Storm Activity Over Arabian Sea To Hit Maharashtra And Gujarat nex 48 hours
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કોરોનાના હાહાકાર વચ્ચે ગુજરાત-મહારાષ્ટ્રના માથે મોટી ઘાત, હવામાન વિભાગની ચેતવણી

કોરોનાના હાહાકાર વચ્ચે ગુજરાત-મહારાષ્ટ્રના માથે મોટી ઘાત, હવામાન વિભાગની ચેતવણી

 | 4:00 pm IST
  • Share

ઓડિસા અને પશ્ચિમ બંગાળમાં અમ્ફાલ નામના વાવાઝોડાએ તબાહી મચાવ્યાના હજી તો 10 દિવસ પણ નથી થયા ત્યાં કોરોના વાયરસના સૌથી મોટા શિકાર એવા દેશના બે રાજ્યો પર નવી આફત આવી પડી છે. હવામાન વિભાગે ગુજરાત અને મહારાષ્ટ્રને લઈને વાવાઝોડાની ચેતવણી આપી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અરબ સાગરમાં છેલ્લા 48 કલાકમાં સર્જાનારા ઓછા દબાણના કારણે દરિયાકાંઠાના આ બંને રાજ્યોમાં આવનાર બે દિવસમાં એટલે કે 3 જૂન સુધી વાવાઝોડું ત્રાટકે તેવી શક્યતા છે.

ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બંને મહત્વના રાજ્યો હાલ કોરોના વાયરસના કહેરથી બેહાલ છે. અહીં સૌથી વધારે કેસ પણ છે અને સૌથી વધારે મોત પણ આ બે રાજ્યોના નામે જ બોલાય છે. ત્યારે હવામાન વિભાગે વાવાઝોડાની ચેતવણી આપી છે. હવામાન વિભાગે પોતાના દૈનિક બુલેટિનમાં જણાવ્યું હતું કે, અરબ સાગરમાં બે વાવાઝોડા સર્જાઈ રહ્યાં છે. તેમાંથી એક આફ્રિકાના સમુદ્ર કિનારાથી યમન અને ઓમાન તરફ ફંટાશે જ્યારે બીજુ વાવાઝોડું ભારત તરફ આવી રહ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે અરબ સાગરમાં સાઉથ ઈસ્ટ-ઈસ્ટ-સેંટ્રલ ક્ષેત્રમાં આગામી 48 કલાકમાં લો-પ્રેશર એરિયા બની રહ્યો છે. આગામે 48 કલાકમાં તે વધારે શક્તિશાળી બને તેવી શક્યતા છે. ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધતુ આ વાવાઝોડુ 3 જૂન સુધી ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રમાં ટકરાશે.

ઉલ્લેખનીય છે કે, હજી 10 દિવસ પહેલા જ બંગાળની ખાડીમાંથી સર્જાયેલા અમ્ફાન નામના વાવાઝોડાએ પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં ભારે તબાહી મચાવી હતી. ચક્રવાતના કારણે 86 લોકો માર્યા ગયા હતાં. જ્યારે લાખો લોકો બેઘર થઈ ગયા હતાં. હવે વાવાઝોડુ ગુજરાત અને મહારાષ્ટ્રમાં કહેર મચાવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન