સફ્ળતાના બે મંત્ર પરિવારનો સપોર્ટ અને અખૂટ નિષ્ઠા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Nari
  • સફ્ળતાના બે મંત્ર પરિવારનો સપોર્ટ અને અખૂટ નિષ્ઠા

સફ્ળતાના બે મંત્ર પરિવારનો સપોર્ટ અને અખૂટ નિષ્ઠા

 | 2:00 am IST

પુનિતા નાગર – વૈધ

તહેવારનો દિવસ હોય કે કંઈ જ ન કરવાનું મન થાય એવો સુસ્તીભર્યો રવિવાર, કડકડતો શિયાળો હોય કે ભરજામેલું ચોમાસું પણ અમદાવાદની ૩૨ વર્ષની એક યુવતી છેેલ્લાં આઠ-નવ વર્ષથી ૩૬૫ દિવસ ટૂરિસ્ટોને આપણા અમદાવાદની સાચી ઓળખ કરાવવા માટે પ્રયત્નશીલ છે. આ યુવતી છે ઉર્વશી નીરવ પંચાલ. ઉર્વશી વર્ષોથી એક પણ પૈસાની અપેક્ષા વગર સ્વયંસેવક તરીકે સવારે ૮ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધી દોઢ કિલોમીટર ચાલીને હેરિટેજ વોકમાં ટૂરિસ્ટોને ગાઇડ કરીને તેમનો સાચા અને પ્રાચીન અમદાવાદ સાથે પરિચય કરાવે છે. ઉર્વશીને તેની આ કામગીરી બદલ તત્કાલીન મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલે ૨૦૧૬માં ગુજરાત ટૂરિઝમ દ્વારા બેસ્ટ વુમન ટૂરિસ્ટ ગાઇડના એવોર્ડથી પણ નવાજી છે.

ઉર્વશી હેરિટેજ વોક સાથે દિલથી જોડાયેલી છે. હેરિટેજ વોક સાથેના પોતાના સંસ્મરણો વાગોળતાં ‘નારી’ સાથેની ખાસ વાતચીતમાં ઉર્વશી કહે છે કે ‘અમદાવાદમાં ૧૯૯૭થી રોજ હેરિટેજ વોક થાય છે. હું લગભગ ૨૦૦૭થી આ હેરિટેજ વોકમાં સ્વયંસેવક તરીકે સેવા આપું છું. કાલુપુર સ્વામિનારાયણ મંદિરથી દોઢ કિલોમીટર લાંબી આ વોક સવારે આઠ વાગ્યે શરૂ થાય છે અને જુમ્મા મસ્જિદ ખાતે ૧૦ વાગ્યે એનો અંત આવે છે. આ હેરિટેજ વોકની શરૂઆતમાં ટૂરિસ્ટ્સને ૧૦ મિનિટનો ખાસ સ્લાઇડ શો પણ દેખાડવામાં આવે છે. હકીકતમાં મને નાનપણથી જ ટૂરિઝમના ફ્લ્ડિમાં કંઈ ખાસ કરવાની બહુ ઇચ્છા હતી. આ કારણે જ મેં ૧૨ ધોરણ પછી ઇગ્નુમાંથી ટૂરિઝમમાં ડિપ્લોમાનો અભ્યાસ કરવાનું પસંદ કર્યું હતું. મને પોતાને ફ્રવાનો બહુ શોખ છે અને આ કારણે મને કોઈપણ શહેરની નાનામાં નાની વસ્તુઓમાં પણ બહુ રસ પડે છે. મને અમદાવાદ શહેર વિશે તલસ્પર્શી નોલેજ હતું અને હું આ શહેર માટે કંઈ ખાસ કરવા ઇચ્છતી હતી. હું ઇચ્છતી હતી કે લોકોમાં શહેર વિશે અવેરનેસ આવે. ઘણીવાર આપણી પાસે ખાસ વસ્તુ હોય પણ એની આપણને વેલ્યૂ જ ન હોય. અમદાવાદની વેલ્યૂ હું લોકોને સમજાવા માગતી હતી.

હેરિટેજ વોકનો ઉર્વશીના અંગત જીવનમાં પણ મોટો ફળો રહ્યો છે. ઉર્વશી અને તેના પતિ નીરવ પંચાલની મુલાકાત પણ આવી જ હેરિટેજ વોક દરમિયાન થઈ હતી. ઉર્વશીના પતિ પણ છેલ્લાં ૧૪ વર્ષથી ટૂરિસ્ટ ગાઇડ તરીકે કાર્યરત છે અને ૨૦૧૬માં તેમને ગુજરાત સરકારનો બેસ્ટ ટૂરિસ્ટ ગાઇડનો એવોર્ડ પણ મળ્યો છે. હાલમાં ઉર્વશી પોતે ત્રણ વર્ષની દીકરી નિષ્ઠાની માતા છે. મજાની વાત તો એ છે કે હેરિટેજ માટે સજાગ એવા આ દંપતિની દીકરીનો જન્મ પણ ૧૮ એપ્રિલે વર્લ્ડ હેરિટેજ ડેના દિવસે જ થયો છે. પોતાની ગાઇડ તરીકેની કરિયરમાં પરિવારના ફળા વિશે વાત કરતાં ઉર્વશી કહે છે કે ‘જીવનમાં કંઈપણ કરવા માટે પરિવારનું પ્રોત્સાહન અને ફળો મહત્ત્વનો છે અને સાથે જ મહત્ત્વનું છે કામ પ્રત્યેનું ડેડિકેશન. મેં મારી પ્રેગ્નન્સી વખતે સાત મહિના સુધી વોકમાં ભાગ લીધો હતો અને મારા પતિ તેમજ પરિવારે મને હંમેશાં પ્રોત્સાહન આપ્યું છે. જો હેરિટેજ વોક પર એક જ વ્યક્તિ આવે તો અમે એક વ્યક્તિને પણ ટૂરમાં લઈ જઈએ છીએ અને ક્યારેય એમાં બ્રેક નથી પાડયો. આજે પણ હું જ્યારે વોક પર જાઉં છું ત્યારે મારી ત્રણ વર્ષની દીકરીને મારી માતાને જ સોંપીને જાઉં છું. મારી માતા પણ તેની તબિયતની પરવા ન કરીને મને સપોર્ટ કરવા માટે હંમેશાં મારી દીકરીનું ધ્યાન રાખે છે. જો ક્યારેય એવું શક્ય ન બને તો હું મારી ફ્રજ સાથે સમાધાન કરવાને બદલે મારી દીકરીને લઈને વોકમાં જવાનું પસંદ કરું છું. મેં જ્યારથી કામ કરવાની શરૂઆત કરી છે ત્યારથી ઘણીવાર મારે પણ કપરાં સંજોગોનો સામનો કરવો પડયો છે. ચોમાસાના દિવસોમાં જ્યારે ભારે વરસાદને કારણે વિસ્તારમાં પાણી ભરાઈ ગયું હોય ત્યારે ઘુંટણસમા પાણીમાં ચાલીને કે પછી બસમાં જઈને પણ મેં મારી હેરિટેજ વોકની ટૂરને ન્યાય આપ્યો હોય એવા પણ દાખલા છે. આ સમયે મારા પતિએ મને રોકવાને બદલે હંમેશ પ્રોત્સાહન આપ્યું છે અને હું સારામાં સારું કામ કરીને જીવનમાં આગળ વધું એ માટે સતત તેઓ મને પ્રેરણા આપતા રહે છે. ‘

ઉર્વશી પોતાના અંગત જીવન અને કરિયર વચ્ચે સંતુલન સાધી શકી છે. ૮ માર્ચે જ્યારે વુમન્સ ડે છે ત્યારે તે અન્ય મહિલાઓને પોતાના અનુભવોનો નિચોડ જણાવતાં કહે છે કે ‘મારો તો એક જ સંદેશ છે કે સફ્ળતાના માત્ર બે મંત્રો છે અને એ છે કામ પ્રત્યેની નિષ્ઠા તેમજ પરિવારનો સપોર્ટ. જીવનમાં ગમે તેટલી તકલીફ્ આવે તો પણ આશા નહીં છોડવાની અને હાર નહીં માનવાની. તમને જો તમારા કામમાં વિશ્વાસ હશે અને મહેનત કરવાની તૈયારી હશે તો તમને ચોક્કસપણે સફ્ળતા મળશે જ. વિકટ સંજોગોમાં ગભરાવાને બદલે બહાદુરીપૂર્વક તેમનો સામનો કરવામાં આવે તો તમને સફળ થતા કોઈ નહીં રોકી શકે.’

આંતરરાષ્ટ્રીય મહિલાદિવસે ટૂરિસ્ટ ગાઈડ એવા ઉર્વશીબહેનને નારીના સલામ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન