આધારને લિંક કરવાની સીમા અનિશ્ચિતકાળ સુધી વધારાઇ - Sandesh
  • Home
  • Ahmedabad
  • આધારને લિંક કરવાની સીમા અનિશ્ચિતકાળ સુધી વધારાઇ

આધારને લિંક કરવાની સીમા અનિશ્ચિતકાળ સુધી વધારાઇ

 | 3:50 am IST

નવી દિલ્હી, તા.૧૩

સર્વોચ્ચ અદાલતે બેન્ક એકાઉન્ટ અને મોબાઇલ નંબર સહિત તમામ સરકારી સેવાઓને આધાર સાથે જોડવાની સીમા અનિશ્ચિતકાળ સુધી લંબાવી દીધી છે. ચીફ જસ્ટિસ દીપક મિશ્રાની આગેવાની હેઠળની પાંચ જજોની બનેલી બંધારણીય બેન્ચે આ કેસની સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે સરકારી સેવાઓ મેળવવા માટે આધારને જબરજસ્તી અનિવાર્ય ન બનાવી શકાય. આધારની કાયદેસરતા બાબતે ફેંસલો ન થાય ત્યાં સુધી તેને લિંક કરવાની મુદત વધારવામાં આવે છે તેમ સર્વોચ્ચ અદાલતની બંધારણીય બેન્ચે જણાવ્યું હતું.

જો કે આધારને લંબાવવાની મુદત સેક્શન સાત હેઠળ આવરી લેવામાં આવેલી સેવાઓને લાગુ પડતી નથી. આ સેકશનમાં એલપીજી સબસિડી, જનધન યોજના અને જાહેર વિતરણ પ્રણાલીનો સમાવેશ થાય છે. આમ સરકારી લાભો મેળવવા માટે ૩૧ માર્ચ સુધી આધારને જોડવું જરૂરી છે.

અગાઉ પણ સમયસીમા લંબાવવામાં આવી હતી 

છેલ્લે ૧૫ ડિસેમ્બરે સર્વોચ્ચ અદાલતે આધારને વિવિધ સરકારી યોજનાઓ સાથે સાંકળવાની મુદતને લંબાવી ૩૧ માર્ચ કરી હતી, પરંતુ ગયા સપ્તાહે જણાયું હતું કે ૩૧ માર્ચ પહેલાં આ મામલાનો ફેંસલો આવે તેવી શક્યતા નથી ત્યારે અદાલતે એટર્ની જનરલને આ બાબતે સમયસર પગલાં ભરવાની તાકીદ કરી હતી જેથી છેલ્લી ઘડીએ કાયદાનું પાલન કરવા માટે દોડાદોડી ન કરવી પડે. જેના પ્રતિભાવમાં ગયા સપ્તાહે એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલે જણાવ્યું હતું કે સરકાર આધારને જોડવાની મુદત લંબાવવા બાબતે મુક્ત વલણ ધરાવે છે.

તત્કાલ પાસપોર્ટની સેવાઓ માટે પણ આધારની મુદત લંબાવાઇ 

આ આદેશમાં તત્કાલ પાસપોર્ટની સેવાઓની સેવાને પણ આવરી લેવામાં આવી છે. આમ હવે ઝડપભેર પાસપોર્ટ મેળવવા માટે પણ આધાર આપવો જરૂરી નથી. અગાઉ તત્કાલ પાસપોર્ટ મેળવવા માટે આધાર આપવો જરૂરી બનાવાયો હતો.

આધાર મામલે સુનાવણી કેમ થઇ રહી છે ? 

સર્વોચ્ચ અદાલતમાં બંધારણીય બેન્ચ સમક્ષ હાલ આધારની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓની સુનાવણી ચાલી રહી છે. પાંચ જજની બનેલી બંધારણીય બેન્ચમાં ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ એ.કે. સિકરી, જસ્ટિસ એ.એ. ખાનવિલકર, જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડ અને જસ્ટિસ અશોક ભૂષણનો સમાવેશ થાય છે. અરજદારોની દલીલો પૂરી થયા બાદ સરકાર તેનો જવાબ આપશે અને તે પછી સર્વોચ્ચ અદાલત તેનો ચુકાદો આપશે. આમ આ મહિનાના અંત પૂર્વે આ કેસનો ચુકાદો આવે તેમ ન હોવાથી અદાલતે આધારને જોડવાની મુદત લંબાવી હતી.

આધાર મામલે મોટા વાંધા શું છે?

  • બેન્ક એકાઉન્ટ અને મોબાઇલ નંબરને આધાર સાથે જોડવાના નિયમને અદાલતમાં પડકારવામાં આવ્યો છે. અરજદારોનું કહેવું છે કે આ નિયમ ગેરકાનૂની અને બંધારણીય જોગવાઇઓનો ભંગ કરે છે.
  • અરજદારોએ જણાવ્યું છે કે બંધારણની કલમ ૧૪, ૧૯ અને ૨૧ હેઠળ નાગરિકોને આપવામાં આવેલાં મૂળભૂત અધિકારો આ નિયમને કારણે જોખમાય છે. તાજેતરમાં જ ૯ ન્યાયાધીશોની બનેલી બંધારણીય બેન્ચે રાઇટ ઓફ પ્રાઇવસીને મૂળભૂત બંધારણીય અધિકાર ગણાવ્યો હતો. આધાર સામે સૌથી મોટી ફરિયાદ એ છે કે તેના કારણે નાગરિકોના રાઇટ ઓફ પ્રાઇવસીનો ભંગ થાય છે.

સર્વોચ્ચ અદાલતે આજે આપેલા આદેશથી શું ફરક પડશે? 

છેલ્લા પખવાડિયાથી મોબાઇલ સેવાઓ પૂરી પાડનારા ઓપરેટરો તેમના મોબાઇલ નંબરોને અને બેન્કો તેમના ગ્રાહકોને તેમના બેન્ક એકાઉન્ટને આધાર સાથે જોડવા માટે સંદેશા મોકલી રહી છે. હવે આધારને જોડવાની મુદત લંબાવવાને પગલે હવે સર્વોચ્ચ અદાલત આ મામલે આખરી ફેંસલો ન આપે ત્યાં સુધી આવા સંદેશાઓને હવે ગ્રાહકોએ ગણકારવાની જરૂર રહી નથી.