Stress સામે તકેદારી - Sandesh

Stress સામે તકેદારી

 | 1:26 am IST

તંત્રી સ્થાનેથી ।

દુનિયામાં બહુ જ થોડા વ્યક્તિઓ હશે, જેઓ તાણમુક્ત (Streesfree) જીવન જીવતા હશે. દિવસે દિવસે દરેક વ્યક્તિ માટે જીવનનો સંઘર્ષ વધુ ને વધુ કપરો બનતો જાય છે. વસ્તી વધારાને કારણે વસ્તુઓની ખેંચ વધી છે અને નોકરીની, કામકાજની તકો પણ ઘટી છે. જેને પરિણામે સ્પર્ધા વધી છે અને સ્પર્ધાને કારણે માણસના મગજ પર તાણ અને સ્ટ્રેસ પણ વધ્યા છે.

પહેલાં જમાનાની જેમ માણસની જિંદગી સરળ અને સીધી નથી રહી. પહેલાં કરતા માણસના એકસ્પેકટેશન વધ્યા છે, દેખાદેખી વધી છ, કોમ્પિટિશન વધી છે. છેવટે આ બધું પરિણમે છે સ્ટ્રેસમાં. કારણ કે આપણે જે વિચારીએ, આશા રાખીએ તે મુજબ બધું તે થતુંજ નથી.

સ્ત્રી તેમજ પુરુષે તેમના કાર્યક્ષેત્ર ઉપરાંતની ઘણી બધી સજ્જતા કેળવવી પડતી હોય છે. પહેલાની જેમ ગૃહિણી ફક્ત રસોડું સંભાળીને બેસી નથી શકતી. બાળકને ઘરે ઘરકામમાં મદદ કરતી હોય છે, તેને સ્કૂલે, ટયૂશન, વિવિધ કલાસીસ લેવા-મૂકવાની જવાબદારી નિભાવતી હોય છે. બીજી અનેક જવાબદારી જેવી કે શાક, ઘરવખરીની ખરીદી, બેન્કનું કામ વગેરે તેના મન પરનો બોજ અવશ્ય વધારી મૂકતા હોય છે.

નોકરિયાત બહેનોને પોતાની ઓફિસની કામગીરી ઉત્તમ રીતે બજાવવા ઉપરાંત, ઘરની બધી જવાબદારી નિભાવી ઓફિસ સમયસર પહોંચવા માટે પણ સ્ટ્રેસ ઊભો થતો હોય છે, એટલું જ નહીં વાહનોનો ટ્રાફિક, ઓફિસે સમયસર પહોંચવાનો સ્ટ્રેસ માનસિક તંગદિલી વધારી મૂકે છે. આવી માનસિક સ્થિતિમાં ઘણું બધું ભુલાઇ જવું સંભવિત છે. ભુલાઇ ગયેલા કામો મનની તંગદિલી ઓર વધારી મૂકે છે.

આવી પરિસ્થિતિમાં થોડી ચોકસાઇ, થોડી તકેદારી, થોડું પ્લાનિંગ મગજ પરનો ઘણો બધો ભાર ઘટાડી આપે છે. રોજ રાતે સૂતા પહેલાં બીજા દિવસે કામગીરી કરવાની યાદી, ક્રમબદ્ધ, તેની અગ્રતા મુજબ, તેમજ તમારા રૂટ મુજબ ગોઠવો. ઘરમાંથી પગ બહાર મૂકતા પહેલાં એ યાદી પાસે રાખવામાં આવે તો કામકાજમાં ઘણી સરળતા થાય. સમય ઘણો બચી જાય. કામની સરળતા અને સમયની બચત ઉપરાંત કોઇપણ કામ ભૂલી જવાથી ઊભી થતી માનસિક પરેશાનીઓમાંથી પણ એ રીતે ઉગરી જવાય. થોડાક વધુ વ્યવસ્થિત થવાથી આપણને ગાંડા બનાવી દેતી તાણથી બચી જવાય અને શાંત, ઉમંગભર્યું, સ્થિર જીવન જીવી શકાય.