સુપર વોલ્કેનો ફાટવાના જોખમ સામે બીજા બધા જોખમ નાનાં પડે છે - Sandesh
  • Home
  • Supplements
  • Sanskar
  • સુપર વોલ્કેનો ફાટવાના જોખમ સામે બીજા બધા જોખમ નાનાં પડે છે

સુપર વોલ્કેનો ફાટવાના જોખમ સામે બીજા બધા જોખમ નાનાં પડે છે

 | 2:45 am IST

સાયન્સ મોનિટરઃ વિનોદ પંડયા

અમેરિકાની પ્રસિદ્ધ અવકાશ વિજ્ઞાાન અને સંશોધન સંસ્થા ‘નાસા’ દ્વારા પૃથ્વી સાથે લઘુગ્રહો અને ધૂમકેતુઓ અકળાવાના સંભવિત જોખમોનું આકલન કરવા એક સલાહકાર સમિતિ રચવામાં આવી છે, જે નાસા એડવાઈઝરી કાઉન્સિલ ઓન પ્લાનેટરી ડિફેન્સ તરીકે ઓળખાય છે. તેના સભ્યોમાં અમેરિકાના ટોચના વિજ્ઞાાનીઓ છે. જેમાંના એક નાસાની જેટ પ્રોપ્લઝન લેબોરેટરીના બ્રાયન વિલકોકસ છે. વિલકોકસ કહે છે કે પૃથ્વીને લઘુગ્રહો (એસ્ટોરોઈડ્સ) અને ધૂમકેતુઓ (કોમેટ્સ)નો જેટલો ખતરો છે તેનાથી અનેકગણો ખતરો મહાપ્રલયકારી જવાળામુખી વિસ્ફોટનો રહેલો છે. પૃથ્વી બહારની તાકાતો કરતાં અંદરની તાકાત અત્યંત નુકસાનકારક પુરવાર થઈ શકે છે અને પૃથ્વીને તેનો નિયત સમયાંતરે અનુભવ થયા કરે છે. જો કે એક વખત એસ્ટેરોઈડસના ઉલ્કાપાતમાં પૃથ્વી પરની જીવસૃષ્ટિનો મહાવિનાશ થયો હતો. ડાયનાસોરનું જાતિ નિકંદન નીકળી ગયું હતું. પણ એ વિરલ ઘટના લાખો કરોડો વરસ અગાઉ ઘટી હતી.

પૃથ્વી પર વીસ સુપરવોલ્કેનો(મહાજવાળામુખી) છે. એમાંથી કોઈ એક સુપરવોલ્કેનો સરેરાશ એક લાખ વર્ષે ફાટે છે. આ સુપર વિસ્ફોટને કારણે પૃથ્વી પરના દેશો અને ખંડો પર રાખની ડમરીઓ અને પડ જામી પડે છે. લાંબા સમયકાળ માટે તેમાં ખેતીવાડી થઈ શક્તી નથી. લોકો ભૂખ્યા અને પ્યાસા મરણ પામે છે. સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા વર્ષ ૨૦૧૨માં હિસાબ માંડવામાં આવ્યો હતો. તે મુજબ જો આજકાલ સુપર વોલ્કેનો ફાટે તો માનવી પાસે જે સંઘરાયેલું અનાજ છે તે માત્ર ૭૪ દિવસ સુધી ચાલે. ત્યારબાદ ભૂખમરો શરૂ થાય. આખી દુનિયા તે વોલ્કેનિક દુકાળ અથવા વિન્ટરની ચપેટમાં આવી જાય.

આવો એક સુપર વોલ્કેનો અમેરિકાના પ્રસિદ્ધ યલોસ્ટોન નેશનલ પાર્કની નીચે રચાયેલો છે જેને ભૂગોળવિજ્ઞાાનની ભાષામાં ‘મેગ્મા ચેમ્બર’ કહે છે. યલોસ્ટોન વિસ્તારમાં ગરમ પાણીના ઝરણાંઓ અને કુંડો રમણીય લાગે પણ વિજ્ઞાાનીઓ કહે છે કે તેની નીચે ભૂગર્ભમાં રહેલી મેગ્મા ચેમ્બર માનવીય અને જૈવિક સંસ્કૃતિ સામેનો દુનિયાનો સૌથી મોટો ખતરો પુરવાર થઈ શકે છે. યુરોપમાં ભૂમધ્ય સમુદ્રને અડીને નેપલ્સની ખાડી નીચેના ભૂગર્ભમાં આવો એક બીજો સુપર વોલ્કેનો રચાયેલો છે, જે ‘કેમ્પી ફલેગ્રી’ના નામથી ઓળખાય છે. કેમ્પી ફલેગ્રીના ભૂગર્ભમાં આવી મેગ્મા ચેમ્બરોના જાળાં રચાયેલાં છે અને એક ચેમ્બર આખા પ્રદેશો, દેશોને ભરખી જાય એવડી મોટી હોય છે. આ મેગ્મા ચેમ્બરો લાખો અને કરોડો વર્ષ પૂર્વે રચાયેલી છે. કેમ્પા ફ્લેગ્રી ખાતે રચાયેલી સાત માઈલ લાંબી જવાળામુખીય ખીણ અથવા કુંડ વિસ્તારમાં આજે પાંચ લાખ લોકો વસે છે. આજથી બે લાખ વર્ષ પૂર્વે અને ત્યારબાદ ૩૯ હજાર વરસ પૂર્વે, ત્યારબાદ ૩૫ હજાર વરસ પૂર્વ અને છેલ્લે ૧૨ હજાર વરસ પૂર્વે જવાળામુખી વિસ્ફોટના પરિણામે આ જવાળામુખીય કુંડ પ્રદેશ રચાયો છે, જેને અંગ્રેજીમાં કાલ્ડેરા કહે છે.

છેલ્લા પાંચસો વરસ કેમ્પી ફલેગ્રી માટે શાંતિના રહ્યા છે. સન ૧૫૩૮ના વિસ્ફોટને એક હળવી ઘટના ગણવામાં આવે છે છતાં એ વિસ્ફોટ બાદ એક નવું પર્વતીય શિખર રચાયું હતું જેને નવું શિખર અથવા મોન્ટ નુઓવો (ન્યુ માઉન્ટેઈન) નામ અપાયું છે, પરંતુ હવે એવા સંકેતો મળી રહ્યા છે કે ૫૦૦ વરસની શાંતિનો હવે ક્યારેય પણ અંત આવી શકે છે. કાલ્ડેરામાં જમીનમાં ભાંગતૂટ અને ગરમીની ઘટનાઓની નોંધ લઈને ઈટાલીની સરકારે જણાવ્યુંં છે કે સુપરવોલ્કેનો હવે ગમે ત્યારે ફાટવાની તૈયારી કરી રહ્યો છે. કેમ્પી ફ્લેગ્રીન નીચેની મેગ્મા ચેમ્બરોમાં ‘ક્રિટિકલ ડિગેસિંગ પ્રેસર’ની પ્રક્રિયા શરૂ થઈ છે. આ સ્થિતિમાં મેગ્મામાંથી વિશાળ માત્રામાં ગેસ છૂટો પડીને પૃથ્વીના પેટાળમાંના બીજા પ્રવાહીઓ અને બખોલ અને ખડકોમાં ફેલાઈ જાય અને તે દરેકમાં નવી અગ્નિ અથવા તાપ ફેલાવે. આવું પ્રચંડ માત્રામાં થાય ત્યારે ખડકો તેની ઝીંક ઝીલી શક્તા નથી અથવા સામનો કરી શક્તા નથી અને પરિણામે જવાળામુખી વિસ્ફોટ થાય છે.

આજથી ૩૯ હજાર વરસ પૂર્વે આ જવાળામુખીમાં વિસ્ફોટ થયો હતો ત્યારે ૩૦૦ ઘન કિલોમીટરનો લાવા ઊડીને આકાશમાં ૭૦ કિલોમીટર ઊંચાઈ સુધી પહોંચ્યો હતો. એક વિમાન આકાશમાં લગભગ ૩૫ હજાર ફિટની ઊંચાઈ પર ઊડતું હોય છે, જ્યારે લાવા ૭૦ કિલોમીટર આકાશમાં પહોંચે. એ વિસ્ફોટ સાથે સાડા ચાર લાખ ટન સલ્ફર ડાયોક્સાઈડ પણ ભળેલો હતો. તેની રાખ છેક બે હજાર કિલોમીટર દૂર આવેલા સેન્ટ્રલ રશિયાના પ્રદેશોમાં જઈને પડી હતી. આ વિસ્ફોટને કારણે સમગ્ર યુરોપ સદીઓ સુધી પાંગળું બની ગયું હતું.

ઈટાલી સહિત ભૂમધ્ય સમુદ્રનો કાંઠો અને સમગ્ર પૂર્વ યુરોપ પર ૨૦ સેન્ટીમીટર નવી રાખનો પટ કે થર છવાઈ ગયો હતો. સમગ્ર રશિયા પર પાંચ સેન્ટીમીટરનું આવરણ છવાઈ ગયું હતું. ખેતીવાડીની જમીનો નિર્જન પ્રદેશોમાં ફેરવાઈ ગઈ હતી. પશુપ્રાણીઓમાં ફ્લોરોસીસ નામક બીમારી ફેલાઈ હતી. પૃથ્વીના ઉપરના હવાના સ્તરમાં રાખ ફેલાઈ જવાને કારણે સૂર્યના કિરણો જમીન પર પહોંચી શક્તા ન હતા તેથી શિયાળા જેવું હવામાન જામ્યું હતું. ૩૯ હજાર વરસ પૂર્વેના કેમ્પ ફ્લેગ્રીના વિસ્ફોટમાં સમગ્ર યુરોપનું તાપમાન ચાર ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું ઘટી ગયું હશે તેવી આજના વિજ્ઞાાનીઓની ગણતરી છે. પરિણામે વરસો સુધી યુરોપની આબોહવા બદલાયેલી રહી હતી. એક અંદાજ છે કે એ શિયાળાની એટલી માઠી અસર પડી હતી કે યુરોપમાં નીએન્ડરથાલ તબક્કાનો માનવવંશ લગભગ ખતમ થઈ ગયો હતો. જો કે દરેક વિજ્ઞાાનીઓ આ તારણ સાથે સહમત થતા નથી. પિૃમ યુરોપના કેટલાક પ્રદેશોમાં તેઓની હયાતી વિસ્ફોટ બાદ પણ દસ હજાર વરસ સુધી ચાલી હતી. ફ્રાંસ અને સ્પેનમાં આ વોલ્કેનિક વિસ્ફોટની પ્રમાણમાં હળવી અસર થઈ હતી.

કેમ્પી ફલેગ્રીના વિસ્ફોટને ઝાંખો પાડે એવો જવાળામુખીય વિસ્ફોટ અમેરિકાના કોલોરાડોમાં લગભગ ત્રણ કરોડ વરસ પૂર્વે સર્જાયો હતો. પૃથ્વીના ઈતિહાસમાં આ સૌથી પ્રચંડ વિસ્ફોટ છે. એ વખતે પાંચ હજાર ઘન કિલોમીટર લાવા બહાર ફેંકાયો હતો ત્યારબાદ આજથી ૭૫ હજાર વરસ પૂર્વે ઈન્ડોનેશિયાના સુમાત્રા ખાતે જવાળામુખી ફાટયો હતો. ટોબા સરોવર ખાતેના રમણીય પ્રદેશમાં આવેલો જવાળામુખી આજે પણ સક્રિય છે. લેઈક ટોબા આજે પર્યટકોનું માનીતું સ્થળ છે પણ એ સરોવરની રચના જ એક કાલ્ડેરામાં થઈ છે. આ વિસ્ફોટમાં ઊડેલી રાખ સમગ્ર પૃથ્વી પર ફરી વળી હતી. માનવજાતિ એ સમયે આફ્રિકામાંથી બહાર નીકળી એશિયાના દેશો તરફ આગળ વધી રહી હતી. ૧૯૯૦માં સમગ્ર હિન્દ મહાસાગરના પેટાળમાંથી એ વિસ્ફોટની રાખના પુરાવા મળી આવ્યા હતા. દક્ષિણ ચીની સમુદ્ર, અરબી સમુદ્ર અને મલાવી (આફ્રિકા)ના સરોવરમાંથી પણ એ તત્ત્વોના પુરાવા મળી આવ્યા છે જે દર્શાવે છે કે એ વખતે સાત હજાર કિલોમીટર દૂર સુધી રાખ પહોંચી હતી. ભારત, ઈન્ડોનેશિયા અને મલેશિયા પર પાંચ સેન્ટીમીટર રાખનો પટ ચડી ગયો હતો. જો કે માઉન્ટ ટોબાની આ રાખ મુખ્યત્વે હિન્દ મહાસાગરમાં વધુ પડી હતી તેથી માનવ જીવન પર પડવી જોઈએ એટલી ખતરનાક અસર પડી ન હતી છતાં અમુક પ્રદેશોના લોકો પર ખૂબ માઠી અસર પડી હતી. પૃથ્વી અને જીવસંસ્કૃતિના ઈતિહાસમાં સો, બસો કે હજાર વરસ ખૂબ નગણ્ય ગણાય એટલે અનેક પેઢીઓ કંઈ પણ જાણ વગર પસાર થઈ જાય. જયાં જવાળામુખીઓ ફાટયા હતા ત્યાં જ આધુનિક સંસ્કૃતિઓ ફરીથી ખીલી છે. ઈટાલી તેનું ઉદાહરણ છે. પણ લાખો વરસે ફાટતા સુપરવોલ્કેનો આજકાલમાં ફાટે તો! વિજ્ઞાાન આજે એ સંભાવનાની વધુ ચિંતા કરી રહ્યું છે.

[email protected]