સુકમામાં નક્સલીઓનો IED બ્લાસ્ટ સીઆરપીએફના ૯ જવાનો શહીદ - Sandesh
  • Home
  • Ahmedabad
  • સુકમામાં નક્સલીઓનો IED બ્લાસ્ટ સીઆરપીએફના ૯ જવાનો શહીદ

સુકમામાં નક્સલીઓનો IED બ્લાસ્ટ સીઆરપીએફના ૯ જવાનો શહીદ

 | 3:37 am IST

નવી દિલ્હી, તા.૧૩

છત્તીસગઢના બસ્તર ડિવિઝનના સુકમા જિલ્લામાં મંગળવારે માઓવાદીઓએ કરેલા આઇઇડી બ્લાસ્ટમાં માઇન પ્રોટેક્ટેડ વાહનના ફુરચા ઊડી જતાં સીઆરપીએફના ૯ જવાન શહીદ થયાં હતાં અને અન્ય ૧૦ને ઇજા પહોંચી હતી. જેમાંના ચારની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળે છે. મંગળવારે સીઆરપીએફના જવાનો તેમના માઇન પ્રોટેક્ટેડ વિહિકલમાં કોમ્બિંગ ઓપરેશન માટે જઇ રહ્યાં હતાં ત્યારે કિસ્તારામ નજીક આ હુમલો કરાયો હતો. નક્સલીઓએ ૨૧૨ની બટાલિયનના જવાનો પર હુમલો કરવા માટે ભારે વિસ્ફોટકોનો ઉપયોગ કર્યો હતો. નક્સલવાદીઓએ આ વિહિકલને ઉડાવી દેવા માટે સંખ્યાબંધ આઇઇડી વિસ્ફોટો કર્યા હતા. સીઆરપીએફના પ્રવક્તા મોઝિસ દિનાકરને જણાવ્યું હતું કે, સુકમા જિલ્લામાં નક્સલવાદીઓ સામે ચાલી રહેલા ઓપરેશનમાં મંગળવારે સવારે ૮ કલાકે ૨૦૮ કોબ્રા બટાલિયન સાથે નક્સલવાદીઓની અથડામણ થઇ હતી. કોબ્રા કમાન્ડોના આક્રમણના કારણે નક્સલવાદીઓ ત્યાંથી ફરાર થઇ ગયા હતા. પરંતુ બપોરે ૧૨.૩૦ કલાકે નક્સલવાદીઓએ કિસ્તારામ અને પાલોડી વચ્ચે ૨૧૨મી બટાલિયનના જવાનોને લઇ જતા વાહનને લક્ષ્યાંક બનાવ્યું હતું.

છેલ્લા બે વર્ષમાં ૩૦૦ નક્સલીઓ ઠાર

૧૧ દિવસ પહેલાં સુરક્ષા જવાનોએ છત્તીસગઢમાં એક અથડામણમાં ૧૦ નક્સલવાદીને ઠાર માર્યા હતા. છ મહિના પહેલાં માઓવાદીઓએ એક ઘાતકી હુમલામાં સીઆરપીએફના ૨૫ જવાનોની હત્યા કરી હતી. માર્ચ ૨૦૧૭માં સુકમામાં નક્સલીઓએ સડકો ખુલ્લી કરતી સીઆરપીએફની ટીમના ૧૨ જવાનોની હત્યા કરી હતી. છેલ્લા બે વર્ષમાં સુરક્ષા દળોએ છત્તીસગઢમાં વિવિધ એન્કાઉટરમાં ૩૦૦ નક્સલવાદીઓને ઔઠાર માર્યા છે.

ઓપરેશન મઢ : છત્તીસગઢના માઓવાદીઓના ગઢ મનાતા અબુઝમઢમાં માર્ચના પ્રારંભે પહેલીવાર સીઆરપીએફે કેમ્પ લગાવ્યા છે. ઓપરેશન મઢ અંતર્ગત સીઆરપીએફે આ વિસ્તારમાં સર્જિકલ ઓપરેશનનો પ્રારંભ કર્યો છે. સીઆરપીએફે રાજ્ય પોલીસ સાથે મળીને આ વિસ્તારમાં ૩ બેઝ સ્થાપ્યા છે. અબુજમઢના જંગલો ૪,૦૦૦ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલા છે. સીઆરપીએફે પહેલો કેમ્પ ઇરાવતી નદી નજીક ઊભો કર્યો છે. દરેક કેમ્પમાં સીઆરપીએફના ૧૦૦ જવાન તહેનાત કરાયા છે.

શહીદ જવાનોની શહાદત અમર બની જશે : રમણસિંહ

છત્તીસગઢના સીએમ રમણસિંહે નક્સલવાદીઓના કાયરતાપૂર્ણ હુમલાને વખોડી કાઢતાં જણાવ્યું હતું કે, નક્સલવાદીઓ વિકાસના કામોથી ગભરાય છે તેથી તેઓ વિકાસના કામો અટકાવવાની પ્રવૃત્તિ કરી રહ્યાં છે. આ હુમલામાં શહીદ થયેલા જવાનોની શહાદત અમર બની જશે.

શહીદ જવાનો

આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર આરકેએસ તોમર

કોન્સ્ટેબલ અજયકુમાર યાદવ

કોન્સ્ટેબલ મનોરંજન લેન્કા

કોન્સ્ટેબલ જિતેન્દ્રસિંહ

કોન્સ્ટેબલ શોભિત શર્મા

કોન્સ્ટેબલ મનોજસિંહ

કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ

કોન્સ્ટેબલ ચંદ્રા એચએસ

હેડ કોન્સ્ટેબલ લક્ષ્મણ

૧૦૦થી વધુ નક્સલીઓએ હુમલાને અંજામ આપ્યો 

છત્તીસઢના સુકમામાં થયેલા હુમલાને ૧૦૦થી વધુ નક્સલવાદીઓએ અંજામ આપ્યો હતો. નક્સલીઓએ કિસ્તરામ અને પાલોદી વચ્ચેની સડકને ટાર્ગેટ બનાવી હતી. આ હુમલાના આયોજન માટે બિજાપુરના જંગલોમાં નક્સલી કમાન્ડર હિડમા અને પુલારી પ્રસાદ સાથે ૨૦૦ નક્સલી એકઠા થયા હતા. હુમલો કરવા આવેલા તમામ નક્સલવાદી સેનાના ગણવેશમાં આવ્યા હતા.

છત્તીસગઢના સુકમામાં આઇઇડી બ્લાસ્ટમાં સુરક્ષા જવાનો શહીદ થયાં. દેશસેવામાં શહાદત વહોરનારા તમામ જવાનોને હું નમન કરું છું. સુકમા બ્લાસ્ટમાં બલિદાન આપનારા તમામ જવાનોના પરિવારો સાથે મારી સંવેદના છે.

રાજનાથસિંહ, કેન્દ્રીય ગૃહમંત્રી