સૂર્યની જ્વાળામાં ઓક્સિજન વગર શું બળતું હશે? - Sandesh
  • Home
  • Kids Corner
  • સૂર્યની જ્વાળામાં ઓક્સિજન વગર શું બળતું હશે?

સૂર્યની જ્વાળામાં ઓક્સિજન વગર શું બળતું હશે?

 | 12:09 am IST

જ્ઞાન-વિજ્ઞાન :- માખન ધોળકિયા

આપણે જે કોઈ પદાર્થ સળગાવીએ છીએ એમાં કોઈ ને કોઈ સ્વરૂપે કાર્બન અને ઓક્સિજન ભેગા મળીને સળગે છે. ઓક્સિજન ન હોય તો કોઈ પદાર્થ સળગતો નથી. આપણે સ્કૂલમાં પ્રયોગ કરીને જોયું છે. સળગતી મીણબત્તી ઉપર કાચનો ગ્લાસ ઢાંકી દો તો એને હવામાંથી ઓક્સિજન મળતો બંધ થઈ જાય છે. એટલે મીણબત્તીની જ્યોત ધીમેધીમે નબળી પડીને ઓલવાઈ જાય છે. તમે સગડી ઉપર પણ કાચનું મોટું પાત્ર ઢાંકી દો તો તેને ઓક્સિજન મળતો બંધ થઈ જાય અને સગડી ધીમેધીમે હોલવાઈ જાય છે. એકમાત્ર વીજળીનો ગોળો ઓક્સિજન વગર સળગે છે. એનું કારણ એ છે કે ખરેખર એ સળગતો નથી. વીજળી ગોળામાં વીજળીના પ્રવાહને ટ્રાફિક જામ જેવો અવરોધ કરીએ તો તાર અથવા ટન્ગસ્ટન ગરમ થવા લાગે છે અને ગરમ થતાં થતાં લાલચોળ બની જાય તો એનો પ્રકાશ ફેલાય છે. એટલા માટે જ વીજળીનો ગોળો કદી હોલવાતો નથી, કારણ કે એમાં કશું સળગતું જ નથી. એટલે એ કદી સળગીને ખલાસ નથી થતો.

સૂર્યમાં લાખ્ખો ટન પદાર્થ ભડ ભડ સળગીને ભયાનક ગરમી વેરે છે. એની ગરમી આપણને છેક અહીં પૃથ્વી ઉપર દઝાડી શકે છે. આપણે એ ભણી ગયા છીએ કે સૂર્યની સપાટીએ ૬૦૦૦ ડિગ્રી સેલ્સિયસની ભયાનક ગરમી હોય છે. આ બધું જાણ્યા પછી એક સવાલ મનમાં અચુક જાગે છે કે અવકાશમાં તો ઓક્સિજન છે જ નહીં! તો પછી સૂર્યની જ્વાળાઓ શી રીતે સળગતી હશે?

હકીકતે સૂર્ય સળગે છે એમ કહો તો એ અડધું સાચું અને અડધું ખોટું હોય છે. સૂર્ય હાઈડ્રોજનનો ગોળો છે. એમાં વચ્ચે બોરના ઠળિયા જેવો હાઈડ્રોજન વાયુ નક્કર ગોળા તરીકે છે. એના ગુરુત્વાકર્ષના કારણે હાઈડ્રોજનના પરમાણુઓ જોડાતા રહે છે. હાઈડ્રોજનના બે પરમાણુ જોડાય તો હિલિયમ વાયુનો પરમાણુ બને છે. હાઈડ્રોજનના બે પરમાણુ જોડાય તો એમાં રહેલા ઈલેક્ટ્રોનના થોડાક પરમાણુ ફાજલ પડે છે. કોઈપણ બે પરમાણુ જોડાય તો તેને ફ્યુજન કહે છે.

ઈલેક્ટ્રોન પરમાણુઓના બે તત્ત્વ ન્યૂટ્રોન અને પ્રોટોનને બાંધી રાખનાર બળ હોય છે. માની લો કે બે તત્ત્વોને બાંધી રાખનાર દોરો હોય છે. હાઈડ્રોજનના બે અલગ-અલગ પડીકાં વાળવા માટે ઈલેક્ટ્રોનનો દોરો વપરાયો હોય છે. હાઈડ્રોજનના બે પરમાણુ જોડાય તો બે પડીકાંને ભેગા બાંધવાની વાત બને. બે પડીકાં ભેગા બાંધો તો બે પડીકાં બાંધવામાં જેટલો દોરો વપરાયો એમાંથી થોડોક દોરો બચે, ખરુંને?

એમ હાઈડ્રોજનના બે પરમાણુ જોડાઈને હિલિયમ બને તો એને બાંધી રાખનાર ઈલેક્ટ્રોન બચે છે. ઈલેક્ટ્રોન તો ઊર્જા છે, શક્તિ છે. આ બચેલી ઊર્જા પ્રવાહ બનીને દોડધામ કરે તો ગરમી સર્જાય છે. હિલિયમના પરમાણુ પણ દબાણના કારણે જોડાતા રહે છે. હિલિયમના ત્રણ પરમાણુ જોડાય તો કાર્બન બને છે. અને એકસાથે ચાર પરમાણુ જોડાઈ જાય તો ઓક્સિજન સર્જાય છે. એ રીતે સૂર્યમાં ઓક્સિજનનું ઉત્પાદન થતું રહે છે. ઈલેક્ટ્રોનની ઊર્જા સર્જાતી રહે છે. ઊર્જાના દબાણથી ત્રણ પરમાણુવાળો કાર્બન અને ચાર પરમાણુવાળો ઓક્સિજન ભેગા મળવા લાગે તો એમની વચ્ચે સંયોજન થવા લાગે છે. સંયોજનમાંથી પ્રચંડ ગરમી ઉત્પન્ન થાય છે અને તે જ્વાળાનું રૂપ ધારણ કરે છે. આ જ્વાળાઓ સૂર્યની બહારની સપાટી ઉપર જ હોય છે. જેની ઝાળ આપણે છેક અહીં પૃથ્વી ઉપર અનુભવી શકીએ છીએ.

[email protected]