સુનિલે નરગીસને આગમાંથી બચાવી તેના જીવનમાં જગ્યા મેળવી   - Sandesh
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.5700 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • સુનિલે નરગીસને આગમાંથી બચાવી તેના જીવનમાં જગ્યા મેળવી  

સુનિલે નરગીસને આગમાંથી બચાવી તેના જીવનમાં જગ્યા મેળવી  

 | 7:43 am IST

ફિલ્મ  મધર ઇન્ડિયામાં બીરજુના રોલ માટે પહેલી પસંદગી દિલીપે નરગીસના દીકરાનો રોલ કરવાની ના કહી અને બાદમાં ભારતીય મૂળનો હોલિવૂડ એક્ટર સાબુ દસ્તગીરે પણ સમય લંબાઇ જતાં ન છૂટકે આ ફિલ્મમાં કામ કરવાની ના કહી, અને છેલ્લે સુનિલ દત્તના ભાગમાં આ રોલ આવ્યો, જોકે ફિલ્મના ડાયરેક્ટરને શંકા હતી કે સુનિલ આ રોલ માટે પોતાનું શ્રેષ્ઠ આપી શકશે કે નહીં? જોકે મહેબૂબ ખાને જ્યારે સુનિલ ઉપર પહેલો બીરજુનો લુક ટેસ્ટ કર્યો અને સુનિલે તે લુકમાં જે શોટ આપ્યો તે જોઇને તરત મહેબૂબ ખાનને વિશ્વાસ બેસી ગયો હતો કે આ જ મારો ઓરિજિનલ બિરજુ છે.

વેલ મહેબૂબ ખાનને ફિલ્મ મધર ઇન્ડિયામાં બિરજુ મળ્યો, અને આ ફિલ્મે મહેબૂબ ખાનને ટોચના ડાયરેક્ટરના લિસ્ટમાં બેસાડયા, અનેક એવોર્ડ પણ અપાવ્યા અને જીવનભર માટેની પસિદ્ધિ પણ અપાવી. સામે પક્ષે સુનિલ અને નરગીસને આ જ ફિલ્મ દ્વારા પોતાનો પ્રેમ મળી ગયો. સુનિલને સ્વપ્ને પણ કલ્પના નહોતી કે તેના આર.જેના કાર્યકાળ દરમિયાન જે હીરોઇનથી તે આકર્ષાયો હતો તે હીરોઇન આ જ ફિલ્મના શૂટિંગમાં તેને પ્રેમીકા તરીકે મળવાની છે. જોકે સંજોગો પણ એવા ઊભા થયા હતા. નરગીસ મધર ઇન્ડિયા ફિલ્મ પહેલાં ભાગ્યે જ જેમાં રાજ કપૂર ન હોય તે ફિલ્મ સ્વીકારતી. અલબત્ત તેણે દિલીપ કુમાર સાથે ફિલ્મો કરી હતી, પરંતુ આ ત્યારે જ બન્યંુ જ્યારે રાજ સાથેના નરગીસના સંબંધમાં અણબનાવની શરૂઆત થઇ. મધર ઇન્ડિયાના શૂટિંગનો સમય એવો હતો કે નરગીસ ઇમોશનલી સાવ એકલી હતી, રાજ સાથેના સંબંધના અંતની શરૂઆત હતી, અત્યારસુધી જે વ્યક્તિ જીવનનો એક ભાગ હતી, તે વ્યક્તિથી દૂર જવાનો સમય હવે નરગીસ માટે પાકી ગયો હતો. અને એટલે જ તે ઇમોશનલી થોડી વીક હતી. તે જ સમયે મધર ઇન્ડિયાનું શૂટિંગ ગુજરાતના ઉમરા ગામમાં ચાલી રહ્યું હતું. સુનિલ આ ઘટનાને યાદ કરતાં કહે છે કે મારા માટે તે દિવસો ઘણાં સારા હતા, એક તો ફિલ્મનું મારું કેરેક્ટર ઘણંુ જ મજબૂત હતું, અને આ જ ફિલ્મમાં મારે હું જેના તરફ સૌ પ્રથમ મારા આર.જેના કાર્યકાળ દરમિયાન આકર્ષાયો હતો તે જ સુંદર અભિનેત્રી સાથે મારે કામ કરવાનું હતું.

ફેબ્રુઆરીનો સમય હતો અમે જ્યારે મધર ઇન્ડિયાનું શૂટિંગ ગુજરાતના ઉમરા ગામમાં કરી રહ્યા હતા. ઠંડી થોડી થોડી ઓછી થઇ રહી હતી, જોકે ઠંડીની શરૂઆતમાં જ શૂટિંગની શરૂઆત કરી હતી. દિવસ હતો ૧ માર્ચ ૧૯૫૭નો હતો. આ દિવસે અમે શૂટિંગ પતાવીને બેઠાં હતાં, ત્યારે અચાનક અમારા સેટ ઉપર આગ ફાટી નીકળી. અમે બધાં બઘવાઇ ગયા હતા. બધા આ આગ કેમ લાગી અને હવે તેને ઓલવવી કઇ રીતે તે વિચારી રહ્યાં હતાં, તેમજ જે લોકો આગમાં સપડાયા હતા, તે બચીને બહાર જતા હતા, બરાબર ત્યારે જ મને યાદ આવ્યું કે નરગીસ જે જગ્યાએ છે તે જ જગ્યાએ આગ લાગી છે. હું એક મિનિટનો વિચાર કર્યાં વગર જ ધાબળો લઇને નરગીસ જ્યાં હતા ત્યાં દોડી ગયો. મેં અંદર જઇને જોયું તો નરગીસ આગથી ડરી ગયા હતા, અને બસ બેભાન થવાની તૈયારીમાં જ હતા. મને જોતાં જ તે મને વળગી પડયાં અને મેં તેમને ધાબળો ઓઢાડી દીધો, હું આગમાંથી નરગીસને જેમતેમ કરીને બચાવીને બહાર લઇ આવ્યો. આ આગમાં નરગીસ અને સુનિલ દત્ત બંને થોડાં થોડા દાઝી ગયાં હતાં, પરંતુ સુનિલ દત્ત ખુશ હતાં કે તેમણે નરગીસને આગમાંથી બચાવી લીધી.

બસ આ જ ઘટના એકબીજાને નજીક લાવી અને નરગીસને પહેલીવાર એવું લાગ્યું કે મને એવો પુરુષ મળ્યો છે આજે જે મને કોઇપણ પરિસ્થિતિમાં એકલી નહીં છોડે. તે ઘટના બાદ સુનિલ દત્તને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને નરગીસ સતત તેની પડખે રહી. તે દરરોજ સુનિલની ખબર કાઢવા જતી. એટલું જ નહીં સુનિલની બહેનની તબિયત ખરાબ હતી તે સમયે પણ નરગીસે તેની ખૂબ સેવા કરી હતી. નરગીસ સુનિલની બહેનની સેવા કરવા માટે પોતાના શૂટિંગ પણ કેન્સલ કરતી. સુનિલના મનમાં નરગીસની આ શાલીનતા ધીરે ધીરે ઘર કરવા લાગી હતી. તેને પણ લાગવા લાગ્યું હતું કે કદાચ નરગીસને પણ મારા માટે થોડી લાગણી જરૂર છે. અને એટલે જ સુનિલ દત્તે એક સાંજે જ્યારે નરગીસ અને તે લોંગ ડ્રાઇવ ઉપર નીકળ્યા હતાં ત્યારે નરગીસને પ્રપોઝ કરતાં કહ્યું મે આપ સે શાદી કરના ચાહતા હું… આ ક્ષણ સુનિલ માટે કપરી ક્ષણ હતી, કારણ કે તેણે આ વાક્ય કહેવા માંડ હિંમત ભેગી કરી હતી. થોડા ક્ષણના મૌન બાદ નરગીસ હસી પડી અને સુનિલ સમજી ગયો કે આ મીઠા હાસ્યનો મતલબ શું હતો. સુનિલ કહે છે તે ક્ષણ ખરેખર અજીબ હતી, હું કલ્પના નહોતો કરી શકતો કે આ હકીકતમાં બની રહ્યું છે. મારી અંદર એક કોલેજીયન જુવાનીયો જીવંત થઇ ગયો હતો. આમ નરગીસ અને સુનિલ એક થઇ ગયા. સુનિલે ક્યારેય નરગીસના પાસ્ટ કે રાજ વિશે જાણવાનો પ્રયત્ન નહોતો કર્યો, અલબત્ત નરગીસે તેને જણાવ્યું જરૂર હતંુ, પરંતુ સુનિલને તેનાથી કંઇ જ ફેર નહોતો પડતો.

સુનિલને લાગતું હતું કે હવે તેનું જીવન સરળ બની ગયું છે. નરગીસ સાથેના તેના લગ્ન અને લગ્ન બાદ ત્રણ સંતાનો, એક પછી એક ખુશી આવતી જાય છે, અને જીવન ચાલે રાખે છે, પરંતુ સુનિલને નહોતી ખબર કે કપરી ક્ષણો હજી આવવાની બાકી છે. નરગીસના રાજ સાથેના સંબંધ વિશે જે ફેર સુનિલને નહોતો પડતો તે જ ફેર સુનિલ નરગીસના પુત્ર નાના સંજયના માનસપટ ઉપર ખૂબ ખરાબ અસર કરી રહ્યો હતો. સંજય દત્તને જ્યારે બોર્ડિંગ સ્કૂલમાં મૂક્યો ત્યારે ત્યાં જ કેટલાય તેના મિત્રો તેને રાજ અને નરગીસના સંબંધ વિશે પજવતા રહેતાં. અને નાનો સંજય આ બધું જ સાંભળી ઉકળી જતો. તેનામાં એટલી પરિપક્વતા નહોતી આવી કે તે બધું સ્વીકારી શકે.

પરિણામ એ આવ્યું કે સંજય આડે રસ્તે ચડી ગયો. આ તરફ હવે સુનિલ અને નરગીસની પણ ઉંમર થવા લાગી હતી. સુનિલ દત્તે હવે ફિલ્મ લાઇનમાંથી થોડો વિરામ લઇને પોલિટિક્સમાં જોડાવવાનું નક્કી કરી લીધું હતું અને તે જોડાઇ પણ ગયો, પરંતુ સંજય દિન-પ્રતિદિન આડે રસ્તે ચાલ્યા કરતો હતો. સુનિલ દીકરાને સમજાવવાના પ્રયત્ન કરતો પણ તે વ્યર્થ હતા. એવામાં નરગીસને પેનક્રિઆટીક કેન્સર ડિટેક્ટ થયું. સુનિલે ઘણી સારવાર કરાવી અને દવા પણ કરાવી, પરંતુ નરગીસ ન બચી. આ જટકો સુનિલ માટે અને સંજય બંને માટે ખરાબ હતો.

તેમ છતાં સુનિલ તેમાંથી ઉગરી ગયો પણ સંજય ન ઉગરી શક્યો. પરિણામે તેનું નામ અંડરવર્લ્ડ સાથે જોડાવવા લાગ્યું અને સંજયને ફિલ્મો મળતી પણ બંધ થવા લાગી. એટલું જ નહીં સંજય ઉપર દોષારોપણ પણ ઘણાં થવા લાગ્યા. સુનિલ સતત દીકરાની પડખે ઊભો રહી તેને બચાવવા પ્રયત્ન કરતો. સંજયે પણ લગ્ન કરી લીધા હતા. પરંતુ તેની પત્નીના અકાળે મૃત્યુથી હાલત વધારે બગડી અને અંતે સંજય ઉપર મુંબઇ હુમલામાં સંડોવણીનો અને હથિયાર પોતાના ઘરમાં રાખવાનો આરોપ લાગ્યો. એટલું જ નહીં નરગીસના મૃત્યુ બાદ સંજયની પત્ની રીયાની તબિયત બગડી અને રીયાનો ઇલાજ કરાવવા છતાં પણ તે મૃત્યુ પામી, આમ જતી જિંદગીએ સુનિલ દત્તે પત્ની વિરહ, દીકરાની ખરાબ સ્થિતિ અને દીકરાની પત્નીનું મૃત્યુ એવા કેટલાંય મોટા ઝટકા સહન કર્યાં.

સુનિલ દત્તની ઇમેજ પોલિટિકલ લેવલે ઘણી સારી હતી, પરંતુ સંજયના કારણે તેને પણ ઘણું લાંછન સહન કરવું પડયું હતું, પરંતુ આ છપ્પનની છાતી વાળા માણસે જીવનના એકેય તબક્કામાં હાર ન માની, એટલું જ નહીં ૨૦૦૧માં સુનિલ દત્ત પ્લેઇન ક્રેશમાં પણ માંડ માંડ બચ્યો હતો. આ વર્ષો દરમિયાન પોલિટિકલ કરિયર, ઘરની ચિંતા, સંતાનની ચિંતા બધા પછી પણ સુનિલ ફિલ્મ લાઇનમાં પણ અમુક ફિલ્મ કરતો રહ્યો અને જીવનના છેલ્લાં સમય સુધી તે કાર્યરત રહ્યો. એક રિયલ હીરો તરીકે સુનિલ દત્તે તમામ પરિસ્થિતિઓમાં પણ કામ ચાલુ જ રાખ્યું અને હસતા મોઢે સમગ્ર પરિસ્થિતિનો સામનો કર્યો.  .

[email protected]