં અન્યાય જેવા અનેક મુદ્દે ગુજરાતમાં આદિવાસીક્ષેત્રોમાં સરકાર સામે નારાજગી છે. વિધાનસભા ચૂંટણીમાં ST બેઠકો ઉપર ભાજપનું ધોવાણ થયુ હતુ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં એ સિલસિલો અટકાવવા બજેટમાં પ્રકૃતિને પૂજતા આદિવાસીઓની લાગણીઓ અંકે કરવા માટે સરકારે કોઈ કસર બાકી રાખી નથી. વન અને પર્યાવરણ વિભાગે પહેલીવાર આદિવાસી જિલ્લાઓમાં ધાર્મિક માન્યતાઓ સાથે સંકળાયેલા વૃક્ષોના ઉપવન માટે બજેટમાં દરખાસ્ત કરી છે. તો કોંગ્રેસ શાસિત પાડોશના રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર જેવા રાજ્યો સાથે જોડાયેલા ગુજરાતના આદિવાસી ગામોમાં પાયાની સુવિધાઓ પુરી પાડવા પહેલીવાર સરકારે અલગથી રૂ.૬૦ કરોડ ફાળવ્યા છે. દક્ષિણ ગુજરાતના આદિજાતિ ખેડૂતોમાં અત્યંત લોકપ્રિય અને સફળ નિવડેલા વાડી પ્રોજેક્ટનો વ્યાપ પૂર્વ પટ્ટી સહિત રાજ્યના તમામ આદિવાસી વિસ્તારોમાં વધારવા પણ જાહેરાત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં વાડી પ્રોજેક્ટ હેઠળ આદિજાતી વિભાગ દ્વારા ખેડૂતોને ફળાઉ ઝાડના રોપાઓ અને ખાતર પુરા પાડવામા આવે છે. જેનાથી આદિજાતી ખેડૂતોની આવકમાં વધારો અને તેમનું જીવન ધોરણ ઊંચુ આવ્યુ હોવાનો સરકાર દાવો કરી રહી છે. આદિજાતી વિકાસ વિભાગ માટે નાણામંત્રીએ રૂ.૨૬૭૫ કરોડની જોગવાઈ કરી છે. જેમાં ૭૬૫ જેટલી આશ્રમશાળાઓ, આર્દશ નિવાસી શાળાઓ અને એકલવ્ય શાળાઓના ૧.૩૫ લાખથી વધુ વિદ્યાર્થીઓને રહેવા, જમવા અને શિક્ષણની વ્યવસ્થાઓ માટે રૂ.૩૭૪ કરોડની જોગવાઈ કરાઈ છે.

ખાનગી શાળામાં પણ SC વિદ્યાર્થીને ગણવેશ સહાય

સરકારે પહેલીવાર ખાનગી શાળાઓમાં અભ્યાસરત અનૂસુચિત જાતિના તમામ વિદ્યાર્થીઓને ગણવેશ સહાયપેટે પ્રતિ વિદ્યાર્થીને રૂ. ૬૦૦ આપવાનું જાહેર કર્યુ છે. તદ્ઉપરાંત ધોરણ ૧થી ૮ના કુમારો અને ધોરણ ૧થી ૫ની કન્યાઓને રૂ.૫૦૦ની શિષ્યવૃતિ તેમજ ધોરણ ૬થી૮ની કન્યાઓને રૂ.૭૫૦ની શિષ્યવૃતિ આપવા જોગવાઈ કરી છે.

વર્ષોની માગણી બાદ બૂટ, મોજા સહાય બમણી થઈ

આદર્શ નિવાસી શાળાઓના અનુસૂચિત જાતિ અને વિકસતિ જાતિના વિદ્યાર્થીઓને સરકાર દ્વારા બુટ અને મોજા પેટે રૂ.૨૦૦ની સહાય આપવામાં આવે છે. તેમાં વધારો કરવા વર્ષોથી માંગણીઓ થતી રહી છે. હવે તેમાં વધારો કરીને રૂ.૪૦૦ કરવા બજેટમાં દરખાસ્ત થઈ છે. આ સહાય વર્ષમાં એક જ વખત આપવામાં આવે છે. આ જોગવાઈના કારણે આ વર્ગના વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને ફાયદો થશે.

૭ ફેરા સમૂહ લગ્નની સહાયમાં ૨૦થી ૫૦% સુધીનો વધારો કરાયો

અનુસૂચિત જાતિ અને વિકસતિ જાતિની સંસ્થાઓ દ્વારા યોજાતા સમુહલગ્નોને પ્રોત્સાહન મળે તે ઉદ્દેશ્યથી સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ દ્વારા અમલમાં રહેલી સાત ફેરા સમૂહ લગ્ન યોજનાની સહાયમાં નાણામંત્રીએ ૨૦થી ૫૦ ટકા વધારો કરવાનું જાહેર કર્યુ છે. હાલમાં આ યોજના હેઠળ SC અને વિકસતિ જાતિના સમાજ- સંસ્થાઓને ૨૫ યુગલની મર્યાદામાં યુગલદિઠ રૂ.૨૦૦૦ તથા યુગલોને રૂ.૧૦,૦૦૦ની સહાય આપવામાં આવે છે. વર્ષ ૨૦૨૦-૨૧ના બજેટમાં આ સહાય વધારીને અનુક્રમે રૂ.૩૦૦૦ અને રૂ.૧૨ હજાર કરવા દરખાસ્ત કરવામાં આવી છે. ૭ ફેરા સમુહ લગ્ન ઉપરાંત આંતરજ્ઞાતિય લગ્નો થકી સમાજીક સદ્ભાવનાને પ્રોત્સાહિત કરતી ડો.સવિતા આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજનામાં આગામી વર્ષે ૧૦૦૦ યુગલોને સમાવવા રૂ.૧૦ કરોડની જોગવાઈ કરાઈ છે. આ બંને સમાજના ઉત્કાર્શ માટે કાર્યરત આઠ જેટલા નિગમોને સરકારના ફંડમાંથી રૂ.૧૦૦ કરોડની સીધી સહાય તેમજ ૧૯,૭૩૦ આવાસો બાંધવા પ્રતિ લાભાર્થીએ રૂ.૧.૨૦ લાખ સુધીની સહાય આપવા રૂ.૧૪૨ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. બોટાદ ખાતે નવુ ડો.આંબેડકર ભવન બાંધવા રૂ.૨ કરોડની ફાણવણી થઈ છે. આમ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે બજેટમાં રૂ.૪,૩૨૧ કરોડની જોગવાઈ કરીને સરકારે દલિત અને પછાતો વર્ગના મતદારોનો રાજીપો કેળવવા પ્રયાસ કર્યો છે.

ST જિલ્લાઓમાં ૧૦ નવી સરકારી હોસ્ટેલ શરૂ થશે

કડાણા, નિર્ઝર, સોનગઢ, બોડેલી, ગરબાડા અને વિજયનગરમાં કુમારો માટે તેમજ કડાણા, ભિલોડા, મોડાસા અને માણેકપોર ખાતે કન્યા એમ ૧૦ સ્થળે નવી સરકારી હોસ્ટેલો શરૂ થશે. જ્યારે અમદાવાદ, સુરત સહિત ૧૦ શહેરોની હોસ્ટેલોને મરામત કરવા રૂ.૪૧ કરોડની બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા ધો.૧થી ૮માં અભ્યાસ કરતા ૧૨ લાખ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય આપવા માટે રૂ.૭૫ કરોડ ખર્ચાશે. આ જ રીતે ધો.૯માં અભ્યાસ કરતી ૫૦,૦૦૦ જેટલી વિદ્યાર્થિનીઓને વિદ્યા સાધના યોજના હેઠળ સાયકલ આપવા રૂ.૧૯ કરોડની ફાળવણી થઈ છે. જ્યારે માનવ ગરિમા યોજના હેઠળ અંદાજે ૧૨,૦૦૦ વિદ્યાર્થીઓને સ્વરોજગારીનો લાભ આપવા માટે રૂ.૧૫ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ધંધા રોજગારના હેતુ માટે લીધેલી લોન પર છ ટકાના દરે વ્યાજ સહાય આપવા માટે રૂ.૨ કરોડની જોગવાઈ કરાઈ છે.

૧,૩૦૦ તેજસ્વી વિદ્યાર્થીઓને ૧૧ કરોડની સહાય

ટેલેન્ટ પુલ યોજના અંતર્ગત ૧,૩૦૦ જેટલાં વિદ્યાર્થીઓને સહાય આપવા માટે ૧૧ કરોડની જોગવાઈ કરાઈ છે. ટીબી, કેન્સર, રક્તપિત અને સિકલસેલ એનિમિયા જેવા રોગમાં મફત તબીબી સહાય માટે ૧૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

બિન- અનામત વર્ગ : હોસ્ટેલના ભોજન બિલ સહાયમાં વધારો

ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા બિન અનામત વર્ગના વિવિધ સમાજો દ્વારા સંચાલિત હોસ્ટેલના વિદ્યાર્થીઓને ભોજન બિલ પેટે મહિને વિદ્યાર્થી દીઠ રૂ.૧૨૦૦ આપવામાં આવે છે. જે વધારીને રૂ.૧૫૦૦ કરવા બજેટમાં દરખાસ્ત કરવામાં આવી છે. તેવી જ રીતે અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિ અને આદિજાતિના છાત્રાલયોમાં રહેતા વિદ્યાર્થીઓને ભોજન બિલની સહાય વધારીને રૂ.૧૫૦૦ કરવામાં આવી છે. આમ, સરકારે તમામ વર્ગોની હોસ્ટેલોમાં અભ્યાસરત વિદ્યાર્થીઓના ભોજન બીલમાં એક સમાન કરવા બજેટમાં દરખાસ્ત કરી છે. જેના કારણે આ વર્ગના વિદ્યાર્થીઓને પણ લાભ મળશે.

વકીલો માટે પાંચ કરોડની જોગવાઈ 

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને વકીલોના વેલ્ફેર માટે અનુદાન આપવા પાંચ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ જાહેરાતને ભાજપના લીગલ સેલના કન્વીનર જે. જે. પટેલે આવકારી છે. ભૂતકાળમાં, ભાજપ લીગલસેલ-સમરસ બીસીજીની ટીમે વકીલોના વેલ્ફેર માટે સહાય આપવા માટે સરકારને રજૂઆત કરી હતી. મહત્વનું છે કે, કાયદા વિભાગ માટે સરકારે રુ. ૧૬૮૧ કરોડની જોગવાઈ કરી છે.

૮૦૦ ઈ-રિક્ષા માટે રિક્ષા દીઠ રૂ.૪૦ હજારની સહાય ચૂકવાશે

ક્લાઈમેટ ચેન્જના આવનારા પડકારોને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે કુલ ૮૦૦ ઈ-રીક્ષાઓ માટે રિક્ષા દીઠ રૂ.૪૦,૦૦૦ની સહાય ચૂકવવા માટેની બજેટમાં જોગવાઈ કરી છે. ઉપરાંત બેટરીથી ઓપરેટ થતા ૧ હજાર ટુ-વ્હીલર માટે પ્રતિ વાહન દીઠ રૂ.૧૦,૦૦૦ની સહાય આપવામાં આવશે. તેમજ સરકારી અને એકલવ્ય શાળાઓની હોસ્ટેલો, સરકારી વિશ્રમ ગૃહો તથા યાત્રાધામોમાં સૌર ઊર્જા આધારિત હોટ વોટર સિસ્ટમ નાખવામાં આવશે. ખેડૂતોને સોલાર સંચાલિત મિની ટ્રેક્ટર ખરીદવા થતાં શહેરોમાં ઈલેકટ્રીક વાહનો માટે ચાર્જિંગ પોઈન્ટ ઊભા કરવા સહાય અપાશે.

BS-૬ મોડેલની નવી ૮૯૫ એસટી બસ ખરીદાશે 

વાહન વ્યવહાર વિભાગ દ્વારા બી.એસ. ૬ મોડેલની નવી ૮૯૫ એસટી બસ ખરીદવામાં આવશે, જેના માટે રૂ.૨૪૦ કરોડની નાણાકીય જોગવાઈ કરવામાં આવી છે. આ સિવાય નવા સાત બસ સ્ટેશનો બાંધવા તથા જૂના અને જર્જરીત છે તેવા ૯ બસ સ્ટેશનમાં માળખાકીય સુવિધાઓ વધારવા માટે રૂ.૩૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. નવી ખરીદવાની થતી એસટી બસ  બી.એસ. ૬ મોડેલની હોવાથી વાતાવરણે પ્રદુષણમુક્ત રાખી શકાશે.  બીએસ ૬ એન્જિનના કારણે પ્રદુષણને ફેલાતું અટકાવી શકા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન