સ્ટેમ સેલ પદ્ધતિથી આંખોની દૃષ્ટિ પરત મેળવી શકાય છે : સંશોધન - Sandesh
  • Home
  • World
  • સ્ટેમ સેલ પદ્ધતિથી આંખોની દૃષ્ટિ પરત મેળવી શકાય છે : સંશોધન

સ્ટેમ સેલ પદ્ધતિથી આંખોની દૃષ્ટિ પરત મેળવી શકાય છે : સંશોધન

 | 2:42 am IST

એસિડ એટેકનો હુમલો ઘણું નુકસાન કરનારો હોય છે. એમાંય વળી મહામૂલી દૃષ્ટિ જાય એટલે તો જીવનભરનો અંધાપો વેઠવો પડે. પરંતુ સ્ટેમ સેલની સારવારથી એસિડ હુમલામાં ગુમાવેલી દૃષ્ટિ ફરી મેળવવાની સફળતા મળી છે. જોકે એ માટે તો સારવાર પાછળ એક બે નહીં ૨૫ વર્ષ લાગ્યાં.  દક્ષિણ પૂર્વ લંડનમાં પ્રોજેક્ટ મેનેજર જેમ્સ ઓ બ્રિન તેની પત્ની લિસા સાથે રહે છે. જેમ્સ ઓ બ્રિનના ચહેરા ઉપર જ્યારે એસિડ ફેંકાયો હતો, ત્યારે તે માંડ ૧૮ વર્ષનો હતો. જોકે નેશનલ હેલ્થ સ્કિમ હેઠળ તેને સ્ટેમ સેલ સારવાર મળી શકી. આ યોજના હેઠળ સ્ટેમ સેલ સારવાર મેળવનારો તે પહેલો હતો, તેથી જ સ્ટેમ સેલ સારવારના પરિણામ કેવો મળશે, તેના ઉપર રહસ્યનો પડદો હતો. પરંતુ હવે તબીબોએ સફળતાના વધામણા લીધાં છે. તેની જમણી આંખમાં ફરીથી કલરફૂલ દૃશ્યો સર્જાયાં છે ! આ સફળતા સાથે એસિડ એટેકમાં આંખ ગુમાવનારા અનેક માટે આશાના કિરણો ફૂટયાં છે.

હાલમાં દર મહિને એક દર્દીની સર્જરી થાય છે

૨૦ વર્ષની તપૃર્યા બાદ લંડનની મૂરફિલ્ડ્સ આઇ હોસ્પિટલના ડોક્ટરો દર મહિને એક દર્દીની સારવાર કરે છે.  ઓ બ્રિન કહે છે કે તે એસિડ એટેકને પગલે લગભગ અંધાપા નજીક જ પહોંચી ગયો હતો. તેની જમણી આંખને એસિડ પડવાથી નુકસાન થયું હતું. મને તો આઇ ચાર્ટ પણ દેખાતો ન હતો. હાલમાં ૪૪ વર્ષના જેમ્સની સારવાર ગયા વર્ષે શરૂ થઈ હતી. અઢી દાયકા સુધી અંધાપો વેઠયા બાદ તેની સારવાર શરૂ થઈ હતી. પહેલા તબક્કાની સારવાર ગયા વર્ષે શરૂ થઈ હતી.

અન્ય ઈજાગ્રસ્તોને પણ દૃષ્ટિ મળી શકશે

જેમ્સને સફળતાપૂર્વક સર્જરી કરાયા બાદ હવે એસિડ એટેકમાં આંખ ગુમાવનારાઓ માટે આશાનું કિરણ જાગ્યું છે. સ્ટેમ સેલ સર્જરીથી એવા લોકોને ફરી દૃષ્ટિ મળી શકે છે. જોકે અત્યારે તો એ સર્જરી પાછળ ૯૨૦૦૦ પાઉન્ડનો ખર્ચ આવે છે. પરંતુ જેમ જેમ આ સર્જરી વ્યાપક બનશે એમ એમ ખર્ચ પણ ઘટશે.

કઈ રીતે સર્જરી કરાઈ ?

પહેલા તબક્કામાં જેમ્સની સારી આંખમાંથી સ્ટેમ સેલ મેળવાયા હતા. ઇટાલીના મોડેના ખાતેની લેબમાં મોકલીને તેને વિકસાવવામાં આવ્યા હતા. છ મહિના સુધી તેને વિકસાવ્યા બાદ મૂરફિલ્ડ્સ ખાતેના સર્જનોએ જેમ્સની ઈજાગ્રસ્ત આંખમાંથી નુકસાન પામેલા ટીસ્યૂ દૂર કર્યા હતા. જેના સ્થાને તેની ડાબી આંખમાંથી મેળવેલા સ્ટેમ સેલને આરોપિત કર્યા હતા. એ આરોપણ બાદ સ્ટેમ સેલ ઈજાગ્રસ્ત જમણી આંખમાં બરાબર બેસે એ માટે એક વર્ષ સુધી રાહ જોઈ હતી. એ બાદ ર્કોર્નિયા આરોપિત કરાઈ હતી. ર્કોર્નિયા દૃશ્ય અને પ્રકાશને કેન્દ્રિત કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. એક મૃતક દાતાની આંખમાંથી એ ર્કોર્નિયા મેળવ્યો હતો. એ ર્કોર્નિયા આરોપિત કર્યા બાદ જેમ્સ સારી રીતે જોઈ શકતો થયો અને હવે તો તે તમામ કામ પણ કરી શકે છે.

  1. જેમ્સની સ્વસ્થ ડાબી આંખમાંથી તબીબોએ સ્ટેમસેલ મેળવ્યા હતા
  2. આ સ્ટેમ સેલને ઇટાલીની એક લેબમાં મોકલવામાં આવ્યા હતા અને ૬ મહિના તેનો ઉછેર કરાયો હતો
  3. એ બાદ સર્જનોએ જેમ્સની જમણી આંખમાંથી ખરાબ થયેલા કોષો દૂર કર્યા હતા.
  4. સ્વસ્થ આંખમાંથી વિકસાવેલા સ્ટેમ સેલને તેઓએ નુકસાન પામેલી આંખમાં ગોઠવ્યા હતા
  5. એક વર્ષ બાદ તબીબોએ એક મૃત દાતાની આંખની ર્કોર્નિયા જેમ્સની ઈજાગ્રસ્ત આંખમાં લગાવી હતી
  6. સ્વસ્થ આંખોમાંના નવા સ્ટેમ સેલોએ ર્કોર્નિયાને બરાબર કામ કરતી કરી હતી અને તેને પગલે દૃષ્ટિ ફરી મળી હતી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન