Successful surgery for a young man suffering from a serious spinal disease
  • Home
  • Ahmedabad
  • કરોડરજ્જુની ગંભીર બીમારીથી પીડાતા યુવકની સિવિલમાં સફળ સર્જરી

કરોડરજ્જુની ગંભીર બીમારીથી પીડાતા યુવકની સિવિલમાં સફળ સર્જરી

 | 8:12 am IST
  • Share

  •  ખાનગી હોસ્પિટલમાં સર્જરીનો લાખોનો ખર્ચ દર્દીને પોસાય તેમ ન હતો

  • સાત વર્ષથી પીડાતા અમદાવાદના આશિષભાઈ હવે દૈનિક ક્રિયાઓ આસાનીથી કરી શકશે

  • પીડા એટલી અસહ્ય હતી કે દિવસમાં ત્રણથી ચાર પેઇનકિલર લેવી પડતી હતી

     

એન્કાઇલોઝિંગ સ્પોન્ડિલાઈટિસ નામની બીમારીમાં કરોડરજ્જુના મણકા એકબીજા સાથે ચોંટી જતા હોય છે અને કરોડરજ્જુ વાંકી વળી જતી હોય છે, જેના કારણે આશિષભાઇને બેસવામાં, ચાલવામાં કે ડોક ઊંચી કરીને જોવામાં તકલીફ્ પડતી હતી. દિવસ દરમિયાન તેઓને આ પીડા દૂર કરવા ત્રણથી ચાર વખત પેઈન કિલર લેવી પડતી હતી. જેના કારણે તેમની ઇમ્યુનિટી સિસ્ટમ પણ ખૂબ જ નબળી પડી ગઈ હતી.

હવે અમદાવાદના આ યુવાન દૈનિક ક્રિયાઓ પણ આસાનીથી કરી શકશે

એન્કાઇલોઝિંગ સ્પોન્ડિલાઇટિસ નામની કરોડરજ્જુની બીમારીથી સાત વર્ષથી પીડાતાં અમદાવાદના એક યુવકને દૈનિક ક્રિયાઓ કરવામાં ભારે તકલીફ પડતી હતી. ખાનગી હોસ્પિટલમાં આ બીમારીનો ખર્ચ તેમને પોસાય તેમ ન હતો. દરમિયાન તેમને જાણવા મળ્યું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કરોડરજ્જુની બીમારીની સફળ સર્જરી થાય છે. એટલે તેમણે સિવિલનો સંપર્ક કરતાં સફળ સર્જરી બાદ વર્ષોની સમસ્યાથી છૂટકારો મળી ગયો છે. એટલે સિવિલમાં સફળ સર્જરીથી હવે અમદાવાદના આ યુવાન દૈનિક ક્રિયાઓ પણ આસાનીથી કરી શકશે.

સાત વર્ષમાં 25થી 30 જેટલા ખાનગી દવાખાનામાં બતાવ્યું

કેસની વિગત એવી છે કે, અમદાવાદ શહેરમાં વસતા 34 વર્ષના આશિષભાઈ ચૌહાણ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરે છે. છેલ્લા છથી સાત વર્ષથી એન્કાઇલોઝિંગ સ્પોન્ડિલાઈટિસ નામની બીમારીથી પીડાઇ રહ્યા હતા. તેઓએ આ છથી સાત વર્ષમાં 25થી 30 જેટલા ખાનગી દવાખાનામાં બતાવ્યું પરંતુ આવી બીમારીનો કોઈ ઈલાજ ન હોવાનું જાણવા મળ્યું અને ખાનગી દવાખાનામાં ઘરના ઘર વેચાઈ જાય એટલા લાખના ખર્ચે સર્જરી કરાવવા આશિષભાઈ સક્ષમ નહોતા. કેમકે નાણાકીય ભીંસનો પ્રશ્ન ઊભો થતો હતો.  દરમિયાન એક દિવસ તેમને જાણવા મળ્યું કે સિવિલ હોસ્પિટલમાં કરોડરજ્જુની જટીલ બીમારીની સર્જરી થાય છે. એટલે આશિષભાઈએ સિવિલ હોસ્પિટલમાં આવીને સંબંધિત તબીબોનો સંપર્ક કર્યો. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તો જનઆરોગ્ય યોજનાના કારણે આશિષભાઈને ખર્ચની સમસ્યા પણ નડે તેમ નહોતી. તબીબોએ તેમને દાખલ કરીને સર્જરીની તૈયારીઓ અને પરીક્ષણો શરૂ કર્યાં.

 આશિષભાઈને કરોડરજ્જુની તકલીફ વધારે હતી

જુદા જુદા ટેસ્ટ પરથી તબીબોને જણાયું કે, આશિષભાઈને કરોડરજ્જુની તકલીફ વધારે હતી. પરંતુ સિવિલ હોસ્પિટલના સિનિયર સ્પાઇન સર્જન ડૉ.પિયુષ મિત્તલ અને તેમની  ટીમે વિચાર વિમર્શ બાદ આશિષભાઈ ઉપર જવલ્લે જ થતી પેડિકલ સબસ્ટ્રેક્શન ઓસ્ટિઓટોમી નામની જટિલ સર્જરી કરવાનો નિર્ધાર કર્યો. ડોક્ટર્સે ન્યૂરો મોનિટરિંગની પણ ઓપરેશનમાં મદદ લીધી. સર્જરી બાદ દર્દીને કોઇ પણ તકલીફ ન પડે, તે ઘરનું ગુજરાન ચલાવવા ઉપરાંત સ્નાન, બેસવું, ઊઠવું, ચાલવું કે આડાસૂવા જેવી રોજિંદી ક્રિયાઓ આસાનીથી કરી શકે અને તેના જીવનની ગુણવત્તા ન જોખમાય તેનું પણ ડોક્ટર્સે ઓપરેશનમાં ખાસ ધ્યાન રાખ્યું.  આખરે ડોક્ટર્સની મહેનત ફળી અને આશિષભાઈ ઉપર કરાયેલી સર્જરી સફળ રહી અને એ સાથે જ આશિષભાઈને છેલ્લાં સાત વર્ષથી ચાલી આવતી સમસ્યામાંથી છૂટકારો મળ્યો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો