સ્ટોક સિટીને ૨-૧થી હરાવી ચેલ્સીએ નંબર વનનું સ્થાન વધુ મજબૂત કર્યું - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • સ્ટોક સિટીને ૨-૧થી હરાવી ચેલ્સીએ નંબર વનનું સ્થાન વધુ મજબૂત કર્યું

સ્ટોક સિટીને ૨-૧થી હરાવી ચેલ્સીએ નંબર વનનું સ્થાન વધુ મજબૂત કર્યું

 | 7:19 am IST

લંડન : પ્રથમ હાફમાં વિલિયન અને બીજા હાફમાં ગેરી કાહિલનાં ગોલની મદદથી ચેલ્સીએ સ્ટોક સિટીને ૨-૧થી હરાવીને પ્રીમિયર લીગમાં પ્રથમ સ્થાન પર મજબૂત પકડ કરી લીધી છે. ચેલ્સી ૬૯ પોઇન્ટ સાથે પ્રથમ, જ્યારે ટોટનહામ ૫૬ પોઇન્ટ સાથે બીજા સ્થાને છે. સ્ટોક સિટી તરફથી મેચનો એક માત્ર ગોલ જોનાથન વોલ્ટર્સે પેનલ્ટી દ્વારા કર્યો હતો. મેચની ૧૩મી મિનિટે ચેલ્સીનાં વિલિયને પ્રથમ ગોલ ફટકારી પોતાની ટીમને ૧-૦થી આગળ કરી દીધી હતી પરંતુ ૩૮મી મિનિટે સ્ટોક સિટીને પેનલ્ટી આપવામાં આવી હતી અને વોલ્ટર્સે તે પેનલ્ટીને ગોલમાં ફેરવી સ્કોર ૧-૧ની બરાબરી પર લાવી દીધો હતો. ૮૬મી મિનિટે ચેલ્સીનાં ડિફેન્ડર ગેરી કાહિલે ગોલ ફટકારી ટીમની લીડ ૨-૧થી કરી દીધી હતી. મેચની અંતિમ ક્ષણોમાં સ્ટોક સિટીનાં ડિફેન્ડર ફિલ બાર્ડસ્લેને બીજું યલો કાર્ડ મળતા તેને મેચની બહાર થવંુ પડયું હતું.

ક્લાઉડીઓ રનૈરીની હકાલપટ્ટી બાદ લેસ્ટર સિટીની ટીમે શાનદાર પ્રદર્શન કરીને ગત વર્ષની યાદ તાજી કરાવી દીધી છે. રિયાદ માહરેઝ, રોબર્ટ હૂથ અને જેમી વાર્ડીનાં ગોલની મદદથી લેસ્ટરે વેસ્ટહામને ૩-૨થી હરાવ્યું હતું. વેસ્ટહામ તરફથી લાન્ઝિની અને આયુએ એક-એક ગોલ કર્યો હતો. ડોમિનિક ક્લેવર્ટ, વેલેન્સીઆ અને લુકાકુનાં બે ગોલની મદદથી એવર્ટને હલ સિટીને ૪-૦થી અને ક્રિસ્ટલ પેલેસે વોટફોર્ડને ૧-૦થી હરાવી દીધંુ હતું. સન્ડરલેન્ડ અને બર્નલેની મેચ ૦-૦થી ડ્રો રહી હતી. એલ્ફી મેસોનનાં આત્મઘાતી અને બેનિક એફોબેનાં ગોલની મદદથી બર્નમાઉથે સ્વેન્સી સિટીને ૨-૦થી હરાવ્યું હતું.

એથ્લેટિક બિલબાઉને હરાવી રિયલ મેડ્રિડ લીગમાં મોખરે

કરીમ બેન્ઝીમા અને કાસિમેરોનાં ગોલની મદદથી રિયલ મેડ્રિડે એથલેટિક બિલબાઉને ૨-૧થી હરાવી લા લીગામાં પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. લા લીગામાં રિયલ મેડ્રિડ ૬૫ પોઇન્ટ સાથે પ્રથમ અને બાર્સેલોના ૬૦ પોઇન્ટ સાથે બીજા ક્રમે છે. આ ઉપરાંત મેડ્રિડને એક મેચ પણ રમવાની બાકી છે. મેચની ૨૫મી મિનિટે રોનાલ્ડોના પાસને ગોલમાં ફેરવી બેન્ઝીમાએ મેડ્રિડને ૧-૦ની લીડ અપાવી દીધી હતી. ૬૫મી મિનિટે એથલેટિકોના સ્ટાર ખેલાડી એડુરિઝે ગોલ ફટકારી સ્કોર બરોબરી પર લાવી દીધો હતો પરંતુ એથલેટિકોની આ ખુશી વધુ સમય સુધી ટકી નહોતી. ૬૮મી મિનિટે મેડ્રિડને કોર્નર મળ્યો હતો અને કાસિમેરોેએ ગોલ કરી પોતાની ટીમને ૨-૧થી આગળ કરી મેચ જીતાવી દીધી હતી. અન્ય મેચમાં આલ્વેસે રિયલ સોસાઇડેડને ૧-૦થી અને રિયલ બેટિસે ઓસાસુનાને ૨-૦થી હરાવ્યું હતું. આ પહેલાં ઇબાર અને ઇસ્પેન્યોલની મેચ ડ્રોમાં પરિણમી હતી.