વિદ્યાર્થીએ યાચક અને શિક્ષકે વાચક બનવાની જરૂર છે - Sandesh
NIFTY 10,972.30 -35.75  |  SENSEX 36,373.24 +-146.72  |  USD 68.6200 +0.17
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • વિદ્યાર્થીએ યાચક અને શિક્ષકે વાચક બનવાની જરૂર છે

વિદ્યાર્થીએ યાચક અને શિક્ષકે વાચક બનવાની જરૂર છે

 | 2:00 am IST

કેળવણીના કિનારે :-  ડો. અશોક પટેલ

આજનો વિદ્યાર્થી અને આજનો શિક્ષક ખૂબ જ બિઝી બની ગયા છે. તેમનું આ બિઝીપણું તેમને શિક્ષણથી થોડે દૂર ખેંચી જાય છે. તેમને આ ખેંચાણમાં ખેંચાઈ જવાનો ક્યારેક આનંદ પણ આવે છે. આ ક્ષણભંગુર આનંદ તેના જીવન માટે કેટલાંક પ્રમાણમાં ઘાતક પણ નીવડે છે. આમ છતાં ક્ષણભંગુર આનંદ માટે ખેંચાઈ જતાં આ વિદ્યાર્થીઓ કે શિક્ષકો માટે શિક્ષણ-અભ્યાસ એ સાઈડ બિઝનેસ બની જાય છે. નરી વાસ્તવિકતા એ છે કે બંને પોતપોતાની જવાબદારી અને ફરજથી પરિચિત હોવા છતાં અન્ય બાબતોને પોતાનું ધ્યેય કે ફરજ બનાવી પોતાના જીવન માટે અધોગતિ નોંતરે છે.

આજનો વિદ્યાર્થી પરીક્ષામાં બેસવા માટે જરૂરી હજાર દિવસ પૂર્ણ કરવા માટે જ શાળા-કોલેજમાં આવતો હોય તેવું લાગે છે. ઘણી વાર વિચાર ઝંઝળાવે છે કે, શાળા-કોલેજમાં હાજરી પૂરવામાં ન આવતી હોય અને આવવા-જવા પર કોઈ જ રોકટોક ન હોય તો કેટલાં વિદ્યાર્થી નિયમિતપણે પૂરો સમય શાળા-કોલેજમાં હાજરી આપે ? તમારો અને મારો જવાબ સમાન જ હશે. આવું કેમ ? માટે જ કહી શકાય કે આજના વિદ્યાર્થી અને શિક્ષકો અભ્યાસેતર બાબતોમાં ખૂબ જ બિઝી બની ગયાં છે.

આજના વર્ગખંડની પરિસ્થિતિનો અનુભવ એ તારણ પર પહોંચાડે છે કે, આજના વિદ્યાર્થીને શિક્ષક સાથે ચર્ચા કરવાની કે કશુંક પણ પૂછવાની ઈચ્છા જ થતી નથી. હા, તેની પાછળ ક્યારેક કોઈ કારણ હશે જ, પણ એ કારણો એવાં તો નહીં જ હોય કે જે દૂર ન કરી શકાય. આજના વિદ્યાર્થીમાં જાણવાની ઈચ્છાશક્તિનો અભાવ અને ચલાવી લેવાની વૃત્તિનું પ્રમાણ મોટા પ્રમાણમાં જોવા મળે છે. જેના કારણે વર્ગખંડ કે શાળા-કોલેજના કેમ્પસમાં વિદ્યાર્થી-શિક્ષક વચ્ચેના સંવાદનો સૂર ભાગ્યે જ સાંભળવા મળે છે. આજના વિદ્યાર્થીને શિક્ષક પાસે માગતા કે વિનંતી કરતાં શરમ આવે છે. જેનાં કારણો હોઈ શકે, પણ અહીં કારણ કરતાં પરિણામને વધુ પ્રાધાન્ય અપાવું જોઈએ. વિદ્યાર્થીએ પોતાની યાચકવૃત્તિને ઉછેરવી પડશે અને પછી ઉશ્કેરવી પડશે. તેની આ યાચકતામાં નમાલાપણાનાં નહીં, પણ માલપણાનાં દર્શન કરવા જોઈએ. સાર્થ જોડણીકોશ મુજબ ‘યાચક’નો અર્થ વિનંતી, માગણી, પ્રાર્થના એવો કરવામાં આવ્યો છે. તે મુજબ જોઈએ તો આ ત્રણે બાબતો વિદ્યાર્થી અવસ્થા માટે ખૂબ જ મહત્ત્વની ગણી શકાય. વિદ્યાર્થીને પોતાનું વિદ્યાર્થીપણું ખીલવવા માટે આ ત્રણે બાબતોને આસ્થાપૂર્વક સ્વીકારવી પડશે, દિલ અને દિમાગ સાથે જોડવી પડશે.

