વિદ્યાર્થી એ પરીક્ષાર્થી છે, આતંકવાદી નહીં - Sandesh
NIFTY 10,987.15 -20.90  |  SENSEX 36,403.04 +-116.92  |  USD 68.5650 +0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • વિદ્યાર્થી એ પરીક્ષાર્થી છે, આતંકવાદી નહીં

વિદ્યાર્થી એ પરીક્ષાર્થી છે, આતંકવાદી નહીં

 | 1:29 am IST

ઘટના અને ઘટન :- મણિલાલ એમ. પટેલ

તાજેતરમાં ઉ. પ્રદેશમાં બોર્ડની પરીક્ષામાં નકલખોરી રોકવા લેવાયેલાં કડક પગલાંને કારણે લાખો વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવાનું માંડી વાળ્યું. બિહારમાં કોપી કરતા હજારો વિદ્યાર્થીઓ પકડાયા. ગુજરાતમાં પણ એકાદ સપ્તાહ બાદ બંને બોર્ડની પરીક્ષાઓનો આરંભ થશે. ૧,૫૪૦ જેટલાં પરીક્ષાકેન્દ્રોમાં ૧૭ લાખ જેટલા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. પરીક્ષામાં નકલ રોકવા પગલાં લેવાય એમાં કશું ખોટું નથી, લેવાવાં જોઈએ પણ એનાથી પરીક્ષાનો હાઉ વધે છે તેટલી ગંભીરતા વધતી નથી. વિદ્યાર્થીને પરીક્ષા છોડી દેવી પડે છે ત્યારે લાગે કે પરીક્ષા એ પરીક્ષા રહેવી જોઈએ તે શિક્ષા ન બની જવી જોઈએ. પરીક્ષાખંડમાં સીસીટીવી કેમેરા હોય, ખાસ સ્ક્વોર્ડ હોય, વિજિલન્સ હોય, બહાર પહેરો ભરતી પોલીસ હોય-આ બધું જોતાં પરીક્ષાકેન્દ્ર કોઈ ગુનાઇત કાર્યનું કેન્દ્ર હોય તેવો માહોલ રચાતો હોય છે. આટલી કડકાઈ તો આતંકવાદીના મુદ્દે કાશ્મીરમાં કે સરહદ પર પણ નહીં હોય! વિદ્યાર્થીને પરીક્ષાર્થી તરીકે જોવાની-ગણવાની જરૂર છે, તે આતંકવાદી હોય તેવો માહોલ ન રચાવો જોઈએ.

આ માટે કદી આપણે ત્યાં પરીક્ષા કે શિક્ષણપદ્ધતિ અંગે ભાગ્યે જ ગંભીરતાપૂર્વક વિચાર કરાય છે. આવી સ્થિતિ સર્જાવાનું મુખ્ય કારણ પરીક્ષા કરતાં પરિણામને વધુ મહત્ત્વ અપાય છે તે છે. પરીક્ષાને શિક્ષણની જાણે પ્રયોગશાળા બનાવી દેવાઈ છે. ઉ. પ્રદેશની વાત કરીએ તો ત્યાં ૧૯૮૯માં પુસ્તક સાથે પરીક્ષાની પદ્ધતિ દાખલ કરાઈ ત્યાર બાદ ૧૯૯૧માં પરીક્ષામાં નકલને બિનજામીનપાત્ર ગુનો બનાવીને વિદ્યાર્થીને જેલમાં મોકલવાની જોગવાઈ કરાઈ. ૧૯૯૩માં શાળા પોતે જ પરીક્ષા લે તેવી પદ્ધતિ દાખલ કરાઈ. ૧૯૯૭માં ફરી નકલવિરોધી કાયદો આવ્યો પણ બિનજામીનપાત્ર ગુનાની કલમ તેમાંથી રદ કરાઈ એટલે ફરક પડયો. ૨૦૦૩માં પાછી શાળા પરીક્ષા લે તેવી પદ્ધતિ આવી. ૨૦૧૭માં પાછી નકલખોરી રોકવા કડક વ્યવસ્થા કરાઈ, પરિણામે લાખો વિદ્યાર્થીઓએ પરીક્ષા છોડી દેવી પડી. રાજ્યમાં સરકારો બદલાઈ તેમ પરીક્ષાપદ્ધતિ પણ બદલાઈ અને બિચારા વિદ્યાર્થીઓ તેનો ભોગ બનતા ગયા. સૂકા ભેગું લીલું પણ બળ્યું.

ગુજરાતમાં ઉ.-પ્રદેશ-બિહાર જેટલું વ્યાપક નકલખોરીનું દૂષણ નથી પણ જુદી સ્થિતિ છે. ધોરણ ૧-૨માં પરીક્ષા નથી, ધોરણ ૩થી ૮માં પરીક્ષા છે પણ કોઈને નાપાસ કરાતા નથી. હવે કદાચ પાસ-નાપાસની પદ્ધતિ દાખલ થઈ રહી છે. વિદ્યાર્થી ધોરણ-૧થી ૮ સુધી પરીક્ષાની ગંભીરતા જ સમજી શકતો નથી અને સીધી ધોરણ-૧૦માં બોર્ડની પરીક્ષા આવે છે. તેને અત્યાર સુધી પરીક્ષા વિશે ઝાઝી ગતાગમ જ હોતી નથી.

અત્યાર સુધી ડિગ્રીને નોકરી સાથે જોડવામાં આવતી હતી. ઉચ્ચ શિક્ષણમાં પ્રવેશ માટે પણ બોર્ડના ટકા મહત્ત્વના હતા, હવે નોકરી માટે પણ અલગ પરીક્ષાઓ હોય છે, તો ધોરણ-૧૨ પછી મેડિકલ કે એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે ખાસ અલગ પરીક્ષા આપવી પડે છે, પરિણામે બોર્ડમાં ૯૫ ટકા લાવનારને પણ પ્રવેશ ન મળી શક્યો હોય તેવું સાંભળવા મળે છે. વિદ્યાર્થી બિચારો ૯૫ ટકાથી વધુ કેટલા ટકા લાવે? વળી, જેમને ધોરણ-૧૨ પછી આગળ અભ્યાસ કરવાનો છે તેમના માટે ધોરણ-૧૦ની બોર્ડની પરીક્ષાનો કોઈ અર્થ જ નથી તો પછી તેના પર બે બોર્ડની પરીક્ષાનો બોજો શું કામ નાખવામાં આવે છે? એટલે હવે બોર્ડની પરીક્ષામાં ટકાનું પણ બહુ ચિત્ય બચ્યું નથી.

બીજી બાજુ પરીક્ષાઓ આપીને ડિગ્રીઓ મેળવીને નોકરીનાં બજારમાં આવે છે. તેઓને તે વ્યવહારમાં કામમાં આવતું નથી. એન્જિનિયર ડિગ્રી પછી સીધેસીધું કામ કરી શકે તેવા કામમાં નિપુણ હોતો નથી, એટલે નોકરીનાં બજારમાં પણ પાછો પડે છે. ઘણી વાર ભણેલું જીવનમાં કામમાં આવતું નથી, જ્યારે વ્યવહારમાં કામે લાગે છે ત્યારે તેની પાસે પુસ્તકો હોય જ છે તો પછી નકલખોરીની કે પરીક્ષાની આટલી બધી ચિંતા શું કરાતી હશે તે સમજાતું નથી. આખા વર્ષમાં ભણેલું માત્ર ૨૧ કલાકની ૭ દિવસની પરીક્ષા પછી માપવું તે પણ યોગ્ય પદ્ધતિ નથી. શિક્ષણકાર્ય જૂનમાં શરૂ થાય અને માર્ચમાં જૂનનું ભણાવેલું પુછાય તેનો અર્થ શું? આમ પરીક્ષાની મૂલ્યાંકનપદ્ધતિ અટપટી ને અયોગ્ય છે તે વિદ્યાર્થીનાં જીવનમાં તણાવ પેદા કરે છે જે તેને આપઘાત સુધી ઘણી વાર લઈ જાય છે. આવા સમયે માત્ર પરીક્ષા સમયે તણાવ દૂર કરવાના સેમિનારો, પ્રવચનો કે મનની વાતો નિરર્થક છે. મૂળ વાત શિક્ષણ અને પરીક્ષાપદ્ધતિમાં સમજપૂર્વકનાં પરિવર્તનની છે. શિક્ષણ વ્યક્તિવિકાસ નહીં પણ વ્યાપારનું માધ્યમ બન્યું છે એટલે પરીક્ષાઓ પણ કરોડોનો ધંધો બની ચૂક્યો છે. પરીક્ષામાં જડબેસલાક વ્યવસ્થા કરતાં શિક્ષણ ને પરીક્ષાપદ્ધતિમાં જડબેસલાક ફેરફારની આવશ્યકતા છે. પરીક્ષા જીવનનો આખરી જંગ હોય યા યુદ્ધનું મેદાન હોય તેવી સ્થિતિમાંથી પહેલાં તો તેને બહાર કાઢવાની જરૂર છે. વિદ્યાર્થીને વિદ્યાર્થીને બદલે માત્ર પરીક્ષાર્થી બનાવી દેવાયો છે. શિક્ષણને કેળવણી બનાવવાની જરૂર છે. માનવીનાં જીવનમાં રોજેરોજ પરીક્ષા આવતી હોય છે અને જીવે ત્યાં સુધી હર પળે તેની પરીક્ષા થતી હોય છે. શાળાની પરીક્ષામાં બહુ કાઠું ન કાઢનારા લિંકન, ચર્ચિલ, ગાંધીજી, ટાગોર, ગ્રેહામ બેલ, આઇન્સ્ટાઇન, એડિસન, ગેલેલિયો, હેનરી ફોર્ડ, રાઉટ બ્રધર્સ, બિલ ગેટ્સ જેવા ઢગલાબંધ મહાનુભાવો કે જેમણે વિશ્વને કંઈક નવું ને જુદું આપ્યું છે તેઓ શાળાની પરીક્ષામાં બહુ હોશિયાર ન હતા યા નિષ્ફળ હતા. તેઓ જીવનની પરીક્ષામાં ફુલ્લી-ફર્સ્ટક્લાસ પાસ થયા છે, ત્યારે પરીક્ષાને ‘પ્રેશર’ તરીકે નહીં પણ ‘પ્લેઝર’ તરીકે વિદ્યાર્થી લે તેવી સ્થિતિનું નિર્માણ કરવાની જરૂર છે. નકલ કરનાર વિદ્યાર્થી કરતાં નકલ કરાવનારાઓ તરફ વધુ કડક બનવાની આવશ્યકતા છે, વળી પરીક્ષાના બોજની સાથે સાથે વધુ ટકા મેળવવાની મા-બાપની અપેક્ષાના આતંકને પણ ઘટાડવાની જરૂર છે.

;