સુશાંત સિંહ આત્મહત્યા કેસમાં સુબ્રમણ્યમ સ્વામીએ કર્યો સનસનાટીપૂર્ણ ખુલાસો,- જો મોં ખોલ્યું તો.. - Sandesh
  • Home
  • Featured
  • સુશાંત સિંહ આત્મહત્યા કેસમાં સુબ્રમણ્યમ સ્વામીએ કર્યો સનસનાટીપૂર્ણ ખુલાસો,- જો મોં ખોલ્યું તો..

સુશાંત સિંહ આત્મહત્યા કેસમાં સુબ્રમણ્યમ સ્વામીએ કર્યો સનસનાટીપૂર્ણ ખુલાસો,- જો મોં ખોલ્યું તો..

 | 9:52 pm IST

ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપુત કેસમાં સનસનાટીપૂર્ણ ખુલાસો કર્યો છે. સ્વામીએ કહ્યું છે કે, સુશાંતના મોત બાદ મેં તેના નજીકના સંબંધી સાથે વાતચીત કરી હતી. કારણ કે, હું તેમને પહેલાથી જ ઓળખુ છું. સુશાંતે આત્મહત્યા કરી ત્યારની આ વાત છે. સુશાંતના આ સગાએ મને કહ્યું હતું કે, જો તેમને (સુશાંતની મોત પાછળ જે લોકો જ્વાબદાર છે) ખબર પડશે કે મેં તમારી (સુબ્રમણ્યમ સ્વામી) સાથે વાતચીત કરી છે અને મેં આ મામલે મોઢું ખોલ્યું તો અમારી પણ હત્યા થઈ શકે છે.

સુશાંતના પરિવારે FIR કરાવવામાં આખરે 43 દિવસ સુધી રાહ કેમ જોઈ? આ મામલે સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું હતું કે, સુશાંતનો પરિવાર ખુબ ડરેલો હતો. જો સુશાંતના પ્રશંસકો અને માધ્યમોમાં આ કેસ આટલો ઉછળ્યો ના હોત તો તેના પરિવારજનોમાં આજે પણ આ પગલુ ભરવાની હિંમત ના થઈ હોત.

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપુત આત્મહત્યાને લઈને એક તરફ આજે તેના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી પર અનેક સનસનાટીપૂર્ણ આરોપ લગાવવામાં આવ્યા છે. તો બીજી બાજુ ભાજપના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ સુશાંત સિંહ રાજપૂત કેસમાં અનેક સનસનાટીપૂર્ણ ખુલાસા કરતા ફરી એકવાર આ હાઈપ્રોફાઈલ કેસ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું હતું કે, બોલિવૂડમાં ગેંગ છે, જે દુબઈમાં બેઠેલા માફિયાઓ સાથે સંકળાયેલી છે. તેમના સંબંધો આઈએસઆઈ અને પાકિસ્તાન સાથે પણ છે. તેમની સાફ સફાઈ કરવી જરૂરી છે અને સુશાંત સિંહ રાજપુત કેસના બહાને તેની શરૂઆત થઈ ચુકી છે. સ્વામીએ જણાવ્યું હતું કે, અભિનેતા સુશાંતના એક સગાએ તેમને જણાવ્યું હતું કે, જો અમે આ મામલે કંઈ પણ બોલીશું તો તેમની પણ પરિવાર સહિત હત્યા કરી નાખવામાં આવશે. આ મામલો તેના ચાહકો અને મીડિયા દ્વારા ભારે જોરશોરથી ઉછાળવામાં આવતા આખરે અભિનેતાની આત્મહત્યાના 43 દિવસ બાદ તેના પરિજનોએ પોલીસ ફરિયાદ કરવાની હિંમત કરી હતી.

સ્વામીએ વધુમાં ઉમેર્યું હતું કે, આ મામલે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અને તેમણે આ મામલે સંજ્ઞાન પણ લીધું છે. તેનો અર્થ એ છે કે, તેમણે આ મામલે રિપોર્ટ આપવામાં આવશે. આ મામલે સીબીઆઈની તપાસ કરવામાં આવે તેવી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે, સુશાંત સિંહ આત્મહત્યા કેસમાં આજે જ તેના પિતાએ રિયા ચક્રવર્તી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં રિયા વિરૂદ્ધ સુશાંતના 17 કરોડ રૂપિયા, ઘરની સામગ્રી, ઝવેરાત, સહિતની કિમતી વસ્તુઓ લઈ જવા સહિતના ગંભીર આરોપ લગાવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન