ઉનાળામાં પેટ ડોગની ખાસ રીતે કરો દેખભાળ, તેના ટાઈમટેબલમાં કરો આવા ફેરફાર - Sandesh
NIFTY 10,767.65 -0.70  |  SENSEX 35,443.67 +-19.41  |  USD 67.5000 +0.38
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Lifestyle
  • ઉનાળામાં પેટ ડોગની ખાસ રીતે કરો દેખભાળ, તેના ટાઈમટેબલમાં કરો આવા ફેરફાર

ઉનાળામાં પેટ ડોગની ખાસ રીતે કરો દેખભાળ, તેના ટાઈમટેબલમાં કરો આવા ફેરફાર

 | 2:38 pm IST

ઘરમાં પાળતું ડોગ રાખવાનું ચલણ આજકાલ વધારે પ્રમાણમાં જોવા મળે છે. મોટાભાગના ઘરમાં પરિવારના એક સભ્‍યની જેમ પેટ ડોગને રાખવામાં આવે છે. એ વાતથી કોઈ અજાણ નથી કે આ પ્રાણી વફાદારીનું પ્રતિક છે. તેથી જ તેને ઘરના નાના-મોટાં સૌ કોઈનો અઢળક પ્રેમ મળે છે. હાલ જ્યારે કાળજાળ ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે ત્યારે તમારા ઘરના આ ખાસ સભ્‍યનું પણ આ રીતે ધ્યાન રાખવું જરૂરી છે. કારણ કે પ્રાણીઓને પણ ગરમીની અસર થઈ શકે છે. તેથી તેની જાળવણી પણ ખાસ રીતે કરવી જરૂરી છે.

ખોરાકમાં ફેરફાર
ઉનાળામાં ડોગને પણ જમવામાં તકલીફ પડે છે. તેનો ખોરાક ગરમીમાં ઘટી જાય છે કારણ કે ભોજન કરવાથી શરીરમાં ગરમી ઉત્‍પન્ન થતી હોય છે અને તેથી તે વધારે ખાઈ શકતું નથી. આ ઉપરાંત તાપમાન પણ ઊંચું હોવાથી તેની પાચનક્રિયા ધીમી પડી જાય છે. આ સમસ્યાના ઉકેલ માટે ઉનાળામાં તમારા પેટ ડોગના ભોજનના સમયમાં ફેરફાર કરી દો. તેને વહેલી સવારે અને રાત્રે મોડેથી જમવાનું આપવું, આમ કરવાથી તે પૂરતાં પ્રમાણમાં ભોજન કરી શકશે. આ સાથે જ ઉનાળામાં તેને દહીં, છાશ અને ગ્‍લુકોઝનું પાણી સમયાંતરે આપતાં રહેવું. ઉનાળામાં તેને નોનવેજ ફુડ ન આપવું.

વોકનો સમય
દરેક પેટ ડોગને દિવસ દરમિયાન વોક માટે લઈ જવું જરૂરી હોય છે. પરંતુ ઉનાળામાં બપોરથી સાંજના સમય સુધી ગરમી વધારે લાગે છે તેથી વોકના સમયમાં પણ ફેરફાર કરી દેવા. સવારના સમયે 7 વાગ્યા સુધીમાં તેને ફરવા લઈ જવો ત્યાર પછી સૂર્યાસ્ત પછી અથવા રાત્રે તેને બહાર લઈ જવો. ત્યાં સુધીમાં તેને ઘરમાં ઠંડા વાતાવરણમાં જ રાખવો. જે શ્વાનનો રંગ કાળો હોય અથવા તો જેના શરીર પર લાંબા વાળ હોય તેને દિવસના સમયમાં બહાર ન લઈ જવો.

વાળ અને ત્વચાની સંભાળ
ઉનાળાની ઋતુમાં વાળ ખરવા એ સામાન્‍ય છે પરંતુ તેને રોજ સવારમાં ઓળાવવા જરૂરી છે જેથી દિવસ દરમિયાન ઓછા પ્રમાણમાં વાળ ખરે. આ ઉપરાંત તેને વાળ માટે જરૂરી વિટામિન, મિનરલ્‍સની દવાઓ પણ આપવી. કારણ કે ઉનાળામાં ઘણાં ડોગને એલર્જીની પણ સમસ્યા થતી હોય છે. જેના કારણે વાળ ખરી જવા, ત્વચા પર ચાંદા પડી જવા, ફોલ્લી થઈ શકે છે.

નિયમિત સ્નાન કરાવો
ઉનાળાની ઋતુમાં લોકો પોતાના ડોગને વારંવાર સ્નાન કરાવે છે. આમ કરવું જોઈએ પણ વારંવાર શેમ્પૂ કે સાબુનો ઉપયોગ કરવાનું ટાળવું. બપોરના સમયે માત્ર પાણીનો ઉપયોગ કરવો. આ ઉપરાંત સ્પ્રે બોટલમાં પાણી ભરી તેનો પણ ઉપયોગ કરી શકાય છે.

મુસાફરીમાં રાખો આ વાતનું ધ્યાન
આમ તો ગરમીમાં શ્વાનને ઘરમાં જ રાખવો જોઈએ પરંતુ તેમ છતાં બહાર ફરવા જવાનું થાય તો તેને જમાડીને કે પછી વધુ પાણી પીવડાવીને ટ્રાવેલીંગ ન કરાવવું. લાંબી મુસાફરી હોય તો કારમાં એસી અચૂક ચાલુ રાખવું. રસ્તામાં તેને ગ્લુકોઝવાળું પાણી પીવડાવતાં રહેવું. હેવી ડોગ ફુડ મુસાફરી દરમિયાન ન આપવું. તેને ક્યારેય પણ કારમાં બંધ કરી અને કલાકો સુધી બહાર ન રહેવું.

આ લક્ષણ દેખાય તો ડોક્ટરનો કરો સંપર્ક
જો તમારા ડોગને ગરમી લાગશે તો તેની આંખ લાલ થઈ જશે, તદ્ઉપરાંત સતત હાંફે તો પણ નિષ્ણાંતની સલાહ લઈ લેવી. ઉનાળામાં તમારા પેટને સતત પંખામાં રાખવું.