Suitable for the weather in Gujarat: Mogro
  • Home
  • Agro Sandesh
  • ગુજરાતના હવામાનને અનુકુળ મોગરાની ખેતી કરવાથી થશે ફાયદો

ગુજરાતના હવામાનને અનુકુળ મોગરાની ખેતી કરવાથી થશે ફાયદો

 | 12:00 pm IST

મોગરાની ખેતી દક્ષિણ ભારતમાં તામિલનાડુ અને કર્ણાટકના વિસ્તારોમાં સારા એવા પ્રમાણમાં થાય છે. જ્યારે ઉત્તર ભારતમાં લખનૌમાં પણ મોગરાની ખેતી ખૂબ જ વિકસિત થયેલ છે. તદઉપરાંત મહારાષ્ટ્રના પૂના તથા નાસિક જેવા વિસ્તારમાં મોગરા સારા એવા વિસ્તારમાં ઊગાડવામાં આવે છે. મોગરાના છોડને ખાસ કરીને બગીચાઓમાં તથા ઘર આંગણે કુંડામાં અને ક્યારામાં પણ ઉછેરી શકાય છે. મોગરાની પારસ જાત શિયાળામાં ફૂલ આપે છે. તે મોગરા જેવા સુગંધી નથી પરંતુ, સુશોભનમાં ચાલે છે. મોગરાને ગુજરાતનું હવામાન માફક આવે છે.. આપણા રાજ્યમાં હાલ ભરૂચ, વડોદરા, અમદાવાદ અને સુરતના ફૂલ બજારોમાં મોગરાની માંગને ધ્યાને રાખીને તેનું વાવેતર વધી રહ્યાનું જોવા મળે છે.

આબોહવા 

મોગરાને ખાસ કરીને ગરમ અને ભેજવાળુ હવામાન વધુ અનુકૂળ આવે છે. આમ છતાં આ છોડ વિવિધ પ્રકારના હવામાનમાં સારી રીતે ઉછેરી શકાય છે. પરંતુ વ્યાપારીક ધોરણે ઉત્પાદન મેળવવા માટે સમઘાત હવામાન જરૂરી છે.

જમીનની તૈયારી અને રોપણી 

મોગરાના પાકને ખાસ કરીને પૂરતો પ્રકાશ મળી રહે તેવી, સારા નિતારવાળી ખૂબ જ ભારે નહી તેવી જમીનમાં ૦.૭૫/૦.૭૫ મીટર અથવા ૧/૧ મીટરના અંતરે રોપણી કરવી તે પહેલા ૩૦/૩૦/૪૫ સે.મી.ના ખાડા તૈયાર કરવા જરૂરી છે. દરેક ખાડામાં સારૂ કોહવાયેલ છાણિયું ખાતર તેમજ ઉધઈનો ઉપદ્રવ અટકાવવા ક્લોરપાઈરીફોસનું દ્રાવણ બનાવી (૧૦મિ.લિ./૧૦ લિટર પાણીમાં ઓગાળી) દરેક ખાડામાં નાખવાથી ઉધઈનો ઉપદ્રવ નિયંત્રિત થઈ શકશે. કટકાથી કે પીલાથી તૈયાર કરેલ કલમોને જૂન-જુલાઈ અથવા સપ્ટેમ્બર-ઓક્ટોબર માસમાં રોપવી જોઈએ.

કટકા કલમ

કટકા કલમ બનાવવા માટે અર્ધાથી એક વર્ષની, ૧૫થી ૨૦ સે.મી. લંબાઈની ડાળીઓના કટકા લઈ, તેના પાન ડીટેથી દૂર કરી, ચોમાસામાં ક્યારામાં રોપવા. કટકાની રોપણી માર્ચ અને જૂન-જુલાઈ એમ વર્ષમાં બે વાર કરી શકાય છે. કટકા રોપ્યા બાદ જમીન સતત ભેજવાળી રાખવી જરૂરી ચે. કટકા રોપ્યા બાદ ૨ માસથી ૨.૫ માસમાં કટકા કલમ રોપવા લાયક થાય, ત્યારબાદ કયારામાંથી જમીનના પીંડ સાથે ઉપાડી, રોપણી માટે ઉપયોગ કરવો.

દાબ કલમ 

દાબ કલમ બનાવવા માટે મોગરાના થડીયામાંથી નીકળતી વેલ જેવી લાંબી ડાળીઓ પૈકીની પાકટડાળી પસંદ કરી ગાંઠ નીચેના ભાગ પરથી છાલ ઉખાડી ગાંઠ સાથેનો ભાગ જમીનમાં દાબી દેવો ત્યારબાદ જમીનને સતત ભેજવાળી રાખવી. આ રીતે પણ બેથી ત્રણ માસમાં કલમ તૈયાર થાય છે. ત્યારબાદ માતૃછોડથી પીંડ સાથે કલમ ખોદી લઈ રોપણી માટે ઉપયોગમાં લેવી. મોગરાની પારસ જાતમાં દાબ કલમનો ખાસ ઉપયોગ થાય છે.

મોગરાની જાતો 

મોગરામાં ખાસ કોઈ વિશિષ્ટ જાતો નથી. પરંતુ તેના ફૂલની પાંખડીઓની સંખ્યા, પાંખડીનો આકાર અને ફૂલના કદના આધારે ચાર પ્રકારમાં વહેંચવામાં આવેલ છે.

૧. દેશી બેલા અથવા હજરા

એકવડા સાદા ફૂલવાડી જાત.

૨. મોતિયા

બેવડા ફૂલ અને ગોળ આકારની ફૂલ પાંખડીવાળી જાત.

૩. બેલા

બેવડા ફૂલ અને લાંબી ફૂલ પાંખડીવાળી જાત.

૪. બટ મોગરો

લખોટા જેવા ૨.૫ સે.મી. જેટલા વ્યાસવાળા ફૂલ હોય જેમાં પંખડીની સંખ્યા પણ વધારે હોય છે.

પિયત

જમીનની પ્રત અને આબોહવા પ્રમાણે ઉનાળામાં ચારથી પાંચ દિવસે પિયત આપવું. જ્યારે શિયાળા દરમિયાન પિયત બંધ કરી સુષુપ્ત અવસ્થામાં રાખી આરામ આપવો. છોડ પર જ્યારે કળીઓ બેસે ત્યારે પાણી આપવાનું શરૂ કરવું.

ખાતર

છોડ દીઠ પાંચ કિ.ગ્રા. સારૂ કોહવાયેલ છાણિયું ખાતર તથા ૪૦ ગ્રામ નાઈટ્રોજન, ૨૦ ગ્રામ પોટાશ ખાતરો આપવા. નાઈટ્રોજનયુક્ત ખાતર ત્રણ સરખા હપ્તામાં છાંટણી સમયે અને ત્યારબાદ દોઢ મહિને અને ત્રણ મહિને આપવું, છાણિયું ખાતર તથા ફોસ્ફરસ અને પોટાશનો પૂરેપૂરો જથ્થો છાંટણી સમયે, જાન્યુઆરીના પ્રથમ અઠવાડિયામાં આપવો. ત્યારબાદ પિયત આપવું. મોગરાની અન્ય જાતો જેવી કે પારસ જાતને શિયાળામાં ફૂલ આવતા હોય તેને શિયાળામાં પિયત આપવું જરૂરી છે. મોગરાની પારસ જાતમાં ફૂલ શિયાળામાં આવતા હોવાથી છાંટણી ઓગસ્ટ-સપ્ટેમ્બર માસમાં કરવી જોઈએ. જૂના છોડને ત્રણથી પાંચ વર્ષમાં એકવાર ભારે છાંટણી કરવી.જેમાં ડાળીની લંબાઈનો ૨/૩ ભાગ કાપી નાખી ભારે છાંટણી કરવી જોઈએ.જેથી છોડના થડમાંથી નવી જુસ્સાદાર ડાળીઓ નીકળે અને તેના ફૂલની ગુણવત્તા તેમજ ઉત્પાદન વધારે મેળવી શકાય.

છાંટણી 

મોગરા ઉનાળામાં ફૂલ આપે છે. શિયાળા દરમિયાન સુષુપ્ત અવસ્થામાં રહે છે, તેથી નવેમ્બરનાં ત્રીજા અઠવાડિયાથી ડિસેમ્બરના ત્રીજા અઠવાડિયા સુધીમાં છાંટણી કરવી હિતાવહ છે. છાંટણીના એક માસ અગાઉ પિયત બંધ કરવું જરૂરી છે. નબળી, વેલા જેવી ડાળીઓ તેમજ તંદુરસ્ત ડાળીઓના ૧/૩ જેટલો ભાગ દૂર કરવામાં આવે છે.

ફૂલની વીણી 

પૂર્ણ વિકાસ પામેલ સફેદ રંગની કળીઓ સાંજના સમયે અથવા વહેલી સવારે ચૂંટવી. ત્યારબાદ તેને વાંસના ટોપલામાં ભીના કાપડથી હળવું પેક કરી વહેલી સવારે બજારમાં મોકલવા જોઈએ. મોગરાનો પાક ઉનાળા તથા ચોમાસામાં આવે છે. જ્યારે પારસ મોગરાના ફૂલ ઉતારવાની શરૂઆત શિયાળામાં થતી હોય છે. આ બંને મોગરાની જાતોનું વાવેતર થોડા થોડા વિસ્તારમાં એક સાથે કરવામાં આવે તો, ખેડૂતને વર્ષ દરમિયાન ફૂલોનું ઉત્પાદન મળતું રહે, અને બજારની માંને પણ સંતોષી શકાય.

ઉત્પાદન

મોગરાના વ્યાપારિક ધોરણે ફૂલનું ઉત્પાદન ત્રીજા વર્ષથી મળવાનું શરૂ થાય છે. જે પાંચમા વર્ષે મહત્તમ હોય છે. સામાન્ય રીતે મોગરામાં ૧૦થી ૧૫ વર્ષ સુધી નફાકારક ઉત્પાદન મેળવી શકાય છે. હેક્ટરે લગભગ ૮૦૦૦થી ૧૦,૦૦૦ કિ.ગ્રા. જેટલું ઉત્પાદન મળે છે. છાંટણીબાદ ૪૫થી ૫૦ દિવસે સાયકોસેલના ૫૦૦૦ પીપીએમના દ્રાવણનો છંટકાવ કરવાથી, ઉત્પાદનમાં આશરે ૩૦ ટકા જેટલો વધારો મેળવી શકાય છે.

ડો.એન.એન.માજીપરા- પ્રો.એમ.ઝેડ. વાઘાણી

બાગાયતશાસ્ત્ર વિભાગ, જૂ.કૃ.યુ. જૂનાગઢ

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન