વિદ્યાર્થી ઉવાચઃ અરે... કોઇ સાંભળો તો ખરાં, મને કોઇ બોલવા તો દો!  - Sandesh
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Sanskar
  • વિદ્યાર્થી ઉવાચઃ અરે… કોઇ સાંભળો તો ખરાં, મને કોઇ બોલવા તો દો! 

વિદ્યાર્થી ઉવાચઃ અરે… કોઇ સાંભળો તો ખરાં, મને કોઇ બોલવા તો દો! 

 | 3:19 am IST

મધુવનની મહેકઃ ડો. સંતોષ દેવકર

‘ડોક્ટર.’

‘એન્જિનિયર.’

‘ના… ડોક્ટર.’

‘એકવાર કહ્યું ને, એન્જિનિયર.’

‘ના… મારો લાડકો તો પોલીસ ઈન્સ્પેક્ટર જ બનશે અને વટ પાડશે.’

‘છોડો…. બધી વાતો… ફર્માસિસ્ટ જ બરાબર છે.’

‘છાના માના…. શિક્ષક બની જાવ, પૈસા ય મળશે અને વટ તો આપોઆપ પડશે.’

ધો-૧રના રિઝલ્ટ પછી ઘરના તમામ સભ્યો પોતપોતાનો મત રજૂ કરતા હતા. દીકરો શું બનશે તેની ચર્ચાએ જોર પકડયું હતું. જેને બનવાનું છે તે વિદ્યાર્થીને તો હજી ખબર જ ન હોતી કે આ બધી ચર્ચા શા માટે છે. દર વર્ષની જેમ ધો-૧રનું રિઝલ્ટ વાલી માટે મૂંઝવણનું પોટલું લઈને આવતું હોય છે. અપેક્ષા મુજબ ન આવે તેનું નામ જ રિઝલ્ટ. શું ઔકરવું ? કયાં જવું? કઈ લાઈન લેવી? કઈ દિશા પકડવી? વગેરે પ્રશ્નોથી મગજ હેન્ગ થઈ જતું હોય છે.

‘ડોક્ટર બનજે.’

‘ના…એન્જિનિયર બનજે….’

‘ના… ના… તારે તો પોલીસ ઓફ્સિર બનવાનું છે.’

‘બસ… બસ…. બસ….. હવે મને તો કોઈ સાંભળો. મને તો બોલવા દો. મને તો નક્કી કરવા દો. મને તો નિર્ણય લેવા દો કે મારે શું કરવું જોઈએ. મારે શું બનવું છે. મને મારી જાતે, મારી રીતે, મારી દિશા નક્કી કરવા દો.’ વિદ્યાર્થીએ છેવટે અકળાઈને -હિંમત કરીને બધાને સંભળાવ્યું.

કરુણતા એ છે કે વિદ્યાર્થીને કોઈ પૂછતું જ નથી કે તને શેમાં રસ છે? તારી ઈચ્છા શું છે? તું શું કરવા માગે છે? વિદ્યાર્થીને કયા વિષયમાં રસ છે, નક્કી કરે કોણ? કયા ક્ષેત્રમાં કારકિર્દી બનાવવી છે તે કહે કોણ? મોટે ભાગે વિદ્યાર્થી પોતે નક્કી નથી કરી શકતો કે તેને કઈ દિશામાં જવું છે. આપણું શિક્ષણ તેમાં સહેજ પણ મદદરૂપ થતી નથી. સમગ્ર ગુજરાતના શિક્ષણની વાત કરીએ તો ધોરણ ૧થી ૧ર સુધીમાં કયાંય વ્યાવસાયિક કારકિર્દી વિશેનું નિયમિત અને સઘન માર્ગદર્શન મળતું નથી. હા, કેટલાક અપવાદ હોઈ શકે !

જે શિક્ષણ રોજગારી ન આપી શકે તે શિક્ષણ શું કામનું? જે શિક્ષણ સંસ્કારનું સિંચન ન કરી શકે તે શિક્ષણની જરૂર શી? ડિગ્રી મેળવીને બેકારીની લાઈનમાં જ ઊભા રહેવાનું હોય તો મેળવેલી ડિગ્રી શું કામની? વગેરે જેવા સવાલો આજના યુવા મગજમાં ઘમસાણ મચાવી રહ્યા છે.

આજે રોજગારી આપે તેવા શિક્ષણની અને સંસ્કારનું સિંચન કરે તેવી કેળવણીની તાતી જરૂર છે. આ દેશનો નવો સળગતો પ્રશ્ન છે : યુવા બેકારીનો. આજનો યુવા વ્યવસાય કરવાનું સાહસ કેળવી શકે, પોતાનું ગુજરાન ચલાવી શકે, કુટુંબનું ભરણપોષણ કરી શકે તેવા રોજગારલક્ષી શિક્ષણની અનિવાર્યતા છે.

‘ડોક્ટર અને એન્જિનિયર’ આ બે શબ્દોમાં ગુજરાતનું વ્યાવસાયિક શિક્ષણ પૂરું થઈ જતું હોય તેવો વહેમ પડે છે. કોઈપણ મા-બાપ પોતાના વિદ્યાર્થી માટે આ બે શબ્દોની આગળ વિચારવાનું સામર્થ્ય ખોઈ બેઠેલા માલુમ પડે છે. હશે, મા-બાપની કેટલીક મર્યાદા હોય તે સ્વાભાવિક છે, પરંતુ બધા શિક્ષકો વ્યાવસાયિક માર્ગદર્શન આપી શકે તેવી ત્રેવડ ધરાવતા ન હોય તેવું બને. પરિણામે ફ્લાણાએ ફ્લાણી કોલેજમાં એડમિશન લીધંુ એટલે મેં પણ લઈ લીધું. જેવા ગાડરિયા પ્રવાહનો જન્મ થતો હોય છે.

ખરેખર તો પ્રાથમિક કક્ષાએથી જ વ્યાવસાયિક માર્ગદર્શન મળતંુ થવું જોઈએ. વિદ્યાર્થી પોતાનું ક્ષેત્ર જાતે પસંદ કરે તેવું વાતાવરણ સર્જાવું જોઈએ.

આગામી પાંચ વર્ષ કે દસ વર્ષ પછી પસંદ કરેલ ક્ષેત્રની કેવી સ્થિતિ હશે તેવું દીર્ઘ દ્રષ્ટિવાળું માર્ગદર્શન મળવું જોઈએ. વિદ્યાર્થીને નિર્ણય લેવામાં માત્ર મદદરૂપ થવાનું છે. તેમાં પોતાના વિચારો, નિર્ણયો કે અપેક્ષાઓ વિદ્યાર્થી પર ઠોકી બેસાડવાના નથી. વિદ્યાર્થી સાચા અર્થમાં વિદ્યાનો ઉપાસક બને તેવા પ્રયત્નો થાય તો, અર્થ સરે.

મિસરી

‘ સર્વની સર્વતોમુખી

મુકિત એટલે

વિદ્યા ‘

(ગુજરાતી કેળવણી પરિષદ)

– અજ્ઞાાત

[email protected]