વર્ગખંડમાં વિદ્યાર્થી સતત રણકતો હોવો જોઈએ. તેના મનમાં પ્રશ્નો ઊભા થવા જ જોઈએ. પ્રશ્નો જ પ્રગતિની નિશાની છે. માત્ર પ્રશ્નો ઊભા થાય તેટલું પૂરતું નથી. એ પ્રશ્નો વિદ્યાર્થીએ વર્ગમાં પૂછવા જ જોઈએ. આજના વિદ્યાર્થીને શિક્ષક સામે પોતાના પ્રશ્નને રજૂ કરવામાં સંકોચ થતો જોવા મળે છે. આ સંકોચને સાચવી રાખવામાં સંતોષ માનતા વિદ્યાર્થીઓનો ભેટો સંતાપ સાથે થાય છે, સફળતા સાથે નહીં. વર્ગખંડમાં શિક્ષક દ્વારા પીરસવામાં આવતી વાનગીનો સાચો સ્વાદ ત્યારે જ મળશે કે જ્યારે તમે બરાબર ચાવી શકશો. સાચો સ્વાદ માણવા અને તેનું શક્તિમાં રૂપાંતર કરવા માટે શિક્ષક સાથે વધુ ચર્ચા કરો, પ્રશ્નો પૂછો. શિક્ષક સારું ભણાવે, ચોક્કસ અને પૂરતાં શૈક્ષણિક સાધનો સાથે જ વર્ગમાં આવે તેવી લાગણી અને માગણી વિદ્યાર્થીઓએ ભાન ભૂલેલા શિક્ષકો સમક્ષ કરવી જોઈએ. સાથે સંચાલકો કે સરકાર સામે પણ પૂરતી સગવડતા માટે માગણી કરતા સંકોચ અનુભવવો જોઈએ નહીં.

ઈન્ટરનલ માર્ક્સ, ખૂટતી હાજરી કે વહેલા ઘરે જવાની રજા માગતા શરમ ન અનુભવતા વિદ્યાર્થીને શૈક્ષણિક પ્રશ્નો પૂછવામાં શરમ આવે છે ! આવા વિદ્યાર્થી માટે શું સમજવું ? વિદ્યાર્થીએ એવી કેટલીક સામગ્રી સાથે વર્ગખંડમાં પ્રવેશ કરવો જોઈએ કે જેથી શિક્ષક સાથેના સંવાદમાં મજા પડી જાય. આ સમયે બંને પક્ષે સ્નેહ જીતરવો જોઈએ. પોતાને શું નથી આવડતું કે કઈ બાબતમાં શું મુશ્કેલી પડે છે કે, વધારે જાણવા માટે શું વાંચવું જોઈએ વગેરે માગણી વિદ્યાર્થી દ્વારા વર્ગમાં થવી જોઈએ. અહીં એક નવો વિચાર મૂકવાની ઈચ્છા રોકી શકતો નથી કે દરેક તાસના અંતે વિદ્યાર્થીનું મૂલ્યાંકન કરવામાં માટે પાંચ મિનિટનો સમય ફાળવવામાં આવે છે તેમ વિદ્યાર્થીની યાચકતા માટે પણ ચાર-પાંચ મિનિટનો સમય ફાળવવો જોઈએ. જેમાં વર્ગખંડમાં જેનો અભ્યાસ શિક્ષકે કરાવેલ છે તેના અનુસંધાનમાં વિદ્યાર્થી શિક્ષકને પ્રશ્નો પૂછી પોતાની મૂંઝવણ દૂર કરી શકે, પોતે વધુ સ્પષ્ટ બની શકે. જે માટે પ્રથમ તો વિદ્યાર્થીએ યાચક બનવું પડે.

વિદ્યાર્થીની વાત કરીએ ત્યારે શિક્ષકને પણ યાદ કરવો જ રહ્યો. એક પ્રશ્ન થાય છે કે આજે કેટલાં શિક્ષકને ઘરે પોતાની અલગ નાની સરખી લાઇબ્રેરી છે ? આ તો એના જેવી વાત થઈ કે એક ખેડૂત હોય પણ તેની પાસે હળ, ગાડું, કોદાળી જેવાં ખેતીના ઓજાર ન હોય. તે ખેડૂત કેવી ખેતી કરતો હશે ? જો તેનું પ્રોડક્શન કેટલું હશે ? જો ખેડૂત માટે આવું વિચારતાં હોઈએ તો શિક્ષક માટે કેમ નહીં ? જે શિક્ષક પૂરતું વાંચતો ન હોય તે વર્ગખંડમાં કેટલું અને કેવું ભણાવતો હશે ? તેની સ્થિતિ પણ પેલા ખેડૂત જેવી જ ગણાય. શું શિક્ષકે માત્ર પાઠયપુસ્તકમાં આપેલું જ ભણાવવાનું છે ? જો એમ જ હોય તો કેટલાંક બાળકોના વાલી પણ તે કામ પોતાના ઘરે જ સારી રીતે કરી શકે તેમ છે. તો ત્યાં શિક્ષક કે શાળાની શી જરૂર પડે ? શિક્ષક પોતાના વિષયને લગતું સંદર્ભ સાહિત્ય વાંચવું જોઈએ. જેથી ઊંડાણભર્યું જ્ઞાન પીરસી શકે.

માત્ર પોતાના વિષયનું વાંચવાથી પણ નહીં ચાલે. અન્ય વિષયનું પણ વાંચન કરવું જોઈએ. તેમ કરવાથી અધ્યાપન દરમિયાન જુદા જુદા વિષયો વચ્ચે અનુબાંધ સાધી શકાશે. આમ થવાથી વિદ્યાર્થીને રસ પડશે અને સરળતાથી સમજી શકશે. અન્ય એક વાસ્તવિકતા એ પણ છે કે, ઉચ્ચતર શિક્ષણ લેવલ પર દરેક વર્ગખંડમાં પાંચ-દસ ટકા વિદ્યાર્થીઓ એવા પણ જોવા મળશે કે તેઓ શિક્ષક કરતાં પણ વધુ વાંચતા હોય અને પ્રચાર માધ્યમો જોતાં હોય. આવા વિદ્યાર્થીઓને ઘણી વખત શિક્ષક તરફથી પિરસાતું ભાવતું નથી કે ઓછું પડે છે. માટે જ શિક્ષકોએ વધુ વાંચીને આવા વિદ્યાર્થીઓને સંતોષ આપવા પણ પ્રયત્નો કરવા જોઈએ.

દરેક શિક્ષકે એક બાબત વિચારીને તેમાંથી પ્રેરણા લેવા જેવી છે. દરેક શાળા-કોલેજમાં જુદા જુદા શિક્ષકોને વિદ્યાર્થીઓ જુદી જુદી નજરે જુએ છે. કેમ ? કેટલાંક શિક્ષક શિક્ષા કરતા હોય છે અને ક્યારેક કઠોર વર્તન પણ કરતા હોય છે.

આમ છતાં તેઓ જ્ઞાની હશે અને વર્ગખંડમાં સારું ભણાવતા હશે તો તેવા શિક્ષકને વિદ્યાર્થીઓ પૂરતો આદર આપતા હશે. બીજી બાજુ જે શિક્ષક વિદ્યાર્થી સાથે મિત્રભાવે વર્તન કરતો હોય પણ ઓછો જ્ઞાની હોય અને વર્ગખંડમાં વેઠ ઉતારતો હશે તો તેની વિદ્યાર્થીઓ ઠેકડી ઉડાડતા હશે, માનની નજરે જોતા પણ નહીં હોય. માટે જ પોતાની પ્રતિષ્ઠા માટે પણ શિક્ષકે વાંચન કરવું જરૂરી છે જ. આજે ઘણાં શિક્ષક અન્ય વ્યવસાયમાં એટલા તો બિઝી બની ગયા હોય છે કે, આવા બિચારા શિક્ષકોને વાંચવાનો સમય પણ મળતો નથી. પરિણામ ભોગવવું પડે છે વિદ્યાર્થીઓને!

આપણે અપેક્ષા રાખીએ કે શિક્ષક વાંચતો થાય. જો તે વાંચશે તો તેના વિદ્યાર્થીઓ પણ વાંચશે. વાચક શિક્ષક હશે તો યાચક વિદ્યાર્થી પણ મળશે અને જો યાચક વિદ્યાર્થી હશે તો વાચક શિક્ષક પણ મળશે. આ બંનેમાંથી એકની લોટરી લાગી જાય તો બીજી બાબત આપોઆપ ગોઠવાઈ જશે, પણ એટલી અધૂરી આશા કેમ રાખવી. આપણે સૌ ઈચ્છા, આશા, અરમાન અને શ્રદ્ધા રાખીએ કે યાચક વિદ્યાર્થી અને વાચક શિક્ષકનો સંગમ થાય. યાચક વિદ્યાર્થી અને વાચક શિક્ષક જીવંત પાત્રોના ઉદાહરણ છે. તેઓમાં ભારોભાર જીવંતતા ભરેલી હોય છે. આવું બને તો શિક્ષણમાં દરરોજ સોનાનો સૂરજ ઊગે.

;