ગુજરાત સામે મુંબઈ ૨૨૮ રનમાં ઓલઆઉટ

269

ઇન્દોર, તા. ૧૦

બોલરોના શાનદાર દેખાવના સહારે ગુજરાતની ટીમે મુંબઈને રણજી ટ્રોફી ફાઇનલના પ્રથમ દિવસે ૨૨૮ રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. પ્રથમ દિવસે એક ઓવરની રમત માટે ગુજરાતની ટીમ બેટિંગમાં ઊતરી હતી. શાર્દુલ ઠાકુરના પ્રથમ બોલે જ સમિત ગોહિલનો પૃથ્વી શોએ સ્લિપમાં કેચ છોડયો હતો. ગુજરાતે પ્રથમ દિવસની રમતના અંતે બે રન બનાવ્યા છે અને હજુ ૨૨૬ રન પાછળ છે.

પ્રથમ બેટિંગ કરવા ઊતરેલી મુંબઈની ટીમના ઓપનર અખિલ હરવાડકર ચાર રન બનાવી અને શ્રેયસ ઐયર ૧૪ રન બનાવી આઉટ થયો હતો ત્યારે ૧૭ વર્ષીય પૃથ્વી શો અને સૂર્યકુમાર યાદવે અર્ધી સદી ફટકારી હતી. રણજી ટ્રોફીમાં પદાર્પણ મેચમાં સદી ફટકારનાર પૃથ્વી શોએ ફાઇનલમાં પણ પોતાનું ફોર્મ જાળવી રાખ્યું હતું. લંચ સુધી મુંબઈનો સ્કોર બે વિકેટે ૯૭ રન હતો પરંતુ તે લંચ બાદ વધુ એક રન ઉમેરી ૭૧ રનના અંગત સ્કોરે રન આઉટ થયો હતો. તે પછી કેપ્ટન આદિત્ય તરે પણ ચાર રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. સૂર્યકુમાર યાદવે સિદ્ધેશ લાડ સાથે મળી ૪૧ રનની ભાગીદારી નોંધાવી હતી. સૂર્યકુમારને ચિંતન ગજાએ આઉટ કરી આ ભાગીદારી તોડી હતી. ટીમના સ્કોરમાં વધુ ૧૦ રન ઉમેરાયા ત્યારે સિદ્ધેશ લાડ પણ અંગત ૨૩ રન બનાવી આઉટ થયો હતો. તે પછી અભિષેક નાયરે એકલા હાથે ગુજરાતના બોલરોનો સામનો કરતાં ટીમનો સ્કોર ૨૨૮ રન થયો હતો. અભિષેક નાયર ૧૦મી વિકેટના રૂપમાં ૩૫ રન બનાવી આઉટ થયો હતો. ગુજરાત તરફથી આર.પી. સિંહ, ચિંતન ગજા અને રૂજુલ ભટ્ટે ૨-૨ વિકેટ ઝડપી હતી જ્યારે ઋષ કાલરિયા અને હાર્દિક પટેલને ૧-૧ વિકેટ મળી હતી.