આર્મીના નામે ગુજરાતમાં દારૂ લાવવાનું કૌભાંડ પકડાયું, મોડસ ઓપરેન્ડી જોઈ પોલીસ પણ ચોંકી - Sandesh
  • Home
  • Gandhinagar
  • આર્મીના નામે ગુજરાતમાં દારૂ લાવવાનું કૌભાંડ પકડાયું, મોડસ ઓપરેન્ડી જોઈ પોલીસ પણ ચોંકી

આર્મીના નામે ગુજરાતમાં દારૂ લાવવાનું કૌભાંડ પકડાયું, મોડસ ઓપરેન્ડી જોઈ પોલીસ પણ ચોંકી

 | 4:26 pm IST

આર્મીના સામાનની આડમાં દારૂની હેરાફેરીનું મસમોટું કૌભાંડ બહાર આવ્યું છે. ગઈકાલે સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા પકડવામાં આવેલા 56 લાખના દારૂના કન્ટેનરની તપાસમાં આ કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં નાસિક આર્મી એન્ડ એરફોર્સનો સામાન કહીને 56 લાખનો દારૂ ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયાસ કરવામા આવ્યો હતો.

ગુજરાતમાં દારૂબંધી છે. તેમ છતાં ગુજરાતભરમાં ખુલ્લેઆમ દારૂ વેચાય અને પીવાય છે. છાશવારે દારૂનો મોટો જથ્થો પકડાય પણ છે. તેમ છતાં ગુજરાત પોલીસના નાક નીચેથી બુટલેગરો દારૂનો વેપલો કરી રહ્યા છે. ત્યારે નવી મોડસ ઓપરેન્ડીથી દારૂ લાવવાનુ કારસ્તાન પકડાયું છે. દારૂ સપ્લાય કરવાની આ નવી મોડસ ઓપરેન્ડી જાણીને ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી. સુરતમાં સ્ટેટ મોનિટરિંગ સેલે સપાટો બોલાવીને દારૂનો 56 લાખનો જથ્થો પકડી પાડ્યો હતો. જેમાં બે શખ્સોની પણ ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં ખૂલ્યું કે, આર્મીના ડુપ્લીકેટ ડોક્યુમેન્ટ બનાવીને દારૂ ગુજરાતમાં લાવવામાં આવી રહ્યો હતો. નાસિક આર્મી કેંટોનમેટથી ભુજના આર્મી કેંટોનમેન્ટ સામાન લઇ જવાતો હોવાની બીલટી રજૂ કરવામાં આવીને દારૂ સપ્લાય કરવામાં આવ્યો હતો.

દારૂ લાવવા માટે આર્મીના નામે ડુપ્લીકેટ ડોક્યુમેન્ટ્સ પણ બનાવી લેવાયા હતા. નક્કી સિક્કા, નકલી બિલ્ટીથી દારૂનો વેપલો કરાતો હતો. બિલ્ટીમાં આર્મી કેન્ટોન્મેન્ટની હોઝિયરી અને ક્રોકરીનો ઉલ્લેખ કરાયો છે. હરિયાણાથી નીકળેલ દારૂનો જથ્થો નાસિકથી વડોદરા લઈ આવવામાં આવવાનો હતો. વડોદરામાં રાહુલ નામના શખ્સને દારૂ ભરેલો ટ્રક સોંપવાનો હતો. ત્યારે સુરત પાસેના પલસાણામાં જ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા 56 લાખનો દારૂનો જથ્થો પકડી પાડ્યો છે.

પોલીસે 76 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા અલગથી પલસાણા પોલીસ મથકે ગુનો નોંધવામા આવ્યો છે.