સ્ટેચ્યૂ ઓફ યુનિટીને સ્ટેચ્યૂ ઓફ પોલિટિક્સ ન બનાવીએ - Sandesh
 • Home
 • Columnist
 • સ્ટેચ્યૂ ઓફ યુનિટીને સ્ટેચ્યૂ ઓફ પોલિટિક્સ ન બનાવીએ

સ્ટેચ્યૂ ઓફ યુનિટીને સ્ટેચ્યૂ ઓફ પોલિટિક્સ ન બનાવીએ

 | 2:24 am IST

સામયિક :- પ્રભાકર ખમાર

એપ્સ્ટાઇન નામનો આધુનિક યુરોપનો એક મશહૂર શિલ્પી છે. કેટલાક કલાકારો અને અભ્યાસીઓના મતે ગ્રીક શિલ્પીઓ પછી લગભગ બે હજાર વર્ષે એપ્સ્ટાઇન જ મહાન શિલ્પી પાક્યો છે. એણે પથ્થરની એક અદ્ભુત મૂર્તિનું નિર્માણ કર્યું છે. તે મૂર્તિનું નામ ‘આદમ’ છે. આ મૂર્તિ પર કલાકારો આફરીન છે. મેં એ મૂર્તિ ૧૯૮૪માં  લંડનની મુલાકાત દરમિયાન જોઇ હતી. જે આજે પણ સ્મરણાંકિત છે.

કોઇ જબરજસ્ત ખડકમાંથી જાણે એક પ્રચંડ પુરુષ ઊપસી આવ્યો હોય એવું લાગે ! એ પુરુષનું શરીર ખડક જેવું ખડતલ અને એની ચામડી જાણે વડના થડની છાલ જેવી ઘટ્ટ અને ખરબચડી. એ માનવ ધરતીમાંથી સ્વયંભૂ ઊપસી આવ્યો હોય એવો આભાસ થાય. આદમના પગ ધરતીના એવા જોરથી દબાવી રહ્યા છે કે ધરતીને એનું વજન ઝીલવું ભારે પડે ! એના હાથની મુઠ્ઠીઓ વળેલી છે. એની નજર આકાશ તરફ છે પણ પગ ધરતી પર છે. એનું  ચાલે તો આકાશને પણ ધરતીમાં સમાવી દે એવું વિરલ વ્યક્તિત્વ એ મૂર્તિમાંથી ઊપસે છે.

આ ‘આદમ’ની વિખ્યાત પ્રતિમા એટલે જાણે કે ભારતની નોખી માટીના નોખા માનવી, આધુનિક  ભારત દેશની એકતાના શિલ્પી, ગુજરાતના પનોતા પુત્ર, સ્વાતંત્ર્ય યુગના સેનાપતિ સરદાર વલ્લભભાઇ પટેલની વિરાટ પ્રતિમાનું પ્રતીક. વર્ષો પહેલાં જોયેલી આ મૂર્તિ આજે પણ આંખ સામે તરવરે છે ત્યારે એટલી જ ભવ્યાતીત અને આકર્ષક લાગે છે.

વિશ્વમાં ઊંચી ગગનચુંબી ઇમારતો અને પ્રતિમાઓની નિર્માણની ચર્ચા અને સ્પર્ધા વર્ષોથી ચાલી આવે છે. છેલ્લા કેટલાક સમયથી ચીન એમાં મોખરે છે. વિશ્વની દસ ઊંચી ઇમારતોમાંથી પાંચ ઇમારતો ચીનમાં આકાર લઇ રહી છે. એમાં ‘સ્કાય સિટી’ વિશ્વની સૌથી ઊંચી ઇમારત છે. આ ઇમારત ૮૩૮ મીટર ઊંચી છે. વિશ્વની સંયુક્ત આરબ અમીરાતની સૌથી ઊંચી ઇમારત ગણાતી ‘બુર્જખલીફા’ કરતાં સ્કાય સિટી ઇમારત દસ મીટર ઊંચી છે.

વિશ્વની ઊંચી ઇમારતોનો ક્રમ નીચે પ્રમાણે છે.

 • સ્કાય સિટી (૮૩૮ મીટર)- ચીન
 • બુર્જખલીફા (૮૨૮ મીટર)- અબુધાબી
 • શાંઘાઇ ટાવર (૬૩૨ મીટર)- ચીન
 • ક્લોક રોયલ ટાવર (૬૦૧ મીટર) મક્કા-સાઉદી અરેબિયા
 • વન વર્લ્ડ ટાવર (૫૪૧ મીટર) – અમેરિકા
 • કુતુબ મિનાર રૂક્ત (૭૨.૨ મીટર)- ભારત

છતાં એ વિશ્વના ઐતિહાસિક પર્યટન સ્થળ તરીકે વિખ્યાત છે. ભારતનું ગૌરવ છે. વિશ્વની ઊંચી પ્રતિમાઓની વાત કરીએ તો પણ અત્યાર સુધી ચીન એમાં મોખરે હતું. ક્રમ આ પ્રમાણે છે.

 • સ્પ્રિંગ ટેમ્પલમાં બુદ્ધની પ્રતિમા (૧૫૩ મીટરઊંચી છે- ચીન
 • લેક્યુન સેટક્યાર (૧૧૬ મીટર)- મ્યાનમાર
 • ઉસિકુ દાયબુન્સુ (૧૧૦ મીટર)- જાપાન
 • સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી (૯૭ મીટર)- અમેરિકા
 • ધી ગ્રેટ બુદ્ધા (૯૯૧ મીટર)- થાઇલેન્ડ
 • ધી મધરલેન્ડ કોલ્સ (૮૭ મીટર)- રશિયા

અને હવે વિશ્વમાં સૌથી ઊંચી…

 • સરદાર પટેલની પ્રતિમા (૧૮૨ મીટર)- ભારત

સ્ટેચ્યૂ ઓફ યુનિટી દ્વારા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવવાનું ગૌરવ ગુજરાતે પ્રાપ્ત કર્યું છે. નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે સરદાર સરોવર બંધની નજીક ૩૧ ઓક્ટોબર, ૨૦૧૮માં સરદાર પટેલના જન્મદિને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઐતિહાસિક પ્રતિમાનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રતિમાના નિર્માણથી વિશ્વના ઇતિહાસમાં સરદાર પટેલ નામાંકિત થયા.

સરદાર પટેલ એટલે ભારતીય એકતાનું પ્રતીક, એક પ્રખર રાષ્ટ્રભક્ત, એક મહાન પ્રશાસક, એક શાનદાર વ્યક્તિત્વ,  જેઓ એકતાના પથનું નેતૃત્વ કરીને સમગ્ર વિશ્વમાં શાશ્વત પ્રતીક બની ગયા છે. આજની અને આવતી કાલની પેઢી માટે આ પ્રતિમા સરદારના જીવન સ્વપ્નો, સિદ્ધિઓ અને સફળતાઓના શાશ્વત સ્વરૂપનું પ્રેરણાત્મક પ્રતીક છે.

વડા પ્રધાન પદના સાચા હકદાર હોવા છતાં ગાંધીજીના આદેશને અનુસરી નાયબ વડા પ્રધાન પદ સ્વીકાર્યું, પરંતુ પ્રસિદ્ધ બ્રિટિશ પત્રકાર અને લેખક બ્રેશરીએ ૧૯૫૦ના વર્ષના  પ્રારંભમાં નોંધ્યું છે : ”નહેરુ સરકારના વડા છે પણ સરકાર તો સરદાર પટેલ ચલાવે છે.” “Nehru heads the Government, Sardar Patel runs it.”

કુશાગ્ર બુદ્ધિ, વિચક્ષણ રાજનીતિજ્ઞાતા, વિચાર વિનિમય અને વાકચાતુર્યની વિશિષ્ટ શક્તિને પરિણામે ભારતની આઝાદીની લડતના આ અગ્રિમ લક્ષ્યવેધી ધનુર્ધરે આઝાદી પછી માત્ર ત્રણ વર્ષ અને ચાર માસના અલ્પ આયુષ્યમાં નાદુરસ્ત તબિયત હોવા છતાં ભારત સરકારના જ નહીં પણ વિશ્વના શ્રેષ્ઠ સફળ વહીવટકર્તા તરીકે જેટલી સમસ્યાઓ સુલઝાવી છે એટલી ભાગ્યે જ કોઈએ સૂલઝાવી છે. એનું નિરીક્ષણ કરીશ.

નાયબ વડા પ્રધાન તરીકે કેન્દ્ર સરદારની અને રાજ્યોની સર્વગ્રાહી કામગીરી પર નજર તથા માર્ગદર્શન, ગૃહ ખાતાની પડકારભરી જવાબદારી, માહિતી-પ્રસારણના મંત્રી તરીકે અખબારી સ્વાતંત્ર્યના હિમાયતી, ૫૬૨ દેશી રાજ્યોના એકીકરણની અટપટી સમસ્યાને સુલઝાવવામાં સંપૂર્ણ સફળતા, પાકિસ્તાનથી આવેલા લાખો નિરાશ્રિતોને રોજીરોટી- રહેઠાણની કામગીરી, બંધારણ ઘડતરમાં સિંહફાળો, હિંદુ-મુસ્લિમ સમસ્યાઓ, કોમી રમખાણો પર કડક હાથે નિયંત્રણ, કોંગ્રેસ પાર્ટીના પાર્લામેન્ટરી બોર્ડના અધ્યક્ષ, પક્ષના સંગઠનના મોવડી, વિભાજન પછી સત્તાની ફેરબદલી સંભાળતા પાર્ટિશન કાઉન્સિલના ભારત સરકારના મુખ્ય પ્રતિનિધિ તરીકે અસ્ક્યામતો અને નાણાકીય વહેંચણીની ઝીણવટભરી વિગતોમાં જવાની કુનેહ, સમગ્ર વહીવટી તંત્રનું સંપૂર્ણ ભારતીયકરણ ને તમામ સ્તરના અધિકારીઓના વિશ્વાસ સંપાદનની અનોખી સૂઝ વગેરે વિવિધ જવાબદારી સરદારે ઝંઝાવાતી સમયમાં ભાંગેલી નાદુરસ્ત તબિયત, આંતરડાની બીમારી છતાંય જરાય વિચલિત થયા વિના દૃઢ સંકલ્પ શક્તિ-નિર્ણયશક્તિ તેમજ મક્કમ મનોબળથી ઉઠાવી અને સફળતા સિદ્ધ કરી. સરદારના જીવનકાર્યની આ અણમોલ સિદ્ધિ છે. તત્કાલીન ભારત સરકારના કેબિનેટ સચિવ જે કેન્દ્ર સરકારમાં મુખ્ય અધિકારી ગણાય છે એવા એચ. એમ. પટેલના શબ્દોમાં કહીએ તો ”આ દિવસોમાં સરદાર અઢાર કલાક કામ કરતા હતા.”

સરદાર પટેલના વૈવિધ્યલક્ષી વિરલ વ્યક્તિત્વનું-કામગીરીનું તટસ્થ મૂલ્યાંકન કરીએ તો લાગે છે કે, સરદાર એક ઇતિહાસ પુરુષ હતા,પરંતુ આ મહાન વિભૂતિના પ્રભાવક, પ્રેરણાત્મક અને પ્રમાણિક જીવન સાફલ્યની ગૌરાંકિત સિદ્ધિઓને વર્તમાન અને ભાવિ પેઢી સદા સ્મરણાંકિત રાખી શકે તેવી રાષ્ટ્રીય કક્ષાની સંસ્થા-સ્મારક રચવાનો નિર્ણય છેક ૧૯૭૫ સુધી ન થયો. એમના અવસાન પછી ૨૫ વર્ષે ૧૯૭૫માં બાબુભાઈ જ. પટેલની જનતા સરકારે અમદાવાદ ખાતે રાષ્ટ્રીય સ્મારક રચવાનો નિર્ણય કરી ૧૯૭૮માં તે સાકાર કર્યું. સ્મારક ન રચવામાં નહેરુ પરિવારનું શાસન કેટલે અંશે જવાબદાર છે એ વિવાદમાં ન ઊતરીએ, પરંતુ સરદાર પટેલને એમના પૂર્ણ વિકસિત સરદારત્વ સ્વરૂપે સમજવામાં અને આમ જનતા સમક્ષ રજૂ કરવામાં તેમજ સરદારના પૂરા કાળખંડને ઇતિહાસના પરિપ્રેક્ષ્યમાં મૂલવવામાં દુર્ગાદાસ કે વી. શંકર જેવા થોડા અપવાદ સવાય ચારિત્ર્યકારો, લેખકો, સાહિત્યકારો ઊણા ઊતર્યા છે.

આમ છતાં સમયની સરી જતી સરિતામાં સરદારનું મહત્ત્વ પ્રજાને સમજાતું જાય છે. દેશ સમક્ષ અનેક પ્રશ્નો અને પડકારો ઊભા થાય છે ત્યારે પ્રજામાનસમાંથી ઉદ્ગાર નીકળી પડે છે, ”આજે સરદાર હોત તો ?” આ એક જ વાક્યમાં સરદાર પટેલના સરદારત્વની મહાનતા અને મહત્ત્વતા અભિવ્યક્ત થાય છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વૈચારિક-રાજનૈતિક મતભેદ હોઇ શકે, એમની કેટલીક કાર્યશૈલી અને શાસન પદ્ધતિ સામે પણ અસહમતી હોઇ શકે, પક્ષીય મતમતાંતર પણ હોઇ શકે, પરંતુ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના નિર્માણમાં માત્ર નરેન્દ્ર મોદી યશના અધિકારી છે એ હકીકત રાજકારણને વચ્ચે લાવ્યા સિવાય સૌએ સ્વીકારવી જ રહી. આ માટે વર્તમાન અને ભાવિ ઇતિહાસ નરેન્દ્ર મોદીને યાદ રાખશે. છેલ્લે સ્ટેચ્યૂ ઓફ યુનિટીને સ્ટેચ્યૂ ઓફ પોલિટિક્સ ન બનાવીએ એ જ અપેક્ષા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન