સ્ટેન્ટના દર્દીઓ માટે સારા સમાચાર, ભાવમાં કરાયો વધુ ઘટાડો - Sandesh
  • Home
  • India
  • સ્ટેન્ટના દર્દીઓ માટે સારા સમાચાર, ભાવમાં કરાયો વધુ ઘટાડો

સ્ટેન્ટના દર્દીઓ માટે સારા સમાચાર, ભાવમાં કરાયો વધુ ઘટાડો

 | 10:48 pm IST

દવાઓના ભાવ નક્કી કરતી નેશનલ ફાર્માસ્યૂટિકલ ઓથોરિટી (NPPA) દ્વારા દવાવાળા સ્ટેન્ટનાં ભાવ ઘટાડીને રૂ.૨૮,૦૦૦ નક્કી કરવામાં આવ્યા છે. આને કારણે હ્યદય રોગની સારવાર હવે વધારે સસ્તી થશે. NPPA દ્વારા ઓપરેશનમાં ઉપયોગમાં લેવાતા અન્ય મેડિકલ સાધનો જેવા કે કેથેટર, બલૂન અને ગાઈડ વાયરની કિંમત અંગે પણ માર્ગરેખાઓ નક્કી કરવામાં આવી છે. NPPA દ્વારા સોમવારે ડ્રગ એલુથિંગ સ્ટેન્ટ (DES)નાં ભાવમાં વધુ રૂ.૨,૩૦૦નો ઘટાડો કરાયો હતો. આમ સ્ટેન્ટની નવી કિંમત હવે રૂ.૨૮,૦૦૦ કરતા પણ ઓછી થઈ ગઈ છે. જો કે બેર મેટલ સ્ટેન્ટનાં ભાવમાં રૂ.૨૬૦નો વધારો કરાયો છે આથી તેની કિંમત રૂ.૭,૪૦૦થી વધીને રૂ.૭,૬૬૦ થઈ ગઈ છે. એનપીપીએ દ્વારા નક્કી કરાયેલા સ્ટેન્ટનાં ભાવમાં જીએસટીનો સમાવેશ કરાયો નથી. તેના પર અલગથી જીએસટી લાગશે. ભારતમાં હાર્ટનાં રોગોની સારવારમાં ૯૫ ટકા ડ્રગ એલુથિંગ સ્ટેન્ટનો વપરાશ થાય છે. ભાવમાં ઘટાડા પછી હાર્ટનાં રોગના દર્દીઓને ઘણી રાહત મળશે તેવું માનવામાં આવે છે. નવા ભાવ મંગળવારથી લાગુ પડશે જે ૩૧ માર્ચ ૨૦૧૯ સુધી અમલમાં રહેશે.

બિલમાં અન્ય ઈક્વિપમેન્ટનાં ભાવ લખવા પડશે

હોસ્પિટલમાં હાર્ટનાં ઓપરેશન તેમજ એન્જિયોપ્લાસ્ટી માટે ઉપયોગમાં લેવાતા કેથેટર, બલૂન અને ગાઈડ વાયરની વાજબી કિંમત કરતા વધારે ભાવ લેવામાં આવે છે તેવી વ્યાપક ફરિયાદો પછી બિલમાં તેનાં ભાવ લખવાનું નક્કી કરાયું છે. આવા મેડિકલ સાધનોની આયાત પડતર કરતા ડોક્ટરો અને હોસ્પિટલો ૧૫૦થી ૪૦૦ ટકા નફો વસૂલતા હોવાનું જાણવા મળ્યું છે. આથી આવા સાધનો પર ૫ ટકા જીએસટી સાથે કેથેટર, બલૂન અને ગાઈડ વાયરના ભાવ અલગથી લખવા નક્કી કરાયું છે.

ગયા વર્ષે સ્ટેન્ટની કિંમતમાં ૫૦ ટકા ઘટાડો કરાયો હતો

નવા ભાવ પછી ૫ ટકા જીએસટી સાથે DESની નવી કિંમત રૂ.૨૯,૨૮૫ થશે. જ્યારે મેટલ સ્ટેન્ટનાં ભાવ રૂ.૮,૦૪૩ થશે. આથી હવે ટ્રેડ માર્જિન ૮ ટકા રહેશે. આમ કંપનીઓ હવે ફક્ત ૮ ટકા નફો જ કમાઈ શકશે. નવી કિંમત ૩૧ માર્ચ ૨૦૧૯ સુધી અમલમાં રહેશે. અગાઉ ગયા વર્ષે ૧૪ ફેબ્રુઆરીનાં રોજ સ્ટેન્ટનાં ભાવમાં ૫૦ ટકાથી વધુ ઘટાડો કરાયો હતો. તે વખતે NPPA દ્વારા મેટલ સ્ટેન્ટની કિંમત રૂ.૭,૪૦૦ અને DESની કિંમત રૂ.૩૦,૧૮૦ નક્કી કરાઈ હતી.

હાર્ટના ઓપરેશનમાં ઉપયોગમાં લેવાતા સાધનો પર ઉઘાડી લૂંટ

બલૂન કેથેટર પર ૪૦૦ ટકા નફો

ગાઈડ વાયર પર ૧૫૮ ટકા નફો

ગાઈડિંગ કેથેટર પર ૨૯૨ ટકા નફો

કટિંગ બલૂન પર ૨૯૨ ટકા નફો