સફળતા મેળવવા બાહ્ય દેખાવની જરૂર હોઈ શકે? - Sandesh
  • Home
  • Supplements
  • Nari
  • સફળતા મેળવવા બાહ્ય દેખાવની જરૂર હોઈ શકે?

સફળતા મેળવવા બાહ્ય દેખાવની જરૂર હોઈ શકે?

 | 1:29 am IST

કૃપા ઠાકર

સિતાપુર જેવા નાના ગામમાં ઉછરેલી મિનલ ભણવામાં પહેલેથી જ હોશિયાર હતી, તેની આ ધગશ જોઇને મિનલના શિક્ષક રતન ભાઇએ તેના પિતાને જણાવ્યું કે મિનલને મોટા સિટીમાં ઉચ્ચ અભ્યાસાર્થે મોકલો, તે જીવનમાં ખૂબ આગળ વધશે એટલી તેજસ્વી છે. શરૂઆતમાં તો તેના પિતાએ આનાકાની કરી, પણ પછી દીકરીના ભવિષ્ય ખાતર માની ગયા. શરૂઆતના સમયે એટલે કે મિનલ દસમા ધોરણમાં હતી તે સમયે તો બાજુના સિતાપુરથી થોડા મોટા ગામમાં મિનલને ભણવા મોકલી, ત્યાં મિનલે જીલ્લા કક્ષાએ દસમા ધોરણમાં પહેલો નંબર મેળવી સાયન્સમાં એડમિશન મેળવ્યું. ત્યારબાદ બાર સાયન્સમાં પણ મિનલે આકર્ષક ટકાવારી મેળવી. પરિણામે મિનલની સ્કોલરમાંથી તેના પિતાને બોલાવીને મિનલને મેડિકલમાં એડમિશન લેવાની સલાહ આપી.

મિનલને મેડિકલમાં પણ ખૂબ જ સરળતાથી એડમિશન મળી ગયું અને આમ નાના ગામમાં ઉછરેલી મિનલને મેડિકલ ભણવા માટે એક નવા જ માહોલમાં આવવાનું થયું. અહીં પહેલા જ દિવસથી મિનલના લુકને જોઇને તેની મજાક ઉડાડવામાં આવી. મિનલને બહેનજીનાં નામનુ બિરુદ આપી દેવામાં આવ્યું હતું. માત્ર મિનલની ડ્રેસિંગ સેન્સ અને તેના લુકના કારણે મેડિકલ કોલેજમાં ભણતી હાઇફાઇ ઘરની છોકરીઓ મિત્રતા નહોતી કરતી. મિત્રતા તો દૂરની વાત હોસ્ટેલમાં મિનલ સાથે તેના રૂમમાં કોઇ રહેવા પણ તૈયાર નહોતું, અને મિનલને બોલાવવાનું પણ કોઇને યોગ્ય નહોતું લાગતું. મિનલ આ બધું જ સમજતી હતી. ઘણીવાર તેને વિચાર આવતો કે હું મારા લુકને ચેન્જ કરી નાંખું તો મારા ઘણાં મિત્રો થઇ જાય. પણ મિનલ સમજતી હતી કે પિતાજીએ તેના મેડિકલના સ્ટડી માટે ખૂબ પૈસા ખર્ચી નાખ્યાં હતાં. હવે તેનું લક્ષ્ય માત્ર મેડિકલમાં સારા માર્ક્સ લાવી મેડલ મેળવવાનું હતું, કારણ કે મિનલ જાણતી હતી કે માણસ તેના દેખાવ કરતાં તેના ગુણોથી ઓળખાય તે વધારે મહત્ત્વનું છે. આમ મિનલ તેના સહપાઠીઓની અવગણના સહન કરતી રહી, આગળ વધતી રહી. કેટલીકવાર તો એવુ બનતું કે તે કોઈની સાથે દોસ્તી કરવા જાય અને બધા જ ત્યાંથી ઊભા થઈને જતાં રહે. આવા  અપમાન તો મિનલને છાશવારે થતાં રહેતા. ક્યારેક ફોર્મની લાઈનમાં ઊભી હોય તો જાણે તેનું કંઈ અસ્તિત્વ જ ન હોય તેમ બધા તેને ધક્કે ચડાવીને આગળ વધતા જાય. ત્યારે મિનલને લાગી આવ્યું. તે સમજી ગઈ કે જેટલી મહેનત હું ભણવામાં કરું છું તેટલી મહેનત મારે મારી જાત પર પણ કરવી પડશે.  અંતે મેડિકલના અભ્યાસનો છેલ્લો દિવસ આવી ગયો.

આજે મિનલની કોલેજમાં કોન્વોકેશન ફંક્શન હતું. અહીં ફર્સ્ટ આવનાર સ્ટુડન્ટને ગોલ્ડમેડલ મળવાનો હતો. તે દિવસે બધા ખુશ હતા અને પોતપોતાના ગ્રૂપમાં બેસીને વાતો કરતાં હતાં, એટલામાં મંચ ઉપરથી એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું કે મેડિકલના અભ્યાસમાં પહેલો ક્રમાંક મેળવીને મિનલે ગોલ્ડ મેડલ મેળવ્યો છે. મિનલનું નામ આવતાં જ બધા અંદરોઅંદર ગુસપુસ કરવા લાગ્યા કે હમણાં બહેનજી પોતાનો સડેલો ડ્રેસ પહેરી ગોલ્ડ મેડલ લેવા આવી જશે. ત્યાં તો બધાના આૃર્ય વચ્ચે સુંદર ફોર્મલ વનપીસમાં એક અત્યંત દેખાવડી છોકરી સ્ટેજ ઉપર ચડી. તેના લાંબા કાળા વાળ તેના લૂકમાં ચાર ચાંદ લગાડતા હતાં. બધા જોવા માંડયા કે આ કોણ છે. ત્યારે જ મિનલના મેડમે બધાને જણાવ્યું આ આપણી મિનલ જ છે, જેને મેડિકલના અભ્યાસ દરમિયાન લોકો બહેનજી બહેનજી કહીને ચીડવતા હતા, તે જ મિનલ છે આ. માત્ર તેના લૂકના કારણે કોઇએ આટલો સમય તેની સાથે મિત્રતા નથી કરી. પણ મિત્રો લૂક કરતાં ગુણ વધારે મહત્ત્વના છે.

મિનલ જે લક્ષ્ય લઇને અહીં આવી હતી તે તેણે સિદ્ધ કરી બતાવ્યું છે. તેમજ આ સુંદર દેખાવડી છોકરીએ એ પણ સિદ્ધ કરી બતાવ્યું છે કે કોઇની પણ મદદ વગર એક સ્ત્રી ધારે તો કેટલી આગળ વધી શકે છે. તે દિવસે મિનલે થ્રૂ આઉટ ઇંગ્લિશમાં સ્પીચ આપીને બધાને ફરી એકવાર મંત્રમુગ્ધ કરી દીધા હતા. તે દિવસે કદાચ બધા જ વિદ્યાર્થીઓને એક જ વાતનો અફસોસ હતો અને તે મિનલ સાથે નહીં બોલવાનો. જ્યારે મિનલને અઢળક સંતોષ હતો, સફળતા મેળવવાનો તેમજ પોતે શું છે અને શું બની શકે છે તે આવડત સિદ્ધ કરવાનો. આમ તો આવી ક્ષણો દરેક યુવતીના જીવનમાં ક્યાંકને ક્યાંક આવતી જ રહે છે.

મિનલનું ઉદાહરણ અહીં એટલે આપવામાં આવ્યું કે આવી પરિસ્થિતિમાં ઘણી યુવતીઓ હિંમત હારીને કોલેજ બદલી નાખે છે અથવા તો ભણતર છોડી દે છે. મિનલે અહીં પોતે જ પોતાને મોટિવેટ કરી. તેણે રાહ ન જોઈ કે કોઈક મારી મદદે આવે. તેણે જાતે જ સમજી લીધું કે મારે આગળ આવવા શું કરવું જોઈએ. મિનલની આ હિંમતને નારીના સલામ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન