વિદ્યાર્થીઓ માટે વિશ્વવિદ્યાલયોમાં શિક્ષકો જ નથી! - Sandesh
  • Home
  • Columnist
  • વિદ્યાર્થીઓ માટે વિશ્વવિદ્યાલયોમાં શિક્ષકો જ નથી!

વિદ્યાર્થીઓ માટે વિશ્વવિદ્યાલયોમાં શિક્ષકો જ નથી!

 | 4:26 am IST

કરન્ટ અફેર  :-  આર. કે. સિંહા

હવે દેશભરની કોલેજોમાં નવા સત્ર માટે વિદ્યાર્થીઓની પ્રવેશપ્રક્રિયાનો પ્રારંભ થઈ ગયો છે. ટોચની યુનિવર્સિટીની નામાંકિત કોલેજોમાં પ્રવેશ મેળવવા માટે ભારે સ્પર્ધા થઈ રહી છે. ૯૦ ટકાથી વધુ માર્ક મેળવનારા મેધાવી વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને પણ ભરોંસો નથી કે તેમને તેમની પસંદગીની કોલેજ અને વિષયમાં પ્રવેશ મળશે જ. આ તો એક બાજુનું ચિત્ર છે, બીજી બાજુ તો વધુ ખરાબ અને ભયાવહ છે. તેને જાણનારાઓને અંધકારમય ભવિષ્યની ચિંતા થવા લાગે છે.

વાસ્તવમાં, દેશની ટોચની યુનિવર્સિટીઓમાં અધ્યાપકોનાં પદ મોટી સંખ્યામાં ખાલી છે. અહીં ટોચની યુનિવર્સિટીનો અર્થ કેન્દ્રીય યુનિવર્સિટીઓ છે. હાલમાં જ એક આરટીઆઈ દ્વારા મળેલી જાણકારી અનુસાર, દેશનાં ૪૦ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયોમાં ૩૩ ટકા અધ્યાપકોનાં પદ ખાલી છે. સૌથી ભયાવહ સ્થિતિ અલ્હાબાદ અને દિલ્હી યુનિવર્સિટીની છે. આ સ્થિતિ ગયા જાન્યુઆરી સુધીની છે. ક્યારેક દેશની સૌથી બહેતરીન ગણાતી અલ્હાબાદ યુનિવર્સિટીમાં તો લગભગ ૬૪ ટકા અધ્યાપકોની જગ્યા ખાલી પડી છે. હવે દિલ્હી યુનિવર્સિટીના હાલ પણ જુઓ, તેમાં અધ્યાપકોનાં ૪૭ ટકા પદ ખાલી છે. હવે તમે વિચારો કે આપણી યુનિવર્સિટીઓમાં કેવા પ્રકારની અરાજકતા અને અવ્યવસ્થા ચાલી રહી છે, જ્યારે વિશ્વવિદ્યાલયોમાં અધ્યાપક જ ન હોય ત્યારે એ વિદ્યાર્થીઓને ભણાવશે કોણ? પ્રવેશ માટે ભર તડકામાં ધક્કા ખાવાનો અર્થ શો રહી જશે?

કોન્ટ્રાક્ટ પર લેવાતા શિક્ષક ચલાવે છે યુનિવર્સિટી

પાતાને ત્યાં અધ્યાપકોની અછત પૂરી કરવા માટે આ વિશ્વવિદ્યાલયોએ એક સરળ અને ભ્રષ્ટ માર્ગ પસંદ કર્યો છે. આ શિક્ષકોની કોન્ટ્રાક્ટ પર નિયુક્તિ કરાય છે. તેમની પાસેથી જ વર્ગો ચલાવાય છે. યોગ્યતા સાથે પણ સમજૂતી અને ઓછા પૈસા આપીને કોઈ પણ સમયે કાઢી મૂકવાના ડરથી શોષણ પણ. હાલ તો દેશભરનાં કેન્દ્રીય વિશ્વવિદ્યાલયોમાં હજારો કોન્ટ્રાક્ટ પર કામ કરતા હંગામી શિક્ષકો કામ કરે છે. આ અધ્યાપકોએ તમામ કામ કરવાનાં હોય છે, જે કામ નિયમિત(કાયમી) શિક્ષક કરે છે પણ તેમને પગારના નામે મળે છે ફક્ત બે કોડી.

જો વાત ફરીથી અલ્હાબાદની કરીએ તો ત્યાં જુનિયર રિસર્ચ સ્કોલર પણ વર્ગ લે છે. તેમને દર મહિને વર્ગમાં કામ કરવા બદલામાં ૩૦ હજાર રૂપિયા પગાર મળે છે. તેઓ ભણાવતા રહે તો સંશોધન શું કરશે? દિલ્હી યુનિવર્સિટીમાં જ લગભગ ૩,૫૦૦ આ પ્રકારના શિક્ષક છે. એ તમામ કોન્ટ્રાક્ટ પર વર્ષોવર્ષ કામ કરતા રહેતા હોય છે. તેમને એવી આશા હોય કે ક્યારેક તો તેમના જીવનમાં કાયમી શિક્ષકની ખુશી મળશે. દિલ્હી વિશ્વવિદ્યાલયમાં સ્થાયી અધ્યાપકોની ભરતી લગભગ એક દાયકાથી બંધ જેવી જ છે. ક્યારેક ક્યારેકની વાત જુદી છે. હંગામી શિક્ષકોને ચાર મહિના બાદ કેટલાક દિવસોનો બ્રેક અપાયા બાદ ફરીથી રાખી લેવાય છે. અંધકારમય ભવિષ્ય સામે ઝઝૂમ્યા બાદ અનેક અધ્યાપક અવસાદ અને તણાવમાં રહેવા લાગે છે. આ કારણે તેઓ કેટલાય રોગોનો ભોગ બને છે. એક તરફ તેમનો પગાર બહુ ઓછો છે, બીજી તરફ તેમને પ્રોવિડન્ટ ફંડ અને કર્મચારી વીમાનો લાભ મળતો નથી. મતલબ કે જે વ્યક્તિ સ્થાયી અધ્યાપકની તમામ યોગ્યતાઓ પૂરી કરતી હોય તેને તમે તેના કાયમી સહકર્મીની સમક્ષ કાંઈ ગણતરીમાં લેતા જ નથી. કેન્દ્રીય વિશ્વવિદ્યાલયમોમાં કાયમી અધ્યાપક દોઢ-બે લાખ રૂપિયા મહિને પગાર મેળવે છે અને વર્ગ લે છે, હંગામી શિક્ષકો કરતાં પણ ઓછા. તેમને તમામ ભથ્થાં અને અન્ય સુવિધા મળે છે, હવે નિવૃત્ત થતા અધ્યાપકોને પણ લગભગ એક લાખ રૂપિયા સુધીનું પેન્શન પણ મળે છે પણ હંગામી અધ્યાપકો કોઈ રોગનો શિકાર થતાં કે ગર્ભવતી થતાં નોકરી ગુમાવવી પડે એ નિશ્ચિત છે. વાસ્તવમાં થાય એવું કે તમામ પોતાની ચામડી બચાવવામાં લાગેલા છે. આ યુનિવર્સિટીઓએ હંગામી એટલે કે એડહોક શિક્ષકોને નોકરીએ રાખ્યા છે જેથી એમ લાગે કે તમામ ધોરણ બરાબર ચાલી રહ્યાં છે, જોકે વાસ્તવિકતા એ નથી.

કિસ્મતના ભોગ

આ બિચારા નસીબના ભોગ બનેલા શિક્ષક શોષણ, માનસિક પરિતાપ અને વધુ કામના શિકાર થઈ રહ્યા છે. આ વિષમ પરિસ્થિતિઓમાં તમે કોઈ અધ્યાપક પાસેથી તે પોતાનું શ્રેષ્ઠ આપે એવી કઈ રીતે આશા રાખી શકો? જે વ્યક્તિના માથે ચોવીસે કલાક પોતાની નોકરી જવાનો ભય રહેતો હોય તેની પાસે તમે શું આશા કરી શકો?

તેને કોઈ પણ કારણ જણાવ્યા વિના નોકરીમાંથી કાઢી મૂકી શકો છો. તેમની સ્થિતિ દહાડિયા મજૂરોથી બદતર છે. જે દિવસોમાં કોલેજોમાં ગરમીની રજા રહે છે, એ દિવસે તેમની પાસે કોઈ કામ હોતું નથી. તેમને જુલાઈમાં ફરી કોલેજની નોકરી મળી જતી હોય છે. મતલબ કે તેમનાં જીવનમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યા બાદ પણ અવરોધ જ હોય છે. તેમની નોકરી કોલેજના પ્રધાનાચાર્ય કે પછી વિભાગાધ્યક્ષની રહેમ પર ચાલે છે. એ બિચારા પોતાની ન્યૂનતમ અને યોગ્ય માગણી માટે પણ અવાજ સુદ્ધાં ઉઠાવી શકતા નથી. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે તેમને કોલેજોમાં પોતાના વરિષ્ઠ અધ્યાપકોના વર્ગ લેવા પણ મજબૂર કરવામાં આવે છે. તેમને વર્ષોથી ભણાવવા છતાં ૩૦ હજાર રૂપિયા પગાર મળે છે. તમે પીએચડી છો કે એમફિલ તેનાથી કોઈ જ ફરક પડતો નથી, તમારે તો ઝઝૂમવાનું જ છે.

તો શું કરાય?

કોઈ પણ યુનિવર્સિટી માટે એ આવશ્યક છે કે તે પોતાને ત્યાં હંગામી શિક્ષકો ઓછામાં ઓછા રાખે અને તેમને પણ સમયાંતરે કાયમી કરતા રહે. તેમને સ્થાયી અધ્યાપકો જેટલું જ વેતન મળે અને અન્ય લાભ પણ મળે. હા, તેમની સાથે જ યુનિવર્સિટીએ પણ એ જોવું રહ્યું કે તમામ શિક્ષકો પોતાનો વર્ગ બરાબર લે છે કે કેમ? જેમના વર્ગના વિદ્યાર્થીઓનો દેખાવ વારંવાર ખરાબ હોય તેવા અધ્યાપકો ઉપર કડક પગલાં લેવામાં આવે. સ્થાયી નોકરી મળવાનો અર્થ શિક્ષક એવો ન સમજે કે હવે તે મજા જ કરતો રહેશે. દુર્ભાગ્યવશ આપણા દેશની યુનિવર્સિટીઓમાં અનેક અધ્યાપકોમાં આ માનસિકતા ઘણી હદ સુધી ઘર કરી ગઈ છે કે કાયમી બન્યા બાદ હવે કામ કરવાની જરૂર નથી. કાયમી નોકરીનો પત્ર મળે એ બાદ તે આંદોલન અને ક્રાંતિ કરવાના મૂડમાં રહેવા લાગે છે, રાજનીતિ વધુ કરે છે. એમ જોઈએ તો ત્યારે તેમને પોતાની ફરજ બહેતર રીતે બજાવવી જોઈએ પણ સામાન્ય રીતે એમ થતું નથી. તમને ગણતરીના જ શિક્ષક મળશે જે કાયમી નોકરી પછી પણ ગંભીર રીતે સંશોધન કરતા રહે છે. આ માનસિકતા પર કઠોર પ્રહાર કરવાની આવશ્યકતા છે પણ સૌથી પહેલાં તો યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન(યુજીસી)ને તરત એ જોવું જોઈએ કે તમામ કેન્દ્રયી વિશ્વવિદ્યાલયોમાં લાંબા સમયથી ખાલી પડેલાં પદો ભરવામાં આવે. તેમની ફરજ છે કે તે દેશની તમામ સરકારી યુનિવર્સિટીઓનાં કામકાજથી લઈને તેમના પાઠયક્રમ વગેરે પર પણ નજર રાખે. એ બોગસ યુનિવર્સિટીઓની વિરુદ્ધ એકશન લે, જે બાળકોની કેરિયર સાથે ચેડાં કરે છે. શું યુજીસી આ પ્રકારે પોતાનાં કામને કરી રહી છે? નહીં જ. જે દિવસથી યુજીસીમાં આ રીતે કામ થવા લાગશે ત્યારે દેશની યુનિવર્સિટીઓની હાલતમાં સુધારો થશે.

(લેખક રાજ્યસભાના સભ્ય છે)

;