Success Story Groundnut Crop Cultivation At Gondal Farmer
  • Home
  • Agro Sandesh
  • ટૂંકા ગાળામાં મબલખ ઉત્પાદન માટે મગફળીના ઓળાનું વાવેતર કરતા ગોંડલના ખેડૂત 

ટૂંકા ગાળામાં મબલખ ઉત્પાદન માટે મગફળીના ઓળાનું વાવેતર કરતા ગોંડલના ખેડૂત 

 | 10:00 am IST

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ગુંદાસરા ગામના અન્ય એક ખેડૂત મગનભાઈ રાણપરિયાએ પણ છેલ્લાં ૧૫ વર્ષથી લીલી મગફળીના ઓળાની ખેતી અપનાવેલ છે. લીલી મગફળીના ઓળાની ખેતી કરવાનું કારણ જણાવ્યું કે મગફળીના ઓળામાં વીઘે ૫૦/૬૦ મણનું ઉત્પાદન અને સારી ક્વોલિટીના એક કિલોના રૂ.૪૦/૫૦ ભાવ મળે છેે વળી, ઓળાના પાક પાછળ તરત જ મરચી અથવા ડુંગળી-લીલા ધાણાનું વાવેતર કરી બીજા અને ત્રીજા પાક તરીકે સારી કમાણી કરી શકાય. માત્ર બે ધોરણ ભણેલા ખેડૂત મગનભાઈએ ચાલુ વર્ષે કુલ ૮ વીઘામાં સાદી ખેડ કરી વીઘે ૨૫ કિલો બીજ નાખી બે હાર વચ્ચે ૧૮ ઈંચના અંતરે એક ક્યારામાં ૪ હાર અને વૈશાખ માસ ઊતરતા મગફળીના લીલા ઓળાનું વાવેતર કર્યું હતું. ઉનાળે ચાસમાં વીઘે ૨/૩ ટ્રેલર છાણિયું ખાતર નાંખ્યું હતું એટલે પાયાના ખાતરની જરૂર નહીં.

મગફળીના લીલા ઓળાના પાકની મુદત ૩ માસ છે. આ પાકમાં પિયતની શું વ્યવસ્થા કરી એવો સવાલ કરતાં ખેડૂતે જણાવ્યું કે કોરામાં વાવેતર કર્યા બાદ પાછળ તુરંત જ પિયત આપ્યું હતું. પાક ઊગી નીકળ્યા બાદ તો વરસાદ થઈ ગયો પરંતુ ત્યારબાદ વચ્ચે ૩૦ દિવસ વરસાદ ખેંચાતા કૂવામાંથી પાણી રેલાવી આપ્યું હતું. વરસાદ ખેંચાઈ જવાથી પાકને માઠી અસરથી બચાવવા અને પોપટાના સારા બંધારણ માટે ખેડૂતે વીઘે ૧૨ કિલો પૂરક ખાતર નાખ્યું હતું પછી કોઈ ખાતર નહીં, કારણ કે શરૂઆતમાં વાવેતર સમયે જ પૂરક ખાતર આપ્યું હતું. મગફળીના લીલા ઓળામાં ઈયળ અને મચ્છી જેવી જીવાતનો ઉપદ્રવ આવતો હોય છે. આપણે રોગ-જીવાત આવે કે ન આવે રોગ નિયંત્રણ દવાનો છંટકાવ કર્યો હતો.

ઉત્પાદન અંગે ખેડૂતે કહેલું કે લીલા ઓળામાં વીઘે ૫૦/૬૦ મણનું ઉત્પાદન મળે અને વાડીએ બેઠા ઉધડ વેચાણ એક વીઘાના ૩૦/૩૨ હજાર રૂપિયા મળે. લીલા ઓળાની મગફળીનાં બીજ મોંઘાં હોવા છતાં વીઘે ૭થી ૮ હજાર રૂપિયાનો ખર્ચ બાદ કરતાં કુલ ૮ વીઘામાંથી અઢી લાખનું વેચાણ થવાની આશા છે. લીલા મગફળીના ઓળાની ખેતીમાં ટૂંકા ગાળામાં સારી કમાણી મળે છે. પાકના ઉતારા બાદ પાછળ બીજો કે ત્રીજો પાક પણ લઈ શકાય છે. આમ, ટૂંકાગાળામાં મબલખ ઉત્પાદન અને સારામાં સારી કમાણી આપતા હોવાથી મગફળીના ઓળાની ખેતી અમારા માટે ખૂબ જ ફાયદાકારક બની રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન