સૂર્ય નારાયણનો મીન રાશિમાં પ્રવેશ, જાણો કેવો રહેશે તમારા માટે આ મહિનો - Sandesh
  • Home
  • Astrology
  • સૂર્ય નારાયણનો મીન રાશિમાં પ્રવેશ, જાણો કેવો રહેશે તમારા માટે આ મહિનો

સૂર્ય નારાયણનો મીન રાશિમાં પ્રવેશ, જાણો કેવો રહેશે તમારા માટે આ મહિનો

 | 6:24 pm IST

14મી માર્ચનાં રોજ સૂર્યનારાયણ મીન રાશિમાં પ્રવેશ કરશે. આ કારણે કમુહુર્તા શરૂ થશે. આ દરમિયાન લગ્ન-વિવાહ અને જનોઇનાં મુહુર્ત નથી. આ મહિનામાં ફક્ત ધાર્મિક કાર્યો કરવામાં આવશે. ગુરૂ રાશિમાં સૂર્યનાં પ્રવેશને કારણે શિક્ષણ અને ન્યાય ક્ષેત્રે મહત્વની ઘટનાઓ બની શકે છે. નવા કાયદા અને તેના અમલ માટે સરકાર મક્કમતા દર્શાવી શકે છે.

સૂર્ય-શનિનો કેન્દ્રયોગ કેટલીક રાજકીય બાબતોને લઇને અશુભ અને ચિંતાકારક બની શકે છે. કેટલીક જાણીતી રાજકીય હસ્તીઓને આ સમય દરમિયાન મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. સૂર્ય-શનિનો કેન્દ્રયોગ કોઇ ચિંતાજનક રાજકીય ઘટના કે કૌભાંડ બહાર લાવવાનું કામ કરશે. સૂર્ય અને ગુરૂની અસરને કારણે અર્થતંત્રને લઇને સારા સમાચાર આવી શકે છે. અર્થતંત્રમાં તેજી જોવા મળશે. નવી આર્થિક નીતિ, આંતરરાષ્ટ્રીય કારારો અને આયાત-નિકાસ વધી શકે છે.

રાશિને લઇને વાત કરીએ તો 14 માર્ચથી 13 એપ્રિલ સુધી મેષ રાશિના જાતકો માટે આ સમય સાવધાની રાખવાનો છે. ખર્ચ વધશે, દેવું થઇ શકે છે. તબિયત સાચવવી. થોડીક ચિંતા રહેશે. વૃષભ રાશિનાં લોકોને લાભનાં અવસરો મળશે. મિલન-મુલાકાત ફળશે તેમજ સંતાન-સ્નેહીને લઇને સાનુકુળતા રહેશે. મિથુન રાશિનાં જાતકોને પ્રવાસ ફળશે. કામમાં સફળતા મળશે અને આગળ વધવાનાં રસ્તાઓ મળી રહેશે. કર્ક રાશિનાં જાતકો માટે આ સમય સારો રહેશે. નસીબ જોર કરશે અને પ્રિયજન સાથે મિલન થશે. સિંહ રાશિનાં વ્યક્તિઓને આ સમય દરમિયાન મુશ્કેલી જણાય તેમજ નાણાંકીય ભીડ રહી શકે છે. કન્યા રાશિનાં લોકોનાં ગૃહજીવનમાં મહત્વનું કામ થાય, તેમને પ્રવાસ ફળશે. તુલા રાશિનાં જાતકોએ આરોગ્ય સાચવવું જોઇએ. નાણાનો વ્યય થતો જણાશે. ધન રાશિનાં વ્યક્તિઓને આ સમય દરમિયાન યોગ્ય તકો મળશે અને મકાન-મિલકતનાં કામોમાં સફળતા મળશે. મકર રાશિનાં જાતકોને મિત્ર, સ્વજન સાથે મનમેળ થાય. પ્રવાસ થઇ શકે છે તેમજ નસીબ ફળતું જણાય. તો કુંભ રાશિનાં લોકો માંટે આ સમય દરમિયાન કૌટુંબિક કાર્ય થઇ શકે છે. નાણાભીડ દૂર થશે. જ્યારે મીન રાશિનાં જાતકોનાં મનની આશા વધશે. ધાર્યા કામોમાં સફળતા મળશે અને આ સમય દરમિયાન ગૃહજીવનનાં કાર્ય થઇ શકશે.

આ મહિનામાં મુહુર્તો નથી માટે મંત્રજાપનાં કાર્ય થઇ શકશે. સૂર્ય-ગુરૂ કે સૂર્ય-શનિનાં કારણે આત્મબળ નબળુ થતું હોય તો સૂર્ય મંત્રનાં જાપ કરવા. શનિવારનાં દિવસે દાન કરવું લાભદાયી રહેશે. સૂર્ય મંત્ર ‘ઓમ હ્રીમ ભાનુવે નમ:’ નાં 1100 જાપ કરવા. ગુરૂ મંત્ર ‘ઓમ બૃમ બૃહસ્પતયે નમ:’નાં રોજ 108 જાપ કરવાથી લાભ મળશે.