Supreme Court Agrees To Hear Appeals Against Talwars' Acquittal In Aarushi-Hemraj Murder Case
  • Home
  • Featured
  • આરુષિ-હેમરાજ મર્ડર મિસ્ટ્રી કેસ હવે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, તલવાર દંપત્તિની મુશ્કેલીઓ વધશે

આરુષિ-હેમરાજ મર્ડર મિસ્ટ્રી કેસ હવે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, તલવાર દંપત્તિની મુશ્કેલીઓ વધશે

 | 2:25 pm IST

દેશભરમાં ચકચાર મચાવનારા આરૂષિ અને હેમરાજ મર્ડર મિસ્ટ્રી કેસમાં ઈલાહાબાદ હાઈકોર્ટ દ્વારા રાજેશ તલવાર અને નુપૂર તલવારને છોડી મુકવાના નિર્ણય હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. તલવાર સંપત્તીને મુક્ત કરવાના ઈલાહાબાદ હાઈકોર્ટના નિર્ણય વિરૂદ્ધ સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી સુપ્રીમ કોર્ટે સ્વિકારી લીધી છે.

સીબીઆઈની અરજી સ્વિકારતા દેશની વડી અદાલતે કહ્યું છે કે, સીબીઆઈની અપીલની સાથો સાથ તલવાર દંપતિના નોકર હેમરાજની પત્ની દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી પણ હાથ ધરવામાં આવશે.

ગત વર્ષે 12 ઓક્ટોબરે ઈલાહાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ બીકે નારાયણ અને જસ્ટિસ એકે મિશ્રાએ તલવાર દંપતિને શંકાનો લાભ આપતા તેમની 14 વર્ષની દિકરી અને નોકર હેમરાજની હત્યાના આરોપોમાંથી મુક્ત કર્યાં હતાં. બંનેની હત્યા નોએડાના જળવાયુ વિહાર વિસ્તારમાં 16 મે, 2008ના રોજ કરવામાં આવી હતી.

ઈલાહાબાદ હાઈકોર્ટે ગાઝિયાબાદની સીબીઆઈ અદાલતનો 26 નવેમ્બર, 2013ના રોજ તલવાર દંપતિને આજીવન કેદની સજાના નિર્ણયને પલટી નાખ્યો હતો અને તલવાર દંપત્તિને છોડી મુકવાનો આદેશ કર્યો હતો. આરુષિની તેના બેડરૂમમાં જ હત્યા નિપજાવવામાં આવી હતી. આ મામલે પહેલા નોકર હેમરાજ પર શંકા ગઈ હતી. પરંતુ બીજા દિવસે ઘરના ધાબા પરથી હેમરાજનો મૃતદેહ મળી આવતા આ મર્ડર મિસ્ટ્રી હવે ડબલ મર્ડરમાં ફેરવાઈ ગઈ હતી.

ઉત્તર પ્રદેશ પોલીસે રાજેશ તલવાર પર તેમની દિકરી આરુષિની હત્યાનો આરોપ લગાવ્યો હતો. રાજેશ તલવારની 23 મે 2008ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ 31, મે 2008ના રોજ સીબીઆઈએ આ કેસને પોતાના હાથમાં લીધો હતો અને પ્રારંભીક તપાસમાં આરૂષિના માતા-પિતાને છોડી મુક્યા હતાં, પરંતુ બાદમાં તલવાર દંપત્તિને બંનેની હત્યાઓ માટે તેમને દોષિત ઠેરવવામાં આવ્યાં હતાં.

3 જુન 2008ના રોજ રાજેશ તલવારના કંપાઉંડર કૃષ્ણાની ધરપકડ કરવામાં આવી હતી. 10 દિવસ બાદ તલવાર દંપતિના મિત્રના નોકર રાજકુમાર અને વિજય મંડલની ધરપકડ કરવામાં આવી હતી. પુરાવાઓના અભાવે ત્રણેયને મુક્ત કરવામાં આવ્યાં હતાં.