વડોદરાનો હત્યારો વિદ્યાર્થી મોડીરાતે વલસાડમાં ઝડપાયો, આજે હકિકત ઉપરથી પડદો ઉંચકાશે - Sandesh
  • Home
  • Baroda
  • વડોદરાનો હત્યારો વિદ્યાર્થી મોડીરાતે વલસાડમાં ઝડપાયો, આજે હકિકત ઉપરથી પડદો ઉંચકાશે

વડોદરાનો હત્યારો વિદ્યાર્થી મોડીરાતે વલસાડમાં ઝડપાયો, આજે હકિકત ઉપરથી પડદો ઉંચકાશે

 | 9:23 am IST

ભારતી સ્કુલના ટોયલેટમાં ધો.૯ના વિદ્યાર્થીની હત્યા કરીને ફરાર થઈ ગયેલો વિદ્યાર્થી મોડીરાતે વલસાડમાં પકડાયો હોવાનું જાણવા મળ્યુ છે. આવતીકાલે સવાર સુધીમાં આરોપીને વિદ્યાર્થીને વડોદરા લઈ આવવામાં આવે તેવી શકયતા છે. કાયદાના સંઘર્ષમાં આવેલા ધો.૧૦માં ભણતા વિદ્યાર્થી આરોપીને વડોદરા ખાતે લવાયા બાદ હત્યાનું સાચુ કારણ અને ખુન કરવા માટે મદદગારી કરનારા બીજા વિદ્યાર્થીઓના નામો ઉપરથી આજે પડદો ઉંચકાશે.

ફોરેન્સીક સાયન્સ લેબના નિષ્ણાંતના અભિપ્રાય પ્રમાણે એક કરતાં વધુ હુમલાખોરોએ હત્યાની ઘટનાને અંજામ આપ્યો છે. એક સાથે ઉપરા છાપરી ૩૦ જેટલા ઘા ઝીંકવા તે એક વિદ્યાર્થીનું કામ નથી. હવે પ્રશ્ન એ છે કે, હત્યા માટે બીજા કેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા અને એવુ તો શું કારણ હતુ કે આટલા ઝનૂન પૂર્વક ઘા ઝીંકીને બેરહેમી પૂર્વક હત્યા કરવામાં આવી છે. જો કે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલાઈ જશે.

હાલના તબક્કે એટલો તર્ક છે કે, મરનાર વિદ્યાર્થી અને હુમલાખોર વિદ્યાર્થી બંન્ને એક જ વિસ્તારમાં રહે છે. હુમલાખોર વિદ્યાર્થી છેલ્લા એક વર્ષથી ભારતી સ્કુલમાં ભણે છે જયારે દેવનો શુક્રવારે સ્કુલમાં ૩જો દિવસ હતો. સ્કુલમાં કોઈ અણ બનાવ બન્યો હોય તેવી શકયતા નહિ બરાબર છે પરંતુ આ અદાવત તેના ઘર અને આસપાસને લગતી હોઈ શકે છે. જેનો ટૂંકા સમયગાળામાં ભેદ ઉકેલાઈ જશે.

હત્યા કરતી વખતે મદદગારીમાં બે વિદ્યાર્થીઓ સામેલ હોવાની આશંકા
હત્યાના કાવતરામાં બીજા બે વિદ્યાર્થીઓની સંડોવણી નીકળે તેવી શકયતા જોવાઈ રહી છે. તેની પાછળ પોલીસનો એવો તર્ક છે કે, હત્યા આવેશમાં આવીને થઈ નથી હત્યા કરવા માટે વિદ્યાર્થી આરોપી સ્કુલ બેગમાં હથિયારો સાથે લઈ આવ્યો હતો. દેવ બચે જ નહીં તેની પુરી તૈયારી સાથે ધો.૧૦નો વિદ્યાથી સ્કુલે આવ્યો હતો. આ કાવતરામાં અને હત્યયા કરતી વખતે દેવને પકડી રાખવામાં બીજા બે વિદ્યાર્થીઓ સામેલ હોય તેવી પોલીસને આશંકા છે.