Sunil Gavaskar presents Test cap to debutant Shreyas Iyer
  • Home
  • Sports
  • Cricket
  • સિનિયરને સમ્માનિત કેવી રીતે કરાય? કાનપુર ટેસ્ટમાં દ્રવિડે એક ‘ટોપી’થી શીખવાડયું

સિનિયરને સમ્માનિત કેવી રીતે કરાય? કાનપુર ટેસ્ટમાં દ્રવિડે એક ‘ટોપી’થી શીખવાડયું

 | 1:01 pm IST
  • Share

  • ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે કાનપુરમાં રમાય રહી છે પહેલી ટેસ્ટ

  • શ્રેયસ ઐય્યરની ટેસ્ટ ડેબ્યુ, સુનીલ ગાવસ્કરે આપી ટોપી

  • રાહુલ દ્રવિડના આવતા જ ભારતીય ક્રિકેટની પરંપરા પાછી આવી

ભારતીય ક્રિકેટની એક સોનેરી તકની પરંપરા પાછી આવી છે. ફરી એકવાર નવા ખેલાડીઓને કેપ આપવા માટે દિગ્ગજને બોલાવવામાં આવી રહ્યા છે. આ ફેરફાર કોચ રાહુલ દ્રવિડના કારણે આવ્યો છે. ન્યુઝીલેન્ડ સામેની T20 મેચમાં હર્ષલ પટેલને અજીત અગરકર પાસેથી કેપ મળી અને ગુરુવારે સુનીલ ગાવસ્કરે શ્રેયસ ઐયરને ટેસ્ટ કેપ સોંપવા માટે આમંત્રણ આપ્યું. દ્રવિડના માર્ગદર્શન હેઠળ ભારતના યુવા ક્રિકેટરો તેમના વડીલોના હાથે આટલું સન્માન મેળવતા અલગ જ ઉત્સાહ મહેસૂસ કરી રહ્યા છે. શ્રેયસ ઐય્યરનો ચહેરો આ વાતની સાક્ષી આપતો હતો.

કયારેક કોચ તો કયારેક કેપ્ટન જ આપતા હતા કેપ

અગાઉ ભારતીય ક્રિકેટમાં ડેબ્યુ કરનાર ખેલાડીઓને કેપ આપવા માટે દિગ્ગજ ક્રિકેટર્સને બોલાવવામાં આવતા હતા. જ્યારે રાહુલ દ્રવિડ કેપ્ટન હતા ત્યારે તે હંમેશા ધ્યાનમાં રાખતા હતા કે નવા ખેલાડીને પ્રોત્સાહિત કરવા માટે દિગ્ગજ ક્રિકેટર હાજર રહે. બાદમાં જ્યારે મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીની કેપ્ટનશીપનો સમયગાળો આવ્યો ત્યારે તે બદલાઈ ગયો. ટીમના સિનિયર ખેલાડીઓ જ કેપ આપતા હતા. વિરાટ કોહલીએ હાર્દિક પંડ્યા, હનુમા વિહારી, ઋષભ પંતને ટેસ્ટ કેપ આપી હતી. મોહમ્મદ સિરાજને રવિચંદ્રન અશ્વિન દ્વારા ટેસ્ટ કેપ આપવામાં આવી હતી, શાર્દુલ ઠાકુરને તત્કાલીન કોચ રવિ શાસ્ત્રી દ્વારા ટેસ્ટ કેપ આપવામાં આવી હતી. દ્રવિડના આગમન સાથે આ પરંપરા બદલાઇ ગઈ.

દ્રવિડે ગાવસ્કરને મોકલ્યું હતું ખાસ આમંત્રણ

પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે ગુરુવારે શ્રેયસ અય્યરને ભારતની ‘ટેસ્ટ કેપ’ આપી. મુખ્ય કોચ રાહુલ દ્રવિડે ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડીઓ દ્વારા નવા ખેલાડીઓને કેપ મેળવવાની વર્ષો જૂની પરંપરાને પુનર્જીવિત કરી છે. આ ખાસ કાર્યક્રમ માટે દ્રવિડે ગાવસ્કરને આમંત્રણ આપ્યું હતું. ઐય્યર ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કરનાર 303મો ખેલાડી બન્યા. અગાઉ T20I શ્રેણી દરમિયાન દ્રવિડે હર્ષલ પટેલને રાષ્ટ્રીય ટીમની કેપ સોંપવા માટે સૌથી સફળ બોલરોમાંના એક અજીત અગરકરને આમંત્રણ આપ્યું હતું.

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ દિગ્ગજ ખેલાડીઓ પાસેથી રાષ્ટ્રીય કેપ મેળવવાની પરંપરા રહી છે. ભારતમાં અગાઉ પણ આવી પરંપરા હતી પરંતુ થોડા સમય માટે માત્ર કેપ્ટન અથવા વરિષ્ઠ ખેલાડી અથવા સપોર્ટ સ્ટાફના સભ્ય જ ડેબ્યુ કરનારને કેપ આપતા હતા.

ભારતે ટોસ જીતી પહેલાં બેટિંગ લીધી

ભારતીય કેપ્ટન અજિંક્ય રહાણેએ ગુરુવારે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારત અને ન્યુઝીલેન્ડ બંનેમાં બેટ્સમેન શ્રેયસ અય્યર અને ડાબોડી સ્પિન ઓલરાઉન્ડર રચિન રવિન્દ્ર અનુક્રમે ડેબ્યુ કરી રહ્યા છે. ટોસ જીત્યા બાદ ભારતીય ટીમના કેપ્ટન અજિંક્ય રહાણેએ કહ્યું કે પિચ ખરેખર સારી દેખાઈ રહી છે. શ્રેયસ આ મેચમાં ડેબ્યૂ કરી રહ્યો છે. ટીમ નવા કોચ હેઠળ રમવા માટે ઉત્સાહિત છે. સાથે જ ન્યુઝીલેન્ડ એક મજબૂત ટીમ છે.

ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને કહ્યું કે જો તે ટોસ જીત્યો હોત તો તેમણે પણ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હોત.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